NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર સામે લાલ આંખ: કહ્યું- વાયુસેનાની મદદ કામચલાઉ, નક્કર પ્લાન બનાવો

Spread the love

સુપ્રીમ કોર્ટે NEET-UG પેપર લીક મામલે કેન્દ્ર સરકાર અને NTAના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે પરીક્ષા પ્રણાલીમાં સુધારા લાવવા માટે વિસ્તૃત અને નક્કર અહેવાલ માંગ્યો છે

નવી દિલ્હી:

નીટ પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર પાસે પરીક્ષા સુધારણા અંગે ઝીણવટભરી વિગતો માંગી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રી-નીટ પરીક્ષા માટે ભારતીય વાયુસેનાની મદદ લેવી એ માત્ર એક કામચલાઉ ઉપાય છે અને સરકારે ભવિષ્ય માટે કોઈ કાયમી તથા નક્કર પ્લાન તૈયાર કરવો પડશે.

સુપ્રીમ કોર્ટની કડક નોંધ અને નવું સોગંદનામું

જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને તાકીદ કરી છે કે તેઓ પરીક્ષા પ્રણાલીમાં સુધારા લાગુ કરવા અંગેની પ્રગતિ દર્શાવતું નવું અને વિગતવાર સોગંદનામું (Affidavit) દાખલ કરે. કોર્ટે ટકોર કરી હતી કે સરકારે કામચલાઉ ઉપાયો પર ભરોસો રાખવાને બદલે સુધારાઓને કાયમી ધોરણે સંસ્થાગત બનાવવા માટે નક્કર પગલાં ભરવા જોઈએ.

કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) પહેલાં સંપૂર્ણ માહિતી માગવામાં આવી

કેન્દ્ર સરકાર આગામી વર્ષથી નીટ-યુજી (NEET-UG) પરીક્ષા ‘કમ્પ્યુટર બેઝ્ડ’ (CBT) મોડમાં યોજવાની તૈયારી કરી રહી છે. આ અંગે સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવિત ગવર્નિંગ બોર્ડ, નિષ્ણાતોની આગેવાની હેઠળની યુનિટ્સ, હાઇ-પાવર્ડ કમિટીની ભલામણો અને ૧૦ મુખ્ય ક્ષેત્રો (જેમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પારદર્શિતા, વહીવટ અને માનવ સંસાધન સામેલ છે) અંગે વિગતવાર માહિતી માંગી છે.

એક્ઝામ સાયકલના દરેક તબક્કાનો સ્ટેટસ રિપોર્ટ

કોર્ટે કેન્દ્ર સરકારને પરીક્ષા પહેલાં, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછીના તમામ તબક્કાઓમાં કરવામાં આવેલા સુધારાઓની સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત, સુરક્ષા અને દેખરેખ માટે નિયુક્ત કરાયેલા વધારાના મહાનિદેશકો (ADG)ની ભૂમિકા અને પ્રગતિ વિશે પણ અહેવાલ માંગવામાં આવ્યો છે.

રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે મળીને ટેસ્ટિંગ પદ્ધતિઓ, પ્રશ્નપત્રોની પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટેશન અને બહુવિધ સત્રોમાં લેવાતી પરીક્ષાઓ અંગે થયેલી પ્રગતિની પણ ઝીણવટભરી વિગતો માંગવામાં આવી છે.

વાયુસેનાની મદદ માત્ર કામચલાઉ રસ્તો

સુનાવણી દરમિયાન જસ્ટિસ નરસિમ્હાએ જણાવ્યું હતું કે પેપર લીક થયા બાદ પ્રશ્નપત્રોના સુરક્ષિત પરિવહન માટે ભારતીય વાયુસેનાની મદદ લેવી એ માત્ર એક કામચલાઉ વ્યવસ્થા હતી, તે કોઈ કાયમી કે નક્કર ઉકેલ નથી. કોર્ટે ડેટા સુરક્ષાના ઉપાયો અને ઉમેદવારોના વેરિફિકેશન માટે ‘ડિજયાત્રા’ (DigiYatra) જેવી આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે પણ પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું છે.

આખું વર્ષ નજર રાખશે સુપ્રીમ કોર્ટ

કેન્દ્ર સરકારના સોગંદનામામાં આ તમામ મુદ્દાઓનો સમાવેશ ન થવા પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ નવું સોગંદનામું દાખલ કરવાની ખાતરી આપી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. કોર્ટે આ મામલો આગામી સોમવાર માટે સૂચિબદ્ધ કરતા કહ્યું કે, “અમે આ સમગ્ર પ્રક્રિયા પર બારીકાઈથી નજર રાખીશું અને સુધારાઓ યોગ્ય રીતે સંસ્થાગત થાય તે સુનિશ્ચિત કરીશું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *