પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો પર 2021-25 દરમિયાન થયેલા ખર્ચ અને ભારતમાં આવેલા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) વચ્ચેના આંકડા સામે આવ્યા છે. સરકારી ડેટા અનુસાર, આ ગાળામાં વિદેશ યાત્રાના દરેક 1 રૂપિયાના ખર્ચ સામે આશરે 66,000 રૂપિયાનું FDI આવ્યું છે, જોકે સરકારે આ બંને વચ્ચે સીધો સંબંધ હોવાનો દાવો કર્યો નથી
નવી દિલ્હી:
કોરોના મહામારી બાદ વૈશ્વિક ગતિવિધિઓ વધવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓના ખર્ચમાં પણ ક્રમશઃ વધારો જોવા મળ્યો છે. રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા સરકારી આંકડા મુજબ, વર્ષ 2021થી 2025 વચ્ચે પીએમ મોદીની વિદેશ મુલાકાતો પાછળ સરકાર દ્વારા કુલ 482.92 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
વર્ષવાર નજર કરીએ તો, 2021માં 3 વિદેશ યાત્રાઓ પર 36.12 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. વર્ષ 2022માં 7 યાત્રાઓ પર આ ખર્ચ વધીને 55.83 કરોડ રૂપિયા થયો. વર્ષ 2023માં 6 મુલાકાતો માટે 93.63 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. આ પછી 2024માં પ્રધાનમંત્રીએ 11 વિદેશ યાત્રાઓ કરી, જેની પાછળ 109.51 કરોડ રૂપિયા ખર્ચ થયા. જ્યારે 2025માં પણ 11 વિદેશી પ્રવાસો પર ખર્ચ વધીને 187.83 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2026માં અત્યાર સુધીમાં વિદેશ યાત્રાઓ પાછળ આશરે 74.59 કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે, જોકે આ આંકડો હજુ અંતિમ નથી કારણ કે ફ્રાન્સ સહિતના કેટલાક દેશોના બિલની ચૂકવણી બાકી છે.
2021-25 દરમિયાન ભારતમાં કેટલું FDI આવ્યું?
સરકારના આંકડાઓ પ્રમાણે, એપ્રિલ 2021થી ડિસેમ્બર 2025 વચ્ચેના સમયગાળામાં ભારતમાં કુલ 381.8 અબજ ડલર (લગભગ 31.69 લાખ કરોડ રૂપિયા)નું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું છે. જો આ સમયગાળા દરમિયાન 1 ડૉલરની સરેરાશ કિંમત 83 રૂપિયા ગણવામાં આવે, તો આ રકમ અંદાજે 31.69 લાખ કરોડ રૂપિયા થાય છે.
જ્યારે આ જ સમયગાળામાં પીએમ મોદીની વિદેશ યાત્રાઓ પર કુલ 482.92 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ બંને આંકડાઓની ગાણિતિક સરખામણી કરવામાં આવે તો, યાત્રા પાછળ થયેલા દરેક 1 રૂપિયાના ખર્ચ સામે ભારતમાં આશરે 65,620 રૂપિયા એટલે કે લગભગ 66,000 રૂપિયાનું FDI આવ્યું છે.
આ માત્ર એક ગાણિતિક તુલના છે, સીધો સંબંધ નથી
આવનારા આંકડાઓ ભલે આશ્ચર્યજનક લાગતા હોય, પરંતુ બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક ગાણિતિક તુલના છે. આ બંને આંકડાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો નથી. FDI પર ઘણા બધા આર્થિક, વ્યવસાયિક અને વૈશ્વિક પરિબળો અસર કરતા હોય છે.
વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીની ઉચ્ચસ્તરીય વિદેશ યાત્રાઓ અન્ય દેશો સાથેના સંબંધો મજબૂત કરવા અને દ્વિપક્ષીય, ક્ષેત્રીય તેમજ વૈશ્વિક સહયોગ વધારવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. આ પ્રવાસો દરમિયાન થયેલા કરારોથી ટેક્નોલોજી, ઇનોવેશન, વેપાર, રોકાણ, ડિફેન્સ, ઊર્જા અને સપ્લાય ચેઈન જેવા ક્ષેત્રોમાં ભાગીદારીને વેગ મળે છે.
