પેરિસમાં ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ, 6 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ કરશે પ્રાણપ્રતિષ્ઠા
પેરિસ
કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિ માટે વિશ્વવિખ્યાત પેરિસ શહેર હવે સનાતન હિન્દુ આધ્યાત્મિક પરંપરાના એક ઐતિહાસિક કેન્દ્રનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તરીકે ઓળખાતું આ મંદિર ભારતીય મંદિર સ્થાપત્ય અને આધુનિક ફ્રેન્ચ ઈજનેરીના સુભગ સમન્વયનું અનોખું ઉદાહરણ બન્યું છે.
13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’નું આયોજન
મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને લોકાર્પણના અવસરે પેરિસમાં આગામી 2 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી 13 દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ યોજાશે. આ મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ, કલા, સંગીત, આધ્યાત્મિકતા અને વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓનું વૈશ્વિક સ્તરે પ્રદર્શન કરવામાં આવશે. વિશ્વના 42 દેશોમાંથી ભક્તો અને ભાવિકો આ ઐતિહાસિક પ્રસંગમાં જોડાશે.
6 સપ્ટેમ્બરે પ્રાણપ્રતિષ્ઠા અને લોકાર્પણ
બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 6 સપ્ટેમ્બરના રોજ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તથા લોકાર્પણ કરશે. મંદિર શ્રદ્ધા, ઉપાસના, પ્રેમ, સેવા અને બંધુત્વ જેવા મૂલ્યોના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
2017માં જમીન ફાળવણીની જાહેરાત
મંદિરના નિર્માણની સફરની શરૂઆત 2017માં થઈ હતી. પેરિસમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્ક દ્વારા મંદિર માટે જમીન ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 2021માં બી. એ. પી. એસ.ના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન અને 2022માં શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી.
ભારતીય સ્થાપત્ય અને ફ્રેન્ચ ઈજનેરીનો સંગમ
મંદિરની ડિઝાઇન પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યના સિદ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવી છે. તેને ફ્રાન્સના ઈજનેરી, પર્યાવરણ અને બાંધકામના ધોરણો અનુસાર સાકાર કરવા જાણીતી ફ્રેન્ચ આર્કિટેક્ચર ફર્મ Arte Charpentierને જવાબદારી સોંપવામાં આવી હતી. બાંધકામમાં Bateg, જે VINCI Constructionની સહયોગી કંપની છે, તેમજ GS Construction દ્વારા ઇન્ટિરિયર ફિનિશિંગનું કાર્ય કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ પણ નિહાળ્યું હતું 3D મોડેલ
13 જુલાઈ, 2023ના રોજ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પેરિસમાં બી. એ. પી. એસ. સંસ્થાના પ્રતિનિધિઓ તથા Arte Charpentierના આર્કિટેક્ટ્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મંદિર નિર્માણની યોજના અને મંદિરનું 3D મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું.
‘Bénédictions’ લખીને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ
એપ્રિલ 2024માં મહંત સ્વામી મહારાજે મંદિરના અંતિમ નકશા પર ફ્રેન્ચ શબ્દ ‘Bénédictions’, એટલે કે ‘આશીર્વાદ’, લખીને આશીર્વાદ આપ્યા હતા. 2024માં સત્તાવાર રીતે બાંધકામ શરૂ થયું અને 4 જૂન, 2024ના રોજ પાયાના સ્તંભનું કાર્ય આરંભાયું. બાદમાં ભારતમાં પ્રથમ પથ્થરની પૂજનવિધિ પણ સંપન્ન થઈ.
ભારતના કારીગરો અને ફ્રેન્ચ નિષ્ણાતોની મહેનત
જાન્યુઆરી 2026માં ભારતમાં કોતરાયેલા પથ્થરોનું પ્રથમ કન્ટેનર પેરિસ પહોંચ્યું હતું. મંદિર નિર્માણમાં ભારતીય કારીગરો અને ફ્રેન્ચ ઈજનેરો ઉપરાંત પ્રસિદ્ધ નોત્ર-દામ કેથેડ્રલના પુનઃસ્થાપન કાર્ય સાથે સંકળાયેલી ફ્રેન્ચ સંસ્થા H Chevalierના નિષ્ણાતોએ પણ યોગદાન આપ્યું છે. આ મંદિર હવે ભારતીય સંસ્કૃતિ અને સનાતન આધ્યાત્મિક પરંપરાને યુરોપના હૃદયમાં નવી ઓળખ આપતું મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
