‘અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ એટલી જ વાઇબ્રન્ટ છે’: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
રોબિન્સવિલે, ન્યુ જર્સી:
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર, 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રસાર, સમાજસેવા અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ સમર્પણની પ્રશંસા કરી હતી.
પુષ્પહારથી મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત
મુખ્યમંત્રીના આગમન પ્રસંગે બી.એ.પી.એસ. વતી પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂજ્ય નીલકંઠસેવાદાસ સ્વામીએ તેમનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. તેમની સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહ્યું હતું. તેમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. સંજીવ કુમાર અને મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે સહિતના અધિકારીઓનો સમાવેશ થતો હતો.
સેવા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનું વૈશ્વિક કેન્દ્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અક્ષરધામ ભારતના સેવા, આધ્યાત્મિકતા અને શ્રેષ્ઠતાના શાશ્વત મૂલ્યોને વિશ્વભરના સમુદાયો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. વિદેશમાં વસતા ભારતીય સમુદાય માટે સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને નવી પેઢી સુધી તેનો વારસો પહોંચાડવો અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
નિર્માણાધીન અક્ષરધામ મ્યુઝિયમની મુલાકાત
મુખ્યમંત્રીએ હાલમાં નિર્માણાધીન અક્ષરધામ મ્યુઝિયમની વિશેષ મુલાકાત પણ લીધી હતી. અમેરિકાના પ્રથમ હિન્દુ મ્યુઝિયમોમાં સ્થાન મેળવનાર આ મ્યુઝિયમમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિરાસતને આધુનિક માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવશે. અહીં 12 સ્થાપત્ય પ્રતિકૃતિઓ, 40 મલ્ટીમીડિયા શો, 85 ડાયોરામા અને 200 પ્રતિમાઓનો સમાવેશ થવાનો છે.
મુખ્યમંત્રીશ્રીએ મ્યુઝિયમને અનોખું સાંસ્કૃતિક સીમાચિહ્ન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અહીં વિવિધ વય અને પૃષ્ઠભૂમિના મુલાકાતીઓને શ્રદ્ધા, સંવાદિતા, કરુણા, પારિવારિક મૂલ્યો અને નિઃસ્વાર્થ સેવાના સાર્વત્રિક આદર્શો સાથે જોડાવાની તક મળશે.
‘તમે ભારતની પ્રાચીન સંસ્કૃતિને પુનઃ જીવંત કરી દીધી છે’
બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મંદિરની સુંદર કોતરણી, વિશાળતા અને ભવ્યતાથી પ્રભાવિત થયા હતા. સાથે જ અક્ષરધામના શાંત અને આધ્યાત્મિક વાતાવરણની પણ તેમણે પ્રશંસા કરી હતી. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ, “તમે ભારતની પ્રાચીન સંસ્કૃતિને પુનઃ જીવંત કરી દીધી છે,” તેવી લાગણી વ્યક્ત કરી હતી.
સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા
મુખ્યમંત્રીએ અક્ષરધામમાં સેવા આપતા સ્વયંસેવકો સાથે મુલાકાત કરી હતી. તેમણે તેમની શિસ્ત, નમ્રતા, આતિથ્યભાવ અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અક્ષરધામના નિર્માણ અને સંચાલનમાં સ્વયંસેવકોનું યોગદાન આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપશે. વિશ્વના કોઈપણ ખૂણેથી આવતા મુલાકાતીને અહીં શાંતિનો અનુભવ થશે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.
‘અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ વાઇબ્રન્ટ છે’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના સંદર્ભમાં અમેરિકાની મુલાકાતે છે. લગભગ ત્રણ દાયકામાં ગુજરાતના કોઈ મુખ્યમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હોવાનું જણાવાયું છે. અક્ષરધામની મુલાકાત અંગે તેમણે કહ્યું હતું કે તેમની અમેરિકા મુલાકાત ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પર કેન્દ્રિત છે, ત્યારે રોબિન્સવિલેનું અક્ષરધામ ભારતની સંસ્કૃતિને પણ એટલી જ ‘વાઇબ્રન્ટ’ રીતે રજૂ કરે છે.
તેમણે અક્ષરધામને માત્ર ઉપાસનાનું સ્થળ નહીં, પરંતુ સંસ્કૃતિ, કલા, આધ્યાત્મિકતા અને શાશ્વત મૂલ્યોના ઉત્સવ સમાન ગણાવ્યું હતું.
વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના પ્રસારને વેગ
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન અમેરિકાભરમાંથી ડેલિગેટ્સ તથા વિવિધ સમુદાયોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાતે વિશ્વભરમાં ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના જતન તથા પ્રસાર માટે બી.એ.પી.એસ.ની ભૂમિકા વધુ ઉજાગર કરી હતી.
મંદિરો ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો, રાહતકાર્યો, આરોગ્ય સેવાઓ, પર્યાવરણીય જાગૃતિ, યુવા વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા બી.એ.પી.એસ. ગુજરાત, ભારત અને વિશ્વભરમાં સમાજસેવાનું કાર્ય કરી રહી છે.
