દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારત માટે ગાલે ટેસ્ટ ખૂબ જ નિર્ણાયક બની ગઈ છે ; જાણો WTC ફાઈનલનું આખું સમીકરણ
નવી દિલ્હી
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-2027ની ફાઈનલની રેસમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતનો પોઈન્ટ પર્સન્ટેજ (PCT) ઘટીને 48.15% પર આવી ગયો છે, જેના કારણે શ્રીલંકા સામે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ ટીમ માટે કરો યા મરો સમાન બની ગઈ છે.
WTC ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ભારતને જોઈએ જીત
ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના સમીકરણો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 2-0થી હાર્યા બાદ ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને સરકી ગઈ છે. ફાઈનલનું ટિકિટ મેળવવા માટે શુભમન કપ્તાની હેઠળની આ યુવા ટીમ પાસે હવે બાકી રહેલા 9 મુકાબલામાંથી ઓછામાં ઓછા 6 થી 7 મેચોમાં વિજય મેળવવો અનિવાર્ય બન્યો છે.
ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર
શ્રીલંકા સામેની આ પ્રથમ મેચમાં જીત મેળવવાથી ભારતીય ટીમની સ્થિતિ ટેબલમાં મજબૂત થઈ શકે છે. જો ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરવામાં સફળ રહે છે, તો તેનો પોઈન્ટ પર્સન્ટેજ વધીને 57.58% સુધી પહોંચી જશે. આ વિજય ન માત્ર ભારતને પોઈન્ટ ટેબલમાં મજબૂતી આપશે, પરંતુ આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમનો આત્મવિશ્વાસ પણ પાછો અપાવશે. બીજી તરફ, જો આ મેચ ડ્રો રહે છે તો ભારતનો પર્સન્ટેજ લગભગ 48% ની આસપાસ જ અટવાયેલો રહેશે, જેનાથી આગામી મેચોમાં દબાણ વધુ વધશે.
હારથી બચવું કેમ છે અનિવાર્ય?
જો યજમાન શ્રીલંકા ગાલેના પોતાના મજબૂત મેદાન પર ભારતને હરાવવામાં સફળ રહે છે, તો તે ભારતના WTC ફાઈનલના સપનાને મોટો આંચકો આપશે. હારની સ્થિતિમાં ભારતનો પોઈન્ટ પર્સન્ટેજ વધુ નીચે પડી જશે, જેનાથી આગળની સફરમાં ભૂલો માટે કોઈ અવકાશ રહેશે નહીં. બીજી તરફ, ગાલેમાં જીત મેળવીને શ્રીલંકન ટીમ ટેબલમાં ભારતને પાછળ છોડીને ટોપ-4 અને ફાઈનલના દાવેદારોમાં મજબૂત સ્થિતિમાં આવી જશે.
ગૌતમ ગંભીર અને શુભમન ગિલ પર નજર
ટીમ મેનેજમેન્ટ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર તેમજ કેપ્ટન શુભમન ગિલ માટે પણ આ ટેસ્ટ શ્રેણી પોતાની જાતને સાબિત કરવાની મોટી તક છે. તાજેતરની રેડ-બોલ નિષ્ફળતાઓ બાદ ગૌતમ ગંભીરની કોચિંગ શૈલી અને ગિલની કેપ્ટનશીપ પર અનેક સવાલો ઉભા થયા છે. જો કે, શ્રીલંકાની ધરતી પર ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, જ્યાં ભારતે તેના પાછલા તમામ પાંચ ટેસ્ટ મુકાબલાઓમાં જીત મેળવી છે.
