અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

Spread the love

વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવા જનજાગૃતિ જરૂરી : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

અમદાવાદ:

અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નેત્રદાનના મહત્વ અંગે લોકોને જાગૃત કરી વધુમાં વધુ નાગરિકોને નેત્રદાન માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે નેત્રદાન થકી નવી દૃષ્ટિ મેળવનાર 12 વર્ષીય ઉર્વીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન પખવાડિયું

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દર વર્ષે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ચક્ષુદાન તથા આંખના રોગો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવાનો છે.

1.50 લાખ લોકોને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની જરૂર

મંત્રીએ જણાવ્યું કે ભારતમાં દર વર્ષે આશરે 1.50 લાખ લોકોને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઊભી થાય છે, જ્યારે તેની સામે આશરે 50 હજાર કોર્નિયાનું દાન થાય છે. તેમાંથી અંદાજે 25થી 30 હજાર દર્દીઓને સફળ શસ્ત્રક્રિયા દ્વારા નવી દૃષ્ટિ મળી શકે છે. આ અંતરને ઘટાડવા માટે સમાજના દરેક વર્ગે ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવી જરૂરી છે.

મૃત્યુ બાદ 3થી 6 કલાકમાં કોર્નિયા મેળવી શકાય

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે નેત્રદાન માનવતાની સેવા સાથે જોડાયેલું અનોખું દાન છે. વ્યક્તિના મૃત્યુ બાદ 3થી 6 કલાકની અંદર આંખના કોર્નિયા મેળવી શકાય છે. આ કોર્નિયાના ટ્રાન્સપ્લાન્ટથી જરૂરિયાતમંદ વ્યક્તિને દૃષ્ટિ મળી શકે છે અને તેના જીવનમાં પ્રકાશ આવી શકે છે. તેમણે ચક્ષુદાનને જનઆંદોલન બનાવવા સૌને સહિયારો પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.

આધુનિક સારવારથી આંખના રોગોનું વહેલું નિદાન

તેમણે વધુમાં જણાવ્યું કે આધુનિક ટેકનોલોજી અને તબીબી સેવાઓના વિકાસથી આંખના વિવિધ રોગોનું વહેલી તકે નિદાન અને સારવાર શક્ય બની છે. અગાઉ મોતિયાને ગંભીર સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ આજે અદ્યતન તબીબી સુવિધાઓના કારણે તેનું સમયસર નિદાન અને સફળ સારવાર શક્ય બની છે.

12 વર્ષીય ઉર્વીનું સન્માન

કાર્યક્રમ દરમિયાન નેત્રદાન થકી નવું પ્રકાશમય જીવન મેળવનાર 12 વર્ષીય ઉર્વીનું આરોગ્ય મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સ્વ. ઝીલ શૈલેષભાઈ વાઘેલાના અંગદાનથી હૃદય, વાલ્વ અને નેત્રદાન સહિત અનેક અંગોનું દાન કરવામાં આવ્યું હતું, જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું. આ ઉમદા સેવાકાર્ય બદલ સ્વ. ઝીલબેનના પરિવારજનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

તબીબો અને હોસ્પિટલ સ્ટાફનું સન્માન

નેત્ર આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તબીબો અને હોસ્પિટલના સ્ટાફને આરોગ્ય મંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ચક્ષુદાન અંગે શપથ લીધો હતો.

એમ્બ્યુલન્સ અને જાગૃતિ રેલીને લીલી ઝંડી

રામ-શ્યામ ચેરિટેબલ મંડળ દ્વારા દાનમાં આપવામાં આવેલી એમ્બ્યુલન્સને આરોગ્ય મંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપરાંત સિવિલ આંખ હોસ્પિટલ દ્વારા આયોજિત ચક્ષુદાન જાગૃતિ રેલીને પણ મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.

તબીબી નિષ્ણાતોની ઉપસ્થિતિ

કાર્યક્રમમાં હેલ્થ કમિશનર રતનકંવર ગઢવીચારણ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. રાકેશ જોશી, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. પિયુષ મિતલ, ડૉ. શશાંક પંડ્યા, ડૉ. મીનાક્ષી પરીખ સહિતના તબીબી નિષ્ણાતો, લાભાર્થીઓ, દાતાઓના પરિવારજનો તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *