અમદાવાદમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ U-13 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ટુર્નામેન્ટમાં રાજ્યભરના પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા; વિજેતાઓને ટ્રોફી અને રૂ. 12 હજારની રોકડ રકમથી સન્માનિત કરાયા, , ટોચના બે ખેલાડીઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
અમદાવાદ
ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ અંડર-13 (બોયઝ અને ગર્લ્સ) નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026 માટેની પસંદગી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 18 અને 19 જુલાઈ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યના શ્રેષ્ઠ યુવા ચેસ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. સ્પર્ધાના અંતે બોયઝ વિભાગમાં શુભ અથા અને ગર્લ્સ વિભાગમાં અર્પિતા પાટણકર ચેમ્પિયન બન્યા હતા. બંને વિભાગના ટોચના બે ખેલાડીઓ હવે પોંડિચેરી ખાતે યોજાનારી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
અમદાવાદમાં બે સ્થળે યોજાઈ સ્પર્ધા
ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના આયોજન હેઠળ બોયઝ વિભાગની સ્પર્ધા અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ખાતે જ્યારે ગર્લ્સ વિભાગની સ્પર્ધા રાઇફલ ક્લબ ખાતે યોજાઈ હતી. બે દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં રાજ્યના અનેક પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો અને રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવવા માટે કઠિન સ્પર્ધા કરી હતી.
બોયઝ વિભાગમાં શુભ અથા વિજેતા
બોયઝ વિભાગમાં શુભ અથાએ 6.5 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ચેમ્પિયનન બન્યો હતો. ધ્યાન પટેલ, વિઆન એસ. મખાણી, હેરિન આર. પટેલ અને દીર્ઘ કઢીવાલાએ 6-6 પોઇન્ટ સાથે અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાન પર રહી નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
ગર્લ્સ વિભાગમાં અર્પિતા પાટણકર પ્રથમ
ગર્લ્સ વિભાગમાં અર્પિતા પાટણકરે 6 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. યાતી અગ્રવાલ પણ 6 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહી હતી. જ્યારે રાયના પટેલ, આરના વિજય અને રાજવી શુક્લાએ 5.5-5.5 પોઇન્ટ સાથે અનુક્રમે ત્રીજું, ચોથું અને પાંચમું સ્થાન મેળવ્યું હતું.
વિજેતાઓનું સન્માન
બોયઝ અને ગર્લ્સ બંને વિભાગના ટોચના પાંચ-પાંચ ખેલાડીઓને ટ્રોફી તેમજ કુલ રૂ. 12,000ની રોકડ રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના ભાવેશ પટેલ અને મયુર પટેલના હસ્તે વિજેતાઓને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
સ્પર્ધાના પરિણામોના આધારે બોયઝ અને ગર્લ્સ વિભાગના પ્રથમ બે-બે ખેલાડીઓ હવે પોંડિચેરીમાં યોજાનારી નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યના યુવા ચેસ ખેલાડીઓ માટે આ સ્પર્ધા રાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાનો મહત્વપૂર્ણ પડાવ સાબિત થઈ છે.
