અમેરિકામાં રસ્તા પર રહેતા ભારતીય યુવકે ભારત પાછા જવાની ના પાડી, વાયરલ વીડિયોએ છેડી ચર્ચા

Spread the love

અમદાવાદ:

સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેણે વિદેશમાં વસવાટ અને કમાણીને લઈને એક નવી ચર્ચા છેડી દીધી છે. અમેરિકાના રસ્તાઓ પર પોતાના કૂતરા સાથે બેસીને જીવન વિતાવી રહેલા એક ભારતીય નાગરિકનો ઇન્ટરવ્યુ સામે આવ્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે પોતાના વતન ભારત પાછો જવા માંગે છે, ત્યારે તેનો સ્પષ્ટ જવાબ ‘ના’ હતો.

વિદેશી યુવકે પૂછ્યા સવાલો

અમેરિકાના પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા યુઝર કેવિન ડાહલગ્રેને (Kevin Dahlgren) આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વિડીયોમાં કેવિન રસ્તાની બાજુમાં ઝાડ નીચે બેઠેલા એક ભારતીય યુવક પાસે જાય છે અને તેની સાથે વાતચીત શરૂ કરે છે. વાતચીત દરમિયાન કેવિન તેને પૂછે છે કે તે કયા દેશનો છે અને તે અમેરિકા કેવી રીતે પહોંચ્યો?

૩ વર્ષથી અમેરિકામાં છે યુવક

યુવકે કેવિનને જણાવ્યું કે તે મૂળ ભારતનો છે અને છેલ્લા ૩ વર્ષથી અમેરિકામાં રહે છે. તેણે ખુલાસો કર્યો કે તે તેના એક ભારતીય મિત્રના કહેવાથી અમેરિકા આવ્યો હતો, પરંતુ અહીં આવ્યા બાદ તે મિત્રે તેનો સાથ છોડી દીધો. પરિણામે, તે મુશ્કેલીમાં મુકાઈ ગયો અને તેને રસ્તા પર રહેવાની ફરજ પડી. તેણે એમ પણ જણાવ્યું કે તેણે સિએટલમાં બે વર્ષ સુધી કામ કર્યું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિના કારણે તે રસ્તા પર જીવન વિતાવી રહ્યો છે.

ભારત પાછા ન ફરવા પાછળનું અજીબ કારણ

કેવિને જ્યારે યુવકને સવાલ કર્યો કે શું તે હવે ભારત પાછા જવા માંગે છે? ત્યારે યુવકે તુરંત ‘ના’ પાડી દીધી. તેણે કહ્યું કે તેને આ દેશ (અમેરિકા) ગમે છે અને બધા દેશો લગભગ સરખા જ હોય છે. તેની અંગ્રેજી નબળી હોવા છતાં, તે પોતાની વાત સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે કે તે ભારત પાછો જવા નથી માંગતો. આ સિવાય, પૈસા અને વિદેશી જીવનશૈલી પણ એક મોટું કારણ છે, જેના કારણે બેઘર હોવા છતાં તે ત્યાં જ રહેવા માંગે છે.

કેવિન ડાહલગ્રેને વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે તે અવારનવાર વિદેશી મૂળના આવા બેઘર લોકોને મળે છે જેઓ અમેરિકાની સડકો પર જીવન વિતાવી રહ્યા છે. ઇમિગ્રેશનને લઈને લોકોના અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે, પરંતુ રસ્તા પર આ રીતે રહેવાથી તેમને શું ફાયદો થયો હશે તે સમજાતું નથી.

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ

આ વાયરલ વિડીયો પર ઈન્ટરનેટ યૂઝર્સ તરફથી ભારે પ્રતિક્રિયાઓ આવી રહી છે:

  • એક યુઝરે લખ્યું કે, “આ વ્યક્તિ ઘણો સારો અને ઈમાનદાર લાગે છે, કૃપા કરીને તેને પોતાના પરિવાર પાસે ભારત પાછા જવામાં મદદ કરો.”
  • બીજા એક યુઝરે કમેન્ટ કરી કે, “બેઘર હોવા છતાં તે પાછા જવા તૈયાર નથી, આશ્ચર્યજનક છે.”
  • અન્ય એક યુઝરે લખ્યું કે, “ભારતમાં સામાન્ય જીવન જીવવાની સરખામણીમાં કદાચ અમેરિકામાં બેઘર રહેવું પણ તેમને વધુ સારું લાગતું હશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *