ફ્રાન્સના પેરિસમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ઐતિહાસિક આગમન: ફેસ્ટિવલ ઓફ કલ્ચરનો શુભારંભ

Spread the love

ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો પ્રારંભ

બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ)

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ૨૯ ઓગસ્ટના રોજ ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે ભવ્ય આગમન થયું હતું. તેમની પાવન ઉપસ્થિતિમાં આગામી ૬ સપ્ટેમ્બરના રોજ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ થશે. આ ઐતિહાસિક ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ (પેરિસ મંદિર મહોત્સવ) અંતર્ગત ૨ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન અનેકવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે.

નવનિર્મિત મંદિર અને ‘સ્વામિનારાયણ નગર’નું પ્રથમ અવલોકન

મહંત સ્વામી મહારાજના પેરિસ આગમનથી મંદિરના સંકલ્પથી લઈને નિર્માણ સુધીની યાત્રાનું એક અનોખું સીમાચિહ્ન સ્થપાયું છે. તેમણે નવનિર્મિત મંદિરનું પ્રથમ વખત અવલોકન કર્યું હતું અને ૧૦ એકરમાં પથરાયેલા ‘સ્વામિનારાયણ નગર’ મહોત્સવ પરિસરની મુલાકાત લીધી હતી, જે મહોત્સવ દરમિયાન પધારનાર હજારો મુલાકાતીઓના સ્વાગત માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

ભક્તિમય માહોલમાં ભવ્ય સ્વાગત

યુરોપ તથા વિશ્વભરમાંથી આવેલા સેંકડો ભક્તો અને સ્વયંસેવકોએ માર્ગની બંને બાજુ ઊભા રહીને ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. પારંપરિક નૃત્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા સ્વાગત સમયે અનોખો આનંદમય અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. બી.એ.પી.એસ. યુકે અને યુરોપ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્યો તેમજ મહોત્સવના આયોજનમાં સહયોગ આપનાર પ્રતિનિધિઓએ વિધિવત રીતે સ્વાગત કર્યું હતું.

ભવ્ય નગરયાત્રા અને જલયાત્રાનું આકર્ષણ

આ મહોત્સવ અંતર્ગત ૩ સપ્ટેમ્બરના રોજ ૧૧ સુશોભિત નૌકાઓનો ભક્તિમય કાફલો સેન નદી પર ભારત-ફ્રાન્સ વચ્ચેની ચિરસ્થાયી મૈત્રીનું દર્શન કરાવશે. આ ઉપરાંત, ૫ સપ્ટેમ્બરના રોજ એફિલ ટાવરથી શરૂ થઈ મધ્ય પેરિસમાંથી પસાર થતી ભવ્ય નગરયાત્રા યોજાશે, જેમાં ૫,૦૦૦થી વધુ સહભાગીઓ અને ૧૪ સુશોભિત રથો સામેલ હશે.

ફ્રાન્સમાં બી.એ.પી.એસ. – એક ઐતિહાસિક ઝલક

  • ૭ જુલાઈ ૧૯૭૦: યોગીજી મહારાજે પેરિસના ઓર્લી એરપોર્ટ પર પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીને ફ્રાન્સની ભૂમિને પાવન કરવાની વિનંતી કરી.
  • ૪ મે ૧૯૮૮: પ્રમુખ સ્વામી મહારાજે આકાશમાંથી પેરિસ પર પુષ્પવર્ષા કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
  • ૨ ઓગસ્ટ ૧૯૯૫: લંડનના નીસડન મંદિરના લોકાર્પણ પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજે પેરિસમાં પરંપરાગત હિન્દુ મંદિરની પરિકલ્પના પ્રગટ કરી.
  • ૧૬ ઓક્ટોબર ૨૦૧૭: બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્કે મહંત સ્વામી મહારાજને ‘મેડલ ઓફ ઓનર’ એનાયત કર્યો.
  • ૧૯ ઓક્ટોબર ૨૦૨૧: પેરિસના નવા મંદિર સ્થળ પર ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ.
  • ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૨: નવા મંદિરની શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ.
  • ૧૩ જુલાઈ ૨૦૨૩: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં નિર્માણાધીન મંદિરની પ્રગતિની જાણકારી લીધી.
  • ૪ જૂન ૨૦૨૪: પેરિસમાં નવા સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું બાંધકામ શરૂ થયું.
  • ૨૯ ઓક્ટોબર ૨૦૨૫: યુકેના રાજા ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલાએ નીસડન મંદિર મુલાકાત દરમિયાન પેરિસ મંદિરના નિર્માણની પ્રશંસા કરી.
  • ૧૨ નવેમ્બર ૨૦૨૫: બુસી-સેંટ-જ્યોર્જેસના મેયરે સંયુક્ત રાષ્ટ્રમાં પેરિસના આગામી બી.એ.પી.એસ. મંદિર વિશે વાત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *