પેજન્ટ માત્ર સૌંદર્યની સ્પર્ધા નથી, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને મહિલા સશક્તિકરણનું શક્તિશાળી પ્લેટફોર્મ છેઃ ઊર્મિમાલા

Spread the love

આસામથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર: ભૂમિકા શજવાનીના વિજય પાછળના મેન્ટર ઊર્મિમાલા બરુઆની પ્રેરણાદાયી કહાની, મિસિસિ અર્થ એલાઈટ 2026માં ભારતની સફળતા પાછળની તૈયારી અને પોતાના સંઘર્ષની સફર પણ શેર કરી

અમદાવાદ

“સૌંદર્ય માત્ર ચહેરામાં નથી, પરંતુ આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને સમાજ માટે કંઈક બદલવાની ક્ષમતામાં છે.” આ વિચારને હકીકતમાં ઉતારનાર નામ છે ઊર્મિમાલા બરુઆ. આસામના એક નાના શહેરમાંથી પોતાની સફર શરૂ કરનાર ઊર્મિમાલા આજે સફળ ઉદ્યોગસાહસિક, ફિટનેસ એક્સપર્ટ, મોડેલ અને યુએમબી પેજેન્ટ્સની સ્થાપક તથા નેશનલ ડિરેક્ટર તરીકે આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવે છે. તાજેતરમાં અમદાવાદની ભૂમિકા સજવાનીને મિસિસિ અર્થ એલાઈટ 2026નો આંતરરાષ્ટ્રીય ખિતાબ અપાવવામાં પણ તેમણે મુખ્ય મેન્ટર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. છેલ્લા છ વર્ષમાં 150થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વિજેતાઓ તૈયાર કરનાર ઊર્મિમાલાએ પોતાના સંઘર્ષ, પેજન્ટ ઇન્ડસ્ટ્રી, મહિલા સશક્તિકરણ અને વૈશ્વિક મંચ પર ભારતની ઓળખ અંગે ખાસ વાતચીત કરી.

ઊર્મિમાલા બરૂઆ (જમણે) ભૂમિકા શજવાની સાથે

આસામના નાના શહેરથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર

આસામના એક નાના શહેરમાંથી શરૂ થયેલી તમારી સફર આજે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે. આ સફરમાં બાળપણ અને સંઘર્ષે તમને શું શીખવ્યું? એ અંગે ઊર્મિમાલા બરુઆએ કહ્યું, હું નાના શહેરમાંથી આવું છું, જ્યાં મોટા સપના જોવું પણ સરળ નહોતું. ભાષા મારી સૌથી મોટી અડચણ હતી. હિન્દી આવડતી ન હોવાથી શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મારા પતિએ મને હિન્દી શીખવામાં ખૂબ મદદ કરી. દરેક પડકારે મને વધુ મજબૂત બનાવી અને આજે હું જ્યાં છું, તે આ સંઘર્ષોના કારણે જ શક્ય બન્યું છે.

ક્ષમતા ઓળખે તો મહિલા કોઈપણ ઉંમરે સફળ થાય

એક સફળ ઉદ્યોગસાહસિક, ફિટનેસ એક્સપર્ટ અને પેજન્ટ ડિરેક્ટર તરીકે સૌથી મોટી પ્રેરણા શું રહી? એ બાબતે તેમણે કહ્યું, હું હંમેશા માનું છું કે મહિલાઓ પોતાની ક્ષમતાને ઓળખે તો કોઈપણ ઉંમરે સફળ થઈ શકે છે. મારી પ્રેરણા એ જ છે કે વધુમાં વધુ મહિલાઓને આત્મવિશ્વાસ આપવો અને તેમના સપનાઓને નવી દિશા આપવી.

ભારતીય મહિલાની સુંદરતાની સાચી વ્યાખ્યા

આજના સમયમાં પેજન્ટની વ્યાખ્યા બદલાઈ રહી છે. તમારા મતે આધુનિક ભારતીય મહિલાની સુંદરતાની સાચી વ્યાખ્યા શું છે? એ બાબતે ઊર્મિમાલાએ કહ્યું, હવે પેજન્ટ માત્ર સુંદર ચહેરા માટે નથી. આજે આત્મવિશ્વાસ, નેતૃત્વ, સમાજ માટેનું યોગદાન, બુદ્ધિમત્તા અને વ્યક્તિત્વ વધુ મહત્વ ધરાવે છે. આધુનિક ભારતીય મહિલા પોતાની ઓળખ પોતાની ક્ષમતાથી બનાવે છે અને એ જ સાચી સુંદરતા છે.

જાત પર વિશ્વાસ રાખો, સફળતા મળશે

સમાજ કે ઉંમરના કારણે પોતાના સપનાઓ છોડતી મહિલાઓને સંદેશ આપતાં તેમણે કહ્યું, સપનાઓને કોઈ ઉંમર નથી હોતી. 18 વર્ષથી લઈને 65 વર્ષ સુધીની મહિલાઓ માટે આજે વિવિધ કેટેગરીમાં તક ઉપલબ્ધ છે. જો તમે તમારી જાત પર વિશ્વાસ રાખશો તો સફળતા ચોક્કસ મળશે.

કાન્સની સફર પર ગર્વ

તમારી પુત્રી સ્નિગ્ધા સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચાલવું કેટલું ખાસ હતું? એ અંગે ગર્વભેર તેમણે કહ્યું કે, તે મારી જિંદગીની સૌથી ભાવુક અને ગર્વની ક્ષણોમાંની એક હતી. કાન્સ સુધી પહોંચવું જ એક મોટી સિદ્ધિ છે. જ્યારે લોકો અમને માતા-પુત્રી નહીં પરંતુ બહેનો કહીને સંબોધતા હતા ત્યારે ખૂબ આનંદ અને ગર્વ અનુભવાયો.

ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા દુનિયાને બતાવવાની આ ઉત્તમ તક

શું તમને લાગે છે કે વૈશ્વિક મંચ પર ભારત અને ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિને રજૂ કરવાનું મહત્વ વધ્યું છે? એ અંગે તેમણે કહ્યું, ચોક્કસ. ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા દુનિયાને બતાવવાની આ ઉત્તમ તક છે. ઉત્તર-પૂર્વ ભારત પાસે સમૃદ્ધ પરંપરા અને પ્રતિભા છે, જેને વૈશ્વિક સ્તરે વધુ ઓળખ મળવી જોઈએ.

ફિટનેસ માત્ર શરીર માટે નહીં પરંતુ મન અને આત્મવિશ્વાસ માટે પણ જરૂરી

‘સ્ટે ફિટ વિથ ઉર્મિ’ દ્વારા તમે વર્ષોથી ફિટનેસને પ્રોત્સાહન આપી રહ્યા છો. મહિલાઓ માટે ફિટનેસ કેટલી મહત્વપૂર્ણ છે? એ બાબતે તેમણે કહ્યું, ફિટનેસ માત્ર શરીર માટે નહીં પરંતુ મન અને આત્મવિશ્વાસ માટે પણ જરૂરી છે. શારીરિક રીતે મજબૂત મહિલા માનસિક રીતે પણ વધુ સશક્ત બને છે અને જીવનના દરેક પડકારનો સારી રીતે સામનો કરી શકે છે.

ભારત પાસે અસાધારણ પ્રતિભા

આંતરરાષ્ટ્રીય પેજન્ટ ઇન્ડસ્ટ્રીમાં ભારતના ભવિષ્યને તમે કેવી રીતે જુઓ છો? એ અંગે તેમણે કહ્યું, ભારત પાસે અસાધારણ પ્રતિભા છે. યોગ્ય ગ્રૂમિંગ, તાલીમ અને આત્મવિશ્વાસ મળે તો ભારતીય મહિલાઓ વિશ્વના દરેક મંચ પર સફળતા મેળવી શકે છે. મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં ભારત વધુ આંતરરાષ્ટ્રીય ટાઇટલ જીતશે.

ભૂમિકાની મહેનત અને સમર્પણના પરિણામે ભારતને આ ગૌરવ મળ્યું

ભૂમિકા સજવાનીના મિસિસિ અર્થ એલાઈટ 2026ના વિજયમાં ભૂમિકા ઊર્મિમાલાએ કહ્યું, નેશનલ ડિરેક્ટર તરીકે અમારી ટીમે ભૂમિકાને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયાર કરી. ગ્રૂમિંગ, સ્ટેજ પ્રેઝન્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સસ્ટેનેબિલિટી જેવા મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરવામાં અમે સતત માર્ગદર્શન આપ્યું. તેની મહેનત અને સમર્પણના પરિણામે ભારતને આ ગૌરવ મળ્યું.

150થી વધુ વિજેતા તૈયાર કર્યા

છેલ્લા છ વર્ષમાં 150થી વધુ વિજેતાઓ તૈયાર કર્યા બાદ સૌથી મોટી સિદ્ધિ પર તેમણે કહ્યું, મારા માટે સૌથી મોટી સિદ્ધિ કોઈ એક ટાઇટલ નથી, પરંતુ જ્યારે કોઈ મહિલા પોતાની જાતમાં વિશ્વાસ મેળવે છે અને નવી ઓળખ ઉભી કરે છે ત્યારે મને સૌથી વધુ સંતોષ મળે છે. એ જ મારી સફળતા છે.

પેજન્ટ માત્ર સુંદરતા માટે નથી

પેજન્ટ અંગે સમાજમાં આજે પણ અનેક ગેરસમજો છે. તમે કઈ સૌથી મોટી ગેરસમજ બદલવા માંગો છો? એના પર ઊર્મિમાલાએ કહ્યું, લોકો હજુ પણ માને છે કે પેજન્ટ માત્ર સુંદરતા માટે છે, જ્યારે હકીકતમાં તે વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ, સામાજિક જવાબદારી અને આત્મવિશ્વાસનું પ્લેટફોર્મ છે. હું આ વિચારધારા બદલવા માંગું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *