અમદાવાદમાં FIBA U18 એશિયા કપ 2026નું ભવ્ય આયોજન: ભારત પ્રથમવાર યજમાની કરશે

Spread the love

એશિયા અને ઓશાનિયાના શ્રેષ્ઠ ૧૬ અંડર-૧૮ રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમો વચ્ચે ૧૩ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન ખરાખરીનો જંગ જામશે

અમદાવાદ

બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) દ્વારા FIBA એશિયા, ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સહયોગથી અમદાવાદ, ગુજરાતમાં ૧૩ થી ૨૩ ઓગસ્ટ ૨૦૨६ દરમિયાન FIBA U18 એશિયા કપ ૨૦૨૬ યોજાશે. આ પ્રતિષ્ઠિત કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપમાં એશિયા અને ઓશાનિયામાંથી ૧૬ શ્રેષ્ઠ અંડર-૧૮ પુરૂષ રાષ્ટ્રીય ટીમો ભાગ લેશે, જે એશિયન ટાઇટલ અને FIBA U19 બાસ્કેટબોલ વર્લ્ડ કપ ૨૦૨૭ માટે ક્વોલિફાઇ થવા માટે સ્પર્ધા કરશે. સ્પર્ધાનું ઉદ્ઘાટન 12 ઓગસ્ટે અમદાવાદના વીર સાવરકર સ્ટેડિયમ પર થશે.

સોળ દેશોની ભાગીદારી અને ગ્રુપ વિભાજન

આ ટુર્નામેન્ટ અંગેની માહિતી આપતાં ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી શફીક શેખે જણાવ્યું હતું કે કુલ ૧૬ રાષ્ટ્રીય ટીમો ભાગ લેશે:

  • ઓસ્ટ્રેલિયા (Australia)
  • બહેરીન (Bahrain)
  • ચીન (China)
  • ચાઇનીઝ તાઈપેઈ (Chinese Taipei)
  • ભારત (India)
  • ઈરાન (Iran)
  • જાપાન (Japan)
  • કઝાકિસ્તાન (Kazakhstan)
  • કોરિયા (Korea)
  • લેબેનોન (Lebanon)
  • ન્યુઝીલેન્ડ (New Zealand)
  • ફિલિપાઈન્સ (Philippines)
  • કતાર (Qatar)
  • શ્રીલંકા (Sri Lanka)
  • સીરિયા (Syria)
  • થાઈલેન્ડ (Thailand)

ટીમોને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે:

  • ગ્રુપ A: ઓસ્ટ્રેલિયા, ચાઇનીઝ તાઈપેઈ, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ
  • ગ્રુપ B: ન્યુઝીલેન્ડ, લેબેનોન, બહેરીન, સીરિયા
  • ગ્રુપ C: ચીન, ઈરાન, કતાર, શ્રીલંકા
  • ગ્રુપ D: કોરિયા, જાપાન, ભારત, કઝાકિસ્તાન

ટુર્નામેન્ટનો કાર્યક્રમ અને ભારતનું અભિયાન

આ ચેમ્પિયનશિપ અંગેની વધુ માહિતી આપતા ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઝણાવ્યું હતું કે, ૧૩ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન ગ્રુપ તબક્કા સાથે શરૂ થશે, ત્યારબાદ ૨૦ ઓગસ્ટના રોજ ક્વાર્ટર-ફાઇનલ માટેની ક્વોલિફિકેશન મેચો, ૨૧ ઓગસ્ટના રોજ ક્વાર્ટર-ફાઇનલ્સ, ૨૨ ઓગસ્ટના રોજ સેમિ-ફાઇનલ અને ક્લાસિફિકેશન ગેમ્સ યોજાશે, અને ૨૩ ઓગસ્ટ 2026 ના રોજ ફાઇનલ તથા ક્લાસિફિકેશન મેચો સાથે ટુર્નામેન્ટનું સમાપન થશે. 19 ઓગસ્ટના રોજ રેસ્ટ ડે (વિરામ દિવસ) રાખવામાં આવ્યો છે. ગ્રુપ D માં સ્થાન મેળવનાર યજમાન ભારત નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશીને આગળ વધવા માટે કોરિયા, જાપાન અને કઝાકિસ્તાન સામે મજબૂત સ્પર્ધા કરશે.

ગત સ્પર્ધામાં ભારત આઠમા ક્રમે રહ્યું હતું

ગત સ્પર્ધામાં ભારતીય ટીમ આઠમા ક્રમે રહી હતી જ્યારે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન, ન્યૂઝિલેન્ડ રનર્સઅપ, ચીન ત્રીજા અને કોરિયા ચોથા ક્રમે રહ્યું હતું. ભારત માટે આ સ્પર્ધામાં વધુ મજબૂત પડકાર રહેશે કેમકે તે કઠિન ગ્રુપમાં છે અને તેના ગ્રુપમાં કોરિયા જેવી મજબૂત ટીમ પણ છે. જોકે આ વખત ભારતને તેના ઘરઆંગણે મોટા ભાગની ટીમોમાં નવા ખેલાડીઓ હોઈ સારો દેખાવ કરવાની વધુ તક છે. એમ તો ભારતીય ટીમમાં પણ મોટા ભાગના ખેલાડી નવા છે.

ભારતીય બાસ્કેટબોલ માટે ઐતિહાસિક સીમાચિહ્ન

બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી જનરલ કુલવિંદર સિંહ ગીલે જણાવ્યું હતું કે FIBA U18 એશિયા કપનું આયોજન કરવું એ ભારતીય બાસ્કેટબોલ માટે વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. આ ચેમ્પિયનશિપ એશિયાની સૌથી પ્રતિભાશાળી યુવા બાસ્કેટબોલ પ્રતિભાઓને પ્રદર્શિત કરશે અને આંતરરાષ્ટ્રીય રમતોના આયોજન માટે પસંદગીના સ્થળ તરીકે ભારતના સ્થાનને વધુ મજબૂત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *