ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ

Spread the love

ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બન્યું ‘નમસ્તે’ શિલ્પ; મંદિર મહોત્સવ પૂર્વે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ

પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ

ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં મંગળવારે ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બનેલા ‘નમસ્તે’ શિલ્પનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. એવન્યુ દુ જનરલ-દ-ગોલ પરના સર્કલ ખાતે સ્થાપિત આ શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

‘નમસ્તે’ મુદ્રામાં જોડાયેલા હાથનો સંદેશ

શિલ્પમાં ભારતીય પરંપરાની પરિચિત ‘નમસ્તે’ મુદ્રામાં જોડાયેલા હાથ દર્શાવવામાં આવ્યા છે. નમસ્તે ભારતીય સંસ્કૃતિમાં સ્વાગત, સન્માન, નમ્રતા અને પરસ્પર આદરનું પ્રતીક માનવામાં આવે છે. બુસી-સેંટ-જ્યોર્જેસમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર સ્થાપિત આ શિલ્પ શહેરમાં પ્રવેશતા દરેક વ્યક્તિને ઉષ્માભર્યો આવકાર આપવાનો સંદેશ આપે છે. સાથે જ તે શહેરની સાંસ્કૃતિક વિવિધતા અને સર્વસમાવેશક ભાવનાને પણ વ્યક્ત કરે છે.

વિવિધ સંસ્કૃતિઓના પ્રતીકોની પરંપરામાં નવો ઉમેરો

બુસી-સેંટ-જ્યોર્જેસમાં વિવિધ દેશોના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરતા અનેક સાંસ્કૃતિક પ્રતીકો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં શાંતિ અને સહિષ્ણુતાનો સંદેશ આપતું ત્રણ મસ્તકવાળું હાથીનું શિલ્પ, કંબોડિયન વારસાનું પ્રતિનિધિત્વ કરતું બાયોન શિલ્પ તેમજ વિયેતનામી શરણાર્થીઓની સ્મૃતિને સમર્પિત ‘લે રેવ દ લા મેર’ શિલ્પનો સમાવેશ થાય છે. આ પરંપરામાં ‘નમસ્તે’ શિલ્પનો ઉમેરો ભારતીય સંસ્કૃતિને પણ શહેરના સાંસ્કૃતિક વારસા સાથે જોડે છે.

મંદિર મહોત્સવ પૂર્વે ઐતિહાસિક ક્ષણ

બુસી-સેંટ-જ્યોર્જેસમાં 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’નું આયોજન થવાનું છે. ફ્રાન્સના પ્રથમ પરંપરાગત રીતે રચાયેલા હિન્દુ મંદિર એવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે યોજાનારા આ મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ, કલા અને પરંપરાની ઝલક જોવા મળશે.

મેયરે ગણાવી ફ્રાન્સ-ભારતની મિત્રતાની નિશાની

અનાવરણ સમારોહમાં મેયર યાન ડુબોસ્કે ફ્રાન્સ અને ભારત વચ્ચેની મિત્રતાને બિરદાવતાં જણાવ્યું કે જોડાયેલા હાથ શાંતિ અને અન્યો પ્રત્યેની કરુણાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ શિલ્પ બે સંસ્કૃતિઓ, બે પરંપરાઓ અને બે સભ્યતાઓના સંગમનું પણ પ્રતીક છે. બંનેની પોતાની આગવી ઓળખ હોવા છતાં પરસ્પર સહકાર, બંધુત્વ અને એકતાયુક્ત માનવતાના નિર્માણમાં બંને એકબીજાના પૂરક છે.

મેયરે બુસી-સેંટ-જ્યોર્જેસને વિવિધ સમુદાયોની સંસ્કૃતિઓ અને પરંપરાઓ એકબીજા સાથે હળીમળી જાય તેવા અનોખા સ્થળ તરીકે વર્ણવ્યું અને ઉપસ્થિત સૌનું સત્તાવાર સ્વાગત કરતાં અંતે ‘નમસ્તે’ કહી અભિવાદન કર્યું.

ભારતીય વારસાનું પ્રતીક: કોન્સ્યુલર મિનિસ્ટર

ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમારે ‘નમસ્તે’ શિલ્પને ભારતની સભ્યતા અને વારસાનું પ્રતીક ગણાવ્યું. તેમણે જણાવ્યું કે આ શિલ્પ ફ્રાન્સના સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના ચિરંજીવ આદર્શોનું પણ સાક્ષી છે. ભારતીય સમુદાય પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને ફ્રાન્સના સમાજમાં સુંદર રીતે એકરૂપ થયો છે, તેનું આ શિલ્પ જીવંત ઉદાહરણ છે.

નમ્રતા, સેવા અને સન્માનનો સંદેશ

આનંદસ્વરૂપદાસ સ્વામીએ ‘નમસ્તે’માં રહેલા નમ્રતાના મૂલ્યને સમજાવતાં કહ્યું કે નમ્રતા આપણને અન્ય પાસેથી શીખવા, અન્યનો આદર કરવા અને અન્યની સેવા કરવાની પ્રેરણા આપે છે. અહંકાર જેટલો ઓછો થાય, અન્યની સેવા કરવાની ભાવના એટલી જ વધે છે.

તેમણે ઉમેર્યું કે આ ગુણો ભારતીય સંસ્કૃતિમાં ઊંડે સુધી વણાયેલા છે અને શિષ્ટાચાર, પરસ્પર કાળજી, ગૌરવ, સન્માન તથા માનવીય બંધુત્વ જેવા ફ્રાન્સના મૂલ્યો સાથે સુંદર સાંસ્કૃતિક સેતુ રચે છે.

સમારોહમાં બુસી-સેંટ-જ્યોર્જેસના ‘પબ્લિક સ્પેસિસ’ વિભાગના વડા વેરોનિક લેકવા સહિત ડેપ્યુટી મેયર માર્ક નુગાયરોલ અને ચીફ ઓફ સ્ટાફ સેડ્રિક ટાર્ટોડ-જિનેસ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. ‘નમસ્તે’ શિલ્પ સાથે સર્કલને સાકાર કરવામાં સહયોગ આપનાર તમામ અધિકારીઓનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *