૨૬૭ ખેલાડીઓ વચ્ચે મોક્ષિતે ૮ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું ; ટોચના ચાર ખેલાડીઓ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
નવમા અને અંતિમ રાઉન્ડમાં નીલ નાનકાનીને હરાવી મોક્ષિતે ખિતાબ પોતાના નામે કર્યો
અમદાવાદ:
અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા રાજપથ ક્લબ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ સિનિયર (ઓપન) FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-2026’*માં મોક્ષિત શાહે શાનદાર પ્રદર્શન કરીને વિજેતાપદ હાંસલ કર્યું હતું. નવમા અને અંતિમ રાઉન્ડ બાદ મોક્ષિતે કુલ ૮ પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. પ્રતિષ્ઠિત આ સ્ટેટ સિલેક્શન સ્પર્ધામાં ગુજરાતના ૨૦થી વધુ જિલ્લાઓમાંથી કુલ ૨૬૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ત્રીજા અને છઠ્ઠા રાઉન્ડમાં મુકાબલા ડ્રો રહ્યા
ટુર્નામેન્ટ દરમિયાન મોક્ષિત શાહની દિવ્યા નાગદા સામે ત્રીજા રાઉન્ડમાં અને ઉજ્જવલ બંસલ સામે છઠ્ઠા રાઉન્ડમાં રમાયેલી બંને મેચ ડ્રોમાં પરિણમી હતી. જોકે, ત્યારબાદના રાઉન્ડમાં સતત સારા પ્રદર્શન સાથે તેણે ખિતાબની દાવેદારી મજબૂત બનાવી હતી.
અંતિમ રાઉન્ડમાં નીલ નાનકાનીને હરાવી ખિતાબ જીત્યો
નિર્ણાયક નવમા અને અંતિમ રાઉન્ડમાં મોક્ષિત શાહે નીલ નાનકાનીને પરાજય આપીને કુલ ૮ પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે તેણે ચેમ્પિયનશિપનું પ્રથમ સ્થાન પોતાના નામે કર્યું હતું. ઉજ્જવલ બંસલ પણ ૮ પોઈન્ટ સાથે પ્રથમ રનર-અપ રહ્યા હતા, જ્યારે જિયાન ગોંડલિયાએ ૭.૫ પોઈન્ટ સાથે બીજા રનર-અપનું સ્થાન મેળવ્યું હતું.
આર્યન અને માન્યા ટોપ-5માં
ટુર્નામેન્ટમાં આર્યન અગ્રવાલ અને માન્યા ડ્રોલિયાએ ૭-૭ પોઈન્ટ મેળવ્યા હતા. બંને ખેલાડીઓ અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને રહ્યા હતા. આમ, સમગ્ર સ્પર્ધામાં ટોચના ખેલાડીઓ વચ્ચે અંતિમ તબક્કા સુધી રસાકસી જોવા મળી હતી.
ટોચના પાંચ વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર
સ્પર્ધાના સમાપન સમારોહમાં GSCAના ભાવેશ પટેલ અને મયુર પટેલ દ્વારા ટોચના પાંચ વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે જ વિજેતાઓને કુલ રૂ. ૭૫,૦૦૦ની રોકડ પુરસ્કાર રાશિ પણ આપવામાં આવી હતી. આયોજકો દ્વારા તમામ વિજેતાઓને અભિનંદન પાઠવી ચેસ ક્ષેત્રે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ટોચના ચાર ખેલાડીઓ નેશનલ ચેમ્પિયનશિપમાં રમશે
ગુજરાત સિલેક્શન સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોચના ચાર ખેલાડીઓ હવે ઉત્તર પ્રદેશમાં યોજાનારી નેશનલ સિનિયર (ઓપન) FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-2026માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ ખેલાડીઓ પાસેથી રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધપાત્ર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
