19 દેશોના 200 જેટલા ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ ભાગ લેશે ; 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ આંતરરાષ્ટ્રીય પેરા આર્ચરીનું કેન્દ્ર બનશે
અમદાવાદ
ભારત પ્રથમવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરિઝ 2026 (WAPS)નું યજમાન બનવા જઈ રહ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ઐતિહાસિક સ્પર્ધામાં 19 દેશોના આશરે 200 ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ ભાગ લેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય પેરા આર્ચરી સર્કિટનું આગમન ગુજરાતમાં થશે.
4 સપ્ટેમ્બરે ભવ્ય ઉદ્ઘાટન
સ્પર્ધાનું સત્તાવાર ઉદ્ઘાટન 4 સપ્ટેમ્બરે શેલા, ક્લબ O7 નજીક આવેલા ધ ફોરમ -હોટલ એન્ડ કન્વેન્શન ખાતે યોજાશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.
આ ઐતિહાસિક સ્પર્ધાનું આયોજન આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા ગુજરાત સરકાર, સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
ચાર કેટેગરીમાં વિશ્વના તીરંદાજો વચ્ચે જંગ
વર્લ્ડ આર્ચરી પેરા સિરિઝમાં વિશ્વના અગ્રણી પેરા તીરંદાજો રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, ડબલ્યુઆઈ અને વિઝ્યુઅલી ઈમ્પેર્ડ કેટેગરીમાં સ્પર્ધા કરશે. આ આયોજન ભારતના દર્શકોને આંતરરાષ્ટ્રીય સ્તરની પેરા આર્ચરીનો સીધો અનુભવ કરાવવાની સાથે દેશના ખેલાડીઓને પણ વિશ્વસ્તરીય સ્પર્ધાત્મક અનુભવ આપશે.
19 દેશોના ખેલાડીઓ અમદાવાદમાં
આ સ્પર્ધામાં ભારત ઉપરાંત ચીન, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઈરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, સાયપ્રસ, ચેકિયા, ઈરાક અને રશિયન ફેડરેશનના પ્રતિનિધિઓ ભાગ લેશે.
ભારતના સ્ટાર પેરા તીરંદાજો મેદાનમાં ઉતરશે
ભારતીય ટીમમાં પેરા આર્ચરીના જાણીતા ખેલાડીઓ પેરિસ 2024 પેરાલિમ્પિક ચેમ્પિયન હરવિંદર સિંહ, વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન અને પેરાલિમ્પિક મેડલ વિજેતા શીતલ દેવી, અર્જુન એવોર્ડ વિજેતા રાકેશ કુમાર અને પેરાલિમ્પિયન શ્યામ સુંદર સ્વામી સામેલ છે.
હરવિંદર સિંહે પેરિસ 2024 પેરાલિમ્પિક્સમાં પુરુષોની ઈન્ડિવ્યુડ્યુઅલ રિકર્વ ઓપનમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે આર્ચરીમાં પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેળવ્યો હતો. આ પહેલાં તેમણે ટોક્યો 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
શીતલ દેવી અને રાકેશ કુમાર પર નજર
શીતલ દેવીએ પેરિસ 2024માં રાકેશ કુમાર સાથે કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2025 વર્લ્ડ આર્ચરી પેરા ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને તેઓ ભારતની પ્રથમ વ્યક્તિગત પેરા આર્ચરી વર્લ્ડ ચેમ્પિયન બન્યાં હતાં.
રાકેશ કુમારે 2023 વર્લ્ડ પેરા ચેમ્પિયનશીપમાં કમ્પાઉન્ડ મિક્સડ ટીમમાં ગોલ્ડ જીત્યો હતો. પેરિસ 2024માં શીતલ દેવી સાથે તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એ ઉપરાંત એશિયન પેરા ગેમ્સમાં પણ તેઓ અનેક મેડલ જીતી ચૂક્યા છે.
વિદેશી ખેલાડીઓમાં પણ દિગ્ગજ નામો
આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાં ગ્રેટ બ્રિટનની જેસિકા સ્ટ્રેટોન અને ફોબે પેટર્સન પિન સહિતના અગ્રણી તીરંદાજો ભાગ લેશે. ચીનની મજબૂત ટીમ પણ અમદાવાદમાં પોતાની હાજરી નોંધાવશે.
અમદાવાદમાં રમવાની તક અમારા માટે ગર્વની વાતઃ શીતલ દેવી
પેરા આર્ચરીની સ્ટાર ખેલાડી અને વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીએ અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરિઝ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં વિશ્વના શ્રેષ્ઠ પેરા તીરંદાજો સાથે રમવાની તક મળવી અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા યોજાવાથી ભારતીય ખેલાડીઓને પોતાના દર્શકો સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા મળશે. આ સ્પર્ધા આગામી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે અમારી તૈયારી ચકાસવા માટે પણ ખૂબ ઉપયોગી રહેશે.
શીતલ દેવીએ વધુમાં જણાવ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ જેવા સુંદર સ્થળે આ પ્રકારની મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ રહી છે તે પેરા સ્પોર્ટ્સ માટે પણ સકારાત્મક સંદેશ છે. મને આશા છે કે મોટી સંખ્યામાં લોકો આ સ્પર્ધા જોવા આવશે અને દેશના વધુ યુવાનો પેરા આર્ચરી તરફ પ્રેરિત થશે.
એએઆઈ પ્રમુખ અર્જુન મુંડાએ ગર્વ વ્યક્ત કર્યો
આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અર્જુન મુંડાએ જણાવ્યું કે અમદાવાદમાં હુંડઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરિઝનું આયોજન કરવું એએઆઈ માટે ગર્વની બાબત છે. વિશ્વના શ્રેષ્ઠ પેરા તીરંદાજોને ભારતમાં લાવવાથી ભારતીય ખેલાડીઓને વિશ્વસ્તરીય સ્પર્ધાનો અનુભવ મળશે અને નવી પેઢીના ખેલાડીઓને પ્રેરણા મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદની પસંદગી ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી રમતગમત સ્પર્ધાઓ યોજવાની વધતી ક્ષમતાને દર્શાવે છે અને સમાવેશી તથા સુલભ રમતગમત પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાને પણ મજબૂત કરે છે.
5થી 7 સપ્ટેમ્બર ક્વોલિફિકેશન રાઉન્ડ
સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડ 5થી 7 સપ્ટેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ પાર્કિંગ એરિયા ખાતે યોજાશે. આ સ્થળ ફાઇનલ્સના સ્થળની સામે આવેલું છે.
જ્યારે ફાઇનલ્સ અને મેડલ સેરેમની 8 અને 9 સપ્ટેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ પ્લાઝા ખાતે યોજાશે.
પેરા એશિયન ગેમ્સની તૈયારી માટે મહત્વપૂર્ણ તક
આ સ્પર્ધા આગામી પેરા એશિયન ગેમ્સની તૈયારી કરી રહેલા ખેલાડીઓ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય સ્તરના મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે રમવાથી ખેલાડીઓને પોતાની તૈયારી અને સ્પર્ધાત્મક ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની ઉચ્ચ સ્તરીય તક મળશે.
2027માં પણ ભારત યોજશે આંતરરાષ્ટ્રીય આર્ચરી ઇવેન્ટ્સ
એએઆઈના સેક્રેટરી જનરલ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે ભારતમાં વર્લ્ડ આર્ચરી પરા સિરિઝનું આયોજન પેરા આર્ચરીના વિકાસ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. 200 જેટલા ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફની હાજરીથી ભારતમાં પેરા આર્ચરીને વૈશ્વિક સ્તરે વધુ ઓળખ મળશે.
તેમણે ઉમેર્યું કે 2027માં ભારત એશિયા કપ આર્ચરી ટૂર્નામેન્ટ અને વર્લ્ડ આર્ચરી પેરા સિરિઝ સહિતની આંતરરાષ્ટ્રીય આર્ચરી સ્પર્ધાઓનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેથી અમદાવાદની આ સ્પર્ધા ભારતને આંતરરાષ્ટ્રીય પેરા આર્ચરી માટે નિયમિત યજમાન દેશ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
ભારતના 2036 ઓલિમ્પિક્સના સપનાને પણ વેગ
અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરિઝનું આયોજન ભારતની આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ યોજવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. સાથે જ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની ભારતની મહત્ત્વાકાંક્ષાને પણ આ પ્રકારના આંતરરાષ્ટ્રીય આયોજનથી વેગ મળશે.
