રમતગમત, પ્રાકૃતિક કૃષિ અને સંસ્કારોથી જ સશક્ત ભારત બનશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

Spread the love

રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય એવોર્ડ સમારોહ : ગુજરાતની રમત પ્રતિભાઓ અને કોચનું મહાનુભાવોના હસ્તે સન્માન

મોબાઈલ-સ્ક્રીનની લતથી બાળકોને બચાવવા રમતના મેદાન તરફ વાળવા રાજ્યપાલનો અનુરોધ — 5 વર્ષની ઉંમરથી રમત પ્રતિભા ઓળખી વૈજ્ઞાનિક તાલીમ આપવા પર ભાર

અમદાવાદ

રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ગુજરાતના રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી ખેલાડીઓ અને કોચના સન્માન માટે અમદાવાદમાં ભવ્ય વાર્ષિક એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાયેલા આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષસ્થાને રહ્યા હતા, જ્યારે રાજ્યસભાના પૂર્વ સાંસદ નરહરિ અમીનની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. સમારોહમાં 16થી વધુ ખેલાડીઓ અને કોચને ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાળકોની અખૂટ ઊર્જાને રમતના મેદાનમાં યોગ્ય દિશા આપો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે યુવાનોના સર્વાંગી વિકાસ માટે રમતગમત અત્યંત મહત્વપૂર્ણ છે. આજના સમયમાં મોબાઈલ અને સ્ક્રીનની વધતી લત બાળકોના શારીરિક અને માનસિક વિકાસને અસર કરી રહી છે. આવી પરિસ્થિતિમાંથી બાળકોને બહાર લાવવાનો શ્રેષ્ઠ માર્ગ તેમને રમતના મેદાન સાથે જોડવાનો છે. બાળકોમાં રહેલી અખૂટ ઊર્જાને જો યોગ્ય દિશા ન મળે તો તે ગેરમાર્ગે દોરાઈ શકે છે.

શિસ્ત અને રમતગમતથી સામાન્ય બાળક પણ ચેમ્પિયન બની શકે

કુરુક્ષેત્ર ગુરુકુળમાં પોતાના અનુભવોને યાદ કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે કઠોર શિસ્ત, સંસ્કાર અને રમતગમતના યોગ્ય સંયોજનથી સામાન્ય પરિવારમાંથી આવતા બાળકો પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી શકે છે. તેમણે ગુરુકુળ કુરુક્ષેત્રના વિદ્યાર્થી અને કોમનવેલ્થ ગોલ્ડ મેડાલિસ્ટ પહેલવાન રાજેન્દ્ર સહિત હરિયાણાના ઉચ્ચ પોલીસ અધિકારી જોરાવરસિંહ અને સુરેન્દ્રના પ્રેરણાદાયી પ્રસંગો વર્ણવી રમતગમત દ્વારા જીવનમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સફળતા કેવી રીતે મેળવી શકાય તેનું ઉદાહરણ આપ્યું હતું.

5 વર્ષની ઉંમરથી જ રમત પ્રતિભા ઓળખવાની જરૂર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બાળકોની રમતગમત પ્રતિભાને નાની ઉંમરથી ઓળખવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લગભગ 5 વર્ષની ઉંમરથી જ બાળકની શારીરિક ક્ષમતા અને રમતગમત પ્રત્યેની રૂચિને ઓળખી વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ આપવામાં આવે તો દેશને ભવિષ્યમાં અનેક આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ મળી શકે છે.

પ્રાકૃતિક કૃષિ અને પર્યાવરણ સંરક્ષણ પણ એટલું જ જરૂરી

રાજ્યપાલે રમતગમતની સાથે સ્વસ્થ જીવનશૈલી માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વસ્થ શરીર, સ્વસ્થ મન, સંસ્કાર અને કુદરત સાથેનું સંતુલન જ સશક્ત ભારતના નિર્માણનો મજબૂત આધાર બની શકે છે. રમતગમત, પ્રાકૃતિક કૃષિ અને સંસ્કારોના સમન્વયથી યુવાનોને સશક્ત બનાવવાની જરૂર છે.

રમતગમતના બજેટમાં 33 ગણો વધારો : નરહરિ અમીન

સમારોહમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું કે દેશમાં રમતગમત ક્ષેત્ર માટેના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વિવિધ યોજનાઓ હેઠળ 2800થી વધુ ખેલાડીઓને વાર્ષિક ₹5 લાખની સ્કોલરશિપ સાથે વિશ્વ કક્ષાનું કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

વિશ્વસ્તરીય સુવિધાઓથી ગુજરાતના ખેલાડીઓને નવી તક

નરહરિ અમીને અમદાવાદમાં નિર્માણ પામેલા અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની વિશ્વસ્તરીય રમતગમત માળખાકીય સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી સુવિધાઓ અને તાલીમની તકોને કારણે ગુજરાતના રમતવીરો હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવા માટે વધુ સજ્જ બની રહ્યા છે.

મયૂર પટેલ અને જયપ્રકાશ પટેલને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ

ગુજરાતના રમતજગતમાં લાંબા સમયથી નોંધપાત્ર અને નિસ્વાર્થ યોગદાન આપવા બદલ બે દિગ્ગજોને પ્રતિષ્ઠિત ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વવિખ્યાત ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદના કોચ રહી ચૂકેલા મયૂર પટેલ તથા ગુજરાત ક્રિકેટમાં લાંબા સમયથી નિસ્વાર્થ સેવા આપી અનેક રણજી ટ્રોફી ખેલાડીઓનું ઘડતર કરનાર કોચ જયપ્રકાશ પટેલને વિશેષ બહુમાન આપવામાં આવ્યું હતું.

16 ખેલાડીઓ અને કોચનું સન્માન

આ પ્રસંગે ગુજરાતના રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 16 પ્રતિભાશાળી ખેલાડીઓ, કોચ અને અગ્રણીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના યોગદાનને બિરદાવતા આયોજકોએ ગુજરાતની રમત પ્રતિભાઓને પ્રોત્સાહન અને યોગ્ય મંચ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વિવિધ કેટેગરીમાં એવોર્ડ

એસજેએજી દ્વારા ઇમર્જીંગ પ્લેયર, પ્લેયર ઓફ ધ ગેમ, પ્રાઇડ ઓફ ગુજરાત, કન્ટ્રિબ્યુશન ઇન સ્પોર્ટ્સ, લાઇફ ટાઇમ એચિવમેન્ટ કેટેગરીમાં એવોર્ડ અપાયા હતા. 

રમતગમત જગતના અગ્રણીઓની ઉપસ્થિતિ

સમારોહમાં અમદાવાદના મેયર હિતેષ બારોટ, વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ, ભવેન કચ્છી સહિત વિવિધ રમતગમત સંગઠનોના હોદ્દેદારો, વરિષ્ઠ ખેલાડીઓ, કોચ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના સભ્યોની માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ભૂતપૂર્વ સાંસદ નરહરી અમીન સાથેની સમૂહ તસવીર. (ખુરશી પર ડાબેથી) ટ્રેઝરર રામકૃષ્ણ પંડિત, જિજ્ઞેશ વોરા, એસજેએજીના પ્રમુખ તુષાર ત્રિવેદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ભૂતપૂર્વ સાંસદ નરહરી અમીન, સેક્રેટરી નરેન્દ્ર આઈ. પંચોલી,પેટર્ન હિતેશ પટેલ.( ઊભેલામાં ડાબેથી) રિપ્પલ ક્રિષ્ટી, પ્રવિણ આહીર, મહેબુબ કુરેશી, રાકેશ ગાંધી, ધવલ વ્યાસ (વ્યવસ્થાપક), ઉદય પટેલ,વિરાજ બલિયા, શૈલેષ નાયક, જોઈન્ટ સેક્રેટરી અશોક મિસ્ત્રી, વિજય ચૌહાણ, સિનિયર ઉપપ્રમુખ સાબુ ચેરિયન અને અલી અસગર.

સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ભવ્ય આયોજન

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં એસજેએજીના પ્રમુખ તુષાર ત્રિવેદી, સિનિયર ઉપપ્રમુખ સાબુ ચેરિયન, સેક્રેટરી નરેન્દ્ર આઈ. પંચોલી, જોઈન્ટ સેક્રેટરી અશોક મિસ્ત્રી, જિજ્ઞેશ વોરા, ટ્રેઝરર રામકૃષ્ણ પંડિત, એક્ઝીક્યુટીવ કમિટીના સભ્યો પ્રવિણ આહીર, વિજય ચૌહાણ, શૈલેષ નાયક, પેટર્ન હિતેશ પટેલ, ઉદય પટેલ, મહેબુબ કુરેશી, રિપ્પલ ક્રિષ્ટી, અલી અસગર, રાકેશ ગાંધી, વિરાજ બલિયાએ જહેમત ઊઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *