અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

Spread the love

30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ; નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ-10’ના 1,250 ટેબ્લેટ જપ્ત, રૂ.1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત

અમદાવાદ

રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન ‘NICARDIA RETARD 10 TABLETS’ના શંકાસ્પદ જથ્થા સહિત અંદાજે રૂ.1.70 લાખની દવાઓ પ્રતિબંધિત કરવામાં આવી છે.

નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ-10’ અંગે મળી હતી બાતમી

તંત્રને બાતમી મળી હતી કે J.B. Chemicals & Pharmaceuticals Ltd., ભરૂચ દ્વારા ઉત્પાદિત દર્શાવાતી NICARDIA RETARD 10 TABLET, બેચ નંબર ACG25007ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. ખાતે વેચાતી હોવાની શક્યતા છે. આ માહિતીના આધારે 19 ઓગસ્ટ, 2026થી અમદાવાદ તથા અન્ય શહેરોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

30થી વધુ પેઢીઓ અને મેડિકલ સ્ટોરની તપાસ

છેલ્લા ત્રણ દિવસમાં તંત્ર દ્વારા 30થી વધુ મેડિકલ સ્ટોર, એજન્સીઓ અને અન્ય પેઢીઓની તપાસ કરવામાં આવી છે. તપાસ હજુ ચાલુ છે. નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી NICARDIA RETARD 10 TABLETS, Batch No. ACG25007ના 660 ટેબ્લેટ મળી આવ્યા હતા. આ જથ્થો નિયત નમૂના હેઠળ જપ્ત કરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે.

અમદાવાદથી ભાવનગર સુધી દવાના જથ્થાની તપાસ

પાર્શ્વ મેડિકલ એજન્સી, પાલડી, અમદાવાદ પાસેથી Apex Pharma Agency, ભાવનગર મારફતે રોટરી ટીમ્બી મેડિકલ સ્ટોર્સ, ટીમ્બી, ભાવનગરને સપ્લાય કરાયેલા ઉક્ત દવાના 590 ટેબ્લેટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ રીતે અત્યાર સુધીમાં શંકાસ્પદ NICARDIA RETARD 10ના કુલ 1,250 ટેબ્લેટ તંત્રની કાર્યવાહી હેઠળ આવ્યા છે.

અન્ય શંકાસ્પદ દવાઓ પણ પ્રતિબંધિત

તપાસ દરમિયાન અન્ય દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે. વિવિધ બેચની Nicardia Retard 20, Cilacar 5, Cilacar 10, Cilakar TM 50 અને Nicardia Retard 10 સહિતના શંકાસ્પદ જથ્થાને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. વિવિધ પેઢીઓમાંથી અંદાજે રૂ.1.70 લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો નિયત નમૂના હેઠળ રોકવામાં આવ્યો છે.

લખનઉથી અમદાવાદ અને સાણંદ સુધી સપ્લાય ચેન

પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાની સપ્લાય ચેન પણ સામે આવી છે. તંત્રની તપાસ મુજબ સેના ફાર્માસ, લખનઉ → પાર્શ્વ મેડિકલ એજન્સી, પાલડી → પારસ ઈકોમેડ, સેટેલાઇટ → સાણંદ મેડિકલ સ્ટોર → લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ, સેટેલાઇટ સુધી દવાના સપ્લાયની કડી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ, સુરત, ભુજ અને ભાવનગરમાં તપાસ

તંત્ર દ્વારા લીલાવતી ફાર્મસી, સાણંદ મેડિકલ સ્ટોર્સ, પારસ ઈકોમેડ, પાર્શ્વ મેડિકલ એજન્સી, ફાર્મા-365, અરિહંત મેડિકલ એજન્સી, જે.એલ.યુ. મેડિકલ એજન્સી, વર્ધમાન મેડિકલ એજન્સી સહિત અમદાવાદની અનેક પેઢીઓની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત જૂનાગઢ, સુરત, ભુજ અને ભાવનગરની સંબંધિત પેઢીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉત્પાદક સુધી તપાસનો વ્યાપ લંબાવાશે

તંત્ર દ્વારા સંબંધિત પેઢીઓની ખરીદ-વેચાણની વિગતો અને દવાઓના સપ્લાય રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને જરૂર જણાશે તો તપાસનો વ્યાપ ઉત્પાદક સુધી લંબાવવામાં આવશે. દવાના ગેરકાયદેસર કે બનાવટી વેચાણમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી ઉપરાંત જરૂર જણાય તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે કાઉન્ટરફેટ તથા ગેરકાયદેસર દવાઓ સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *