21 જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો, 2 સપ્ટેમ્બરે રમાશે ફાઇનલ; નેશનલ ટીમ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ શરૂ
ગાંધીનગર:
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો ગાંધીનગર ખાતે શાનદાર પ્રારંભ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓની પ્રતિભાશાળી સબ-જૂનિયર ખેલાડીઓની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની સાથે ગુજરાતની નેશનલ ટીમના કેમ્પમાં સ્થાન મેળવવાની તક પણ મળશે.
21 જિલ્લાની ટીમો વચ્ચે ટક્કર
ટુર્નામેન્ટમાં ગુજરાતના કુલ 21 જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમોને સાત ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ ‘A’માં બનાસકાંઠા, કચ્છ અને પંચમહાલ, ગ્રુપ ‘B’માં ભરૂચ, બરોડા અને ગાંધીનગર, જ્યારે ગ્રુપ ‘C’માં સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગરની ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાત ગ્રુપમાં ટીમોનું વિભાજન
ગ્રુપ ‘D’માં તાપી, મહેસાણા અને અમદાવાદની ટીમો છે. ગ્રુપ ‘E’માં વલસાડ, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુર, જ્યારે ગ્રુપ ‘F’માં મોરબી, રાજકોટ અને જામનગરની ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ ‘G’માં સુરત, બોટાદ અને આણંદની ટીમો વચ્ચે મુકાબલો થશે. ગ્રુપ સ્ટેજના મેચો આજથી શરૂ થયા છે.
ગ્રુપ વિજેતાઓને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન
દરેક ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમો ઉપરાંત તમામ ગ્રુપમાંથી શ્રેષ્ઠ બીજા ક્રમે રહેનારી એક ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલા યોજાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 2 સપ્ટેમ્બર, 2026ના રોજ રમાશે.
પ્રથમ દિવસે ચાર મુકાબલાના પરિણામ
ટુર્નામેન્ટના પ્રથમ દિવસે રમાયેલા મુકાબલામાં કચ્છની ટીમે બનાસકાંઠાને, બરોડા જિલ્લાની ટીમે ભરૂચને, જૂનાગઢ જિલ્લાની ટીમે સુરેન્દ્રનગરને અને મહેસાણા જિલ્લાની ટીમે તાપી જિલ્લાની ટીમને હરાવી વિજય મેળવ્યો હતો.
આવતીકાલે ચાર મહત્વના મુકાબલા
આવતીકાલે ટુર્નામેન્ટમાં ચાર મેચ રમાશે. પ્રથમ મુકાબલો કચ્છ અને પંચમહાલ વચ્ચે, બીજો મુકાબલો બરોડા અને ગાંધીનગર વચ્ચે, ત્રીજો મુકાબલો જૂનાગઢ અને ભાવનગર વચ્ચે, જ્યારે ચોથો અને અંતિમ મુકાબલો મહેસાણા અને અમદાવાદ વચ્ચે રમાશે.
નેશનલ ટીમ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી
આ ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓ માટે માત્ર જિલ્લાકક્ષાની સ્પર્ધા પૂરતી મર્યાદિત નથી. ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે ખેલાડીઓ માટે પોતાના કૌશલ્ય અને પ્રતિભા સાબિત કરવાની આ મહત્વપૂર્ણ તક બની છે.
