ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ

Spread the love

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક; 2019ની H1N1 ગાઇડલાઇન મુજબ સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારનું પાલન કરવા સૂચના

ગાંધીનગર:

ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા નિયંત્રણ તથા સીઝનલ ફ્લૂ એટલે કે H1N1 સામેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા. આરોગ્ય મંત્રીએ રાજ્યમાં H1N1ના દર્દીઓની હાલત સામાન્ય હોવાનું જણાવી નાગરિકોને ચિંતા ન કરવાની અપીલ કરી હતી.

ચોમાસાના રોગચાળા પર અસરકારક નિયંત્રણ

આરોગ્ય મંત્રીએ ચોમાસા દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી. ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા, ચિકનગુનિયા, કમળો તેમજ સામાન્ય સીઝનલ ફ્લૂ જેવા રોગોના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં ઝડપી અને યોગ્ય સારવાર મળી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. તબીબો અને આરોગ્ય કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ મજબૂત બની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય રાજ્યોમાંથી આવાગમનને પગલે સાવચેતી

પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં H1N1ના કેસો સામે આવી રહ્યા છે. આ શહેરોમાંથી ફ્લાઇટ, ટ્રેન અને બસ મારફતે ગુજરાતમાં સતત લોકોનું આવાગમન થતું હોવાથી રાજ્યમાં સીઝનલ ફ્લૂ સામે આગોતરી સજ્જતા જરૂરી છે. જોકે, ગુજરાતમાં હાલમાં H1N1નો કોઈ ગંભીર ઉપદ્રવ નથી અને દર્દીઓની સ્થિતિ સામાન્ય છે. તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

2019ની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન

બેઠકમાં આરોગ્ય મંત્રીએ રાજ્યની તમામ હોસ્પિટલોમાં વર્ષ 2019ની H1N1 ગાઇડલાઇન મુજબ દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયાનું ચોક્કસ પાલન કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ઇમરજન્સી વિભાગના તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને પણ H1N1ના સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપવા જણાવાયું હતું.

દવા, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા

H1N1 સામેની સજ્જતાના ભાગરૂપે તમામ સરકારી અને સિવિલ હોસ્પિટલોમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. સાથે જ ઓક્સિજનની સુવિધા અને વેન્ટિલેટર પણ પૂરતી સંખ્યામાં તૈયાર રાખવા તબીબી અધિક્ષકો અને મેડિકલ કોલેજોના ડિનને સૂચના આપવામાં આવી હતી, જેથી જરૂરિયાત ઊભી થાય તો દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે.

હોસ્પિટલની વ્યવસ્થા અને સ્વચ્છતા પર ભાર

આરોગ્ય મંત્રીએ હોસ્પિટલોમાં ટેકનિકલ અથવા સ્ટાફ સંબંધિત સમસ્યા હોય તો તેનો આંતરિક સ્તરે તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું, જેથી દર્દીઓની સારવાર અને સેવાઓમાં વિક્ષેપ ન પડે. સાથે જ સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા પણ તેમણે ખાસ ભાર મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *