‘આ જીત માત્ર મારી નથી, ભારત અને અમદાવાદની છે’ – મિસિસિ અર્થ એલાઈટ 2026 ભૂમિકા શજવાણી

Spread the love

મિસિસિ અર્થ એલાઈટ 2026નો ખિતાબ જીતનારી અમદાવાદની ભૂમિકા શજવાણી સાથે ખાસ મુલાકાત

અમદાવાદ

મલેશિયાના ક્વાલાલંપુરમાં યોજાયેલી પ્રતિષ્ઠિત મિસિસિ અર્થ એલાઈટ 2026  સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને અમદાવાદની ભૂમિકા શજવાણીએ 42 દેશોની પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી આંતરરાષ્ટ્રીય ખિતાબ પોતાના નામે કર્યો છે. અભ્યાસથી શરૂ થયેલી તેની સફર એડવર્ટાઇઝિંગ ક્ષેત્રથી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટ સુધી પહોંચી છે. પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણને જીવનનું ધ્યેય બનાવનારી ભૂમિકા શજવાણી સાથે તેની જીત, સંઘર્ષ, પરિવારના સહયોગ અને ભાવિ આયોજન પરની ખાસ મુલાકાત.

ક્વાલાલંપુરમાં તમારા નામની ‘મિસિસિ અર્થ એલાઈટ 2026’ તરીકે જાહેરાત થઈ, ત્યારે સૌથી પહેલો વિચાર શું આવ્યો? એવા પ્રશ્ન પર ભૂમિકા શજવાણી કહ્યું કે,એ ક્ષણ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે. જ્યારે મારું નામ વિજેતા તરીકે જાહેર થયું, ત્યારે સૌથી પહેલા મારા દેશ ભારત, મારા શહેર અમદાવાદ અને મારા પરિવારનો વિચાર આવ્યો. 42 દેશોની પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ભારતનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતવો ગૌરવની લાગણી છે. આ જીત માત્ર મારી નથી, પરંતુ દરેક ભારતીય મહિલા માટે પ્રેરણારૂપ છે.

આવી સ્પર્ધા વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું

આ આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાની તમારી સફર કેવી રહી? એવું પુછવામાં આવતા ભૂમિકાએ હળવાશ સાથે કહ્યું કે, સાચું કહું તો શરૂઆતમાં આવી કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો વિચાર પણ નહોતો. હું બાળપણથી જ અભ્યાસમાં વધુ રસ ધરાવતી હતી. અમદાવાદની માઉન્ટ કાર્મલ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બી.કોમ કર્યું અને ત્યારબાદ કેટલાક પ્રોફેશનલ કોર્સ કર્યા. ત્યાર પછી એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં કામ શરૂ કર્યું. જીવનનો માર્ગ અલગ હતો, પરંતુ પછી એક દિવસ ઇન્સ્ટાગ્રામ પર આ સ્પર્ધાની જાહેરાત જોઈ અને વિચાર આવ્યો કે એક વખત પ્રયાસ કરવો જોઈએ.

’45 વર્ષ પછી પણ સપનાઓને પાંખો મળી શકે

45 વર્ષથી વધુ વયની મહિલાઓ માટેની સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કેટલો પડકારજનક હતો? એ અંગે ભૂમિકા કહ્યું કે, સમાજમાં ઘણી વખત એવું માનવામાં આવે છે કે એક ચોક્કસ ઉંમર પછી મહિલાઓએ પોતાના સપનાઓને મર્યાદિત કરી દેવા જોઈએ. પરંતુ હું માનું છું કે સપનાઓને ઉંમરની કોઈ સીમા નથી. આ સ્પર્ધાએ મને સાબિત કરવાની તક આપી કે જો આત્મવિશ્વાસ અને મહેનત હોય તો કોઈપણ ઉંમરે વૈશ્વિક મંચ સુધી પહોંચી શકાય છે.

પરિવાર બન્યો સૌથી મોટો આધાર

આ સફરમાં પરિવારનું કેટલું યોગદાન રહ્યું? એ બાબતે ભૂમિકાએ ભાર પૂર્વક કહ્યું કે, મારા પરિવારનું સમર્થન ન હોત તો કદાચ હું અહીં સુધી પહોંચી શકી ન હોત. ખાસ કરીને મારા પતિ સુનિલ અને મારા પુત્રએ મને દરેક તબક્કે પ્રોત્સાહિત કરી. તૈયારી દરમિયાન તેઓ સતત મારી સાથે ઊભા રહ્યા. તેમની પ્રેરણાએ જ મને દરેક પડકારનો સામનો કરવાની હિંમત આપી.

મહિનાઓ સુધી કરી ખાસ તૈયારી

આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે કેવી તૈયારી કરી? તેના પર ભૂમિકાએ કહ્યું, આ સ્પર્ધા માટે મહિનાઓ સુધી સતત મહેનત કરી. ફિટનેસ, જાહેર વક્તૃત્વ (પબ્લિક સ્પીકિંગ), વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક સેવા પર ખાસ ધ્યાન આપ્યું. દરેક રાઉન્ડ માટે અલગ તૈયારી કરવી પડતી હતી. સાથે સાથે પર્યાવરણ અને મહિલા સશક્તિકરણ અંગેના મારા કાર્યને વધુ અસરકારક રીતે રજૂ કરવાની તૈયારી પણ કરી.

પર્યાવરણ સંરક્ષણ માત્ર અભિયાન નહીં, જીવનશૈલી બનવી જોઈએ

તમારી એડવોકસીનો મુખ્ય મુદ્દો પર્યાવરણ સંરક્ષણ રહ્યો. હવે આગળ શું આયોજન છે? એ બાબતે ભૂમિકાએ કહ્યું, મારા માટે પર્યાવરણ સંરક્ષણ માત્ર એક અભિયાન નથી, પરંતુ જીવન જીવવાની રીત છે. હવે આ આંતરરાષ્ટ્રીય ખિતાબ બાદ હું સેલિબ્રિટી તરીકે અમદાવાદની વિવિધ સોસાયટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સ્થળોએ જઈને પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશ. લોકોમાં વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનું મારું મુખ્ય લક્ષ્ય રહેશે.

મહિલા સશક્તિકરણ માટે મંચનો ઉપયોગ કરવો છે

મહિલા સશક્તિકરણ અંગે સંદેશ આપતાં ભૂમિકાએ કહ્યું, દરેક મહિલામાં અસીમ શક્તિ રહેલી છે. ઘણી વખત મહિલાઓ પરિવારની જવાબદારીઓ વચ્ચે પોતાના સપનાઓ ભૂલી જાય છે. હું દરેક મહિલાને કહેવા માંગું છું કે પોતાની ઓળખ બનાવવાની તક ક્યારેય છોડશો નહીં. આવા મંચો માત્ર સૌંદર્ય માટે નથી, પરંતુ આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સમાજ માટે કામ કરવાની તક આપે છે.

ભારતની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો ગર્વ

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો અનુભવ કેવો રહ્યો? એ અંગે ભૂમિકાએ કહ્યું, વિશ્વના 42 દેશોની પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત હતી. મેં દરેક તબક્કે ભારતની સંસ્કૃતિ, વૈવિધ્ય અને મૂલ્યોને રજૂ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે ભારતનું નામ વિજેતા તરીકે જાહેર થયું ત્યારે લાગ્યું કે સમગ્ર દેશની મહેનતનું સન્માન થયું.

મારું સપનું હવે વધુ મોટું છે

આગામી એક વર્ષ માટેના મુખ્ય લક્ષ્યો પર પ્રકાશ પાડતાં ભૂમિકાએ કહ્યું, મારા કાર્યકાળ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને વિવિધ અભિયાનો ચલાવવાની યોજના છે. હું વધુમાં વધુ મહિલાઓને પ્રેરિત કરવા અને યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાના પ્રયાસ કરીશ.

યુવતીઓ અને મહિલાઓ માટે સંદેશ જે મહિલાઓ આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાનું સપનું જુએ છે, તેમને સંદેશ આપતાં ભૂમિકાએ કહ્યું, ક્યારેય પોતાને ઓછા ન આંકો. ઉંમર, પરિસ્થિતિ કે જવાબદારીઓ સપનાઓને ન રોકો. જો આત્મવિશ્વાસ, મહેનત અને પરિવારનું સમર્થન મળે તો દરેક મહિલા પોતાના જીવનમાં નવી ઓળખ બનાવી શકે છે. પ્રથમ પગલું ભરવાની હિંમત રાખો, સફળતા તમારી રાહ જોઈ રહી હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *