FIBA U18 એશિયા કપ 2026: ન્યૂઝીલેન્ડની ક્વાર્ટર ફાઇનલમાં સીધી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયાનો ધમાકેદાર વિજય

Spread the love

ગ્રુપ-Bમાં ન્યૂઝીલેન્ડનું દબદબો યથાવત, બહેરિન અને સીરિયાએ ક્વોલિફિકેશન ટુ ક્વાર્ટર ફાઇનલ્સમાં સ્થાન મેળવ્યું; ફિલિપાઇન્સ અને ઓસ્ટ્રેલિયાની પણ શાનદાર જીત

નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ

અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે FIBA U18 એશિયા કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં 17 ઓગસ્ટે ચાર મહત્વની મેચો રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે લેબનોનને 113-62થી હરાવી ગ્રુપ-Bમાં ટોચનું સ્થાન મેળવી સીધા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ બહેરિને સીરિયાને 92-68થી હરાવી ક્વોલિફિકેશન ટુ ક્વાર્ટર ફાઇનલ્સમાં સ્થાન મેળવ્યું હતું. ફિલિપાઇન્સે શરૂઆતમાં પાછળ પડ્યા બાદ થાઇલેન્ડ સામે 91-62થી શાનદાર વાપસી કરી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ચાઇનીઝ તાઇપેઇને 110-58થી હરાવી પોતાની તાકાતનો પરચો આપ્યો હતો.

ન્યૂઝીલેન્ડનો લેબનોન સામે 51 રનનો ધમાકેદાર વિજય

ન્યૂઝીલેન્ડે લેબનોન સામે શરૂઆતથી જ મેચ પર સંપૂર્ણ નિયંત્રણ જમાવ્યું હતું. જુનિયર ટોલ બ્લેક્સે મેચની શરૂઆતમાં જ 14-2ની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ લેબનોન માટે વાપસીની કોઈ તક રહી નહોતી. અંતે ન્યૂઝીલેન્ડે 113-62થી મોટી જીત નોંધાવી.

ન્યૂઝીલેન્ડની આ ટુર્નામેન્ટમાં સતત ત્રીજી જીત હતી. આ સાથે ટીમે ગ્રુપ-Bમાં પ્રથમ સ્થાન મેળવી સીધો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ઓસ્ટ્રેલિયા બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ન્યૂઝીલેન્ડ બીજી ટીમ બની હતી.

સાત ખેલાડીઓએ ડબલ ફિગરમાં સ્કોર કર્યો

ન્યૂઝીલેન્ડના સાત ખેલાડીઓએ 10 કે તેથી વધુ પોઇન્ટ નોંધાવ્યા હતા. જેક્સન બોલે 19 પોઇન્ટ સાથે ટીમને આગેવાની આપી હતી. કિંગ્સ્ટન કૈલાહી-આસો અને હન્ટર સેવિલે 14-14 પોઇન્ટ બનાવ્યા હતા. હોના ઇફોપો-ટોગિયાએ 12 પોઇન્ટ, જ્યારે અરાના રોબર્ટસને 11 પોઇન્ટ, 6 રિબાઉન્ડ અને 7 આસિસ્ટ સાથે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.

ન્યૂઝીલેન્ડે સમગ્ર મેચમાં 59.7 ટકા ફિલ્ડ-ગોલ શૂટિંગ કર્યું હતું અને 36 આસિસ્ટ સાથે ટીમવર્કનું શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લેબનોન તરફથી જોની સાવમાએ 21 પોઇન્ટ કર્યા હતા. આ હાર સાથે લેબનોનની ટીમ ત્રણેય મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.

સીરિયાને પણ આગળ વધવાની તક

ગ્રુપ-Bની બીજી મેચમાં બહેરિને સીરિયાને 92-68થી હરાવ્યું હતું. મેચના પ્રથમ બે ક્વાર્ટરમાં મુકાબલો પ્રમાણમાં સંતુલિત રહ્યો હતો, પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં બહેરિને નિર્ણાયક 8-0ની રન બનાવી મેચની દિશા બદલી નાખી હતી.

મહદી હબીબ અને રયાન મુજતબાએ લેઅપ્સ દ્વારા સ્કોર કર્યો હતો, જ્યારે હસન અબ્દુલકાદિરે ડંક અને સોમટો પેટ્રિકે નજીકથી સ્કોર કરીને બહેરિનની લીડ 53-41 સુધી પહોંચાડી હતી. ત્યારબાદ બહેરિને ડબલ-ડિજિટ લીડ જાળવી રાખી હતી.

સોમટો પેટ્રિકનો ડબલ-ડબલ

બહેરિન તરફથી સોમટો પેટ્રિકે 26 પોઇન્ટ અને 14 રિબાઉન્ડ સાથે શાનદાર ડબલ-ડબલ નોંધાવ્યો હતો. અબ્દુલકાદિરે પણ 21 પોઇન્ટ અને 12 રિબાઉન્ડ સાથે ડબલ-ડબલ કર્યું હતું. મુજતબાએ 17 પોઇન્ટ અને 5 રિબાઉન્ડ, જ્યારે અલી ફરદૌસીએ 10 પોઇન્ટનું યોગદાન આપ્યું હતું.

લેબનોનના બહાર થવાથી બહેરિનને ગ્રુપ-Bમાં બીજું સ્થાન મળ્યું અને બહેરિન તથા સીરિયા બંને ક્વોલિફિકેશન ટુ ક્વાર્ટર ફાઇનલ્સમાં આગળ વધ્યા.

ફિલિપાઇન્સની જોરદાર વાપસી

ફિલિપાઇન્સે થાઇલેન્ડ સામે 91-62થી 29 પોઇન્ટના વિશાળ અંતરથી જીત મેળવી હતી. પ્રથમ ક્વાર્ટરમાં થાઇલેન્ડે 25-17ની લીડ મેળવીને મજબૂત શરૂઆત કરી હતી. એક સમયે ફિલિપાઇન્સ 12 પોઇન્ટથી પાછળ હતું, પરંતુ ત્યારબાદ ટીમે મેચનો સંપૂર્ણ કબજો મેળવી લીધો.

બીજા ક્વાર્ટરમાં ફિલિપાઇન્સે સ્કોર 31-31થી બરાબર કર્યો અને ત્યારબાદ સતત દબાણ જાળવી રાખ્યું. ત્રીજા ક્વાર્ટરમાં 5:17 મિનિટ બાકી હતી ત્યારે ચારન સિરિસુંથોર્ને થાઇલેન્ડ માટે ત્રણ પોઇન્ટનો શોટ લગાવી સ્કોર 50-50 કર્યો હતો. માત્ર 49 સેકન્ડ બાદ ઇથન મેથ્યુ અગ્વાસે ત્રણ પોઇન્ટની બાસ્કેટ કરીને ફિલિપાઇન્સને ફરી આગળ કરી દીધું.

36-3ની રને મેચ બદલી નાખી

અગ્વાસની આ બાસ્કેટ બાદ ફિલિપાઇન્સે જબરદસ્ત આક્રમક રમત દર્શાવી હતી. ત્રીજા ક્વાર્ટરના મધ્યભાગથી ચોથા ક્વાર્ટરના અંતિમ તબક્કા સુધી ફિલિપાઇન્સે 36-3ની અવિશ્વસનીય રન બનાવી હતી.

ત્રીજા ક્વાર્ટરમાં 4:28 મિનિટ બાકી હતી ત્યારે શરૂ થયેલી 19-0ની રને ફિલિપાઇન્સને 50-50ની બરાબરીમાંથી 69-50ની મજબૂત લીડ સુધી પહોંચાડી દીધી હતી. એલિયાસ ટ્રોય ગિશે આ દરમિયાન 8 પોઇન્ટ બનાવી ટીમની વાપસીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગિશ 15 પોઇન્ટ અને 8 રિબાઉન્ડ સાથે ચમક્યો હતો. લ્યુક એડવર્ડ એટાકાડોરે 16 પોઇન્ટ, જ્યોર્જ એડન ગ્રીને 15 પોઇન્ટ અને 7 રિબાઉન્ડ, જ્યારે કેનજી યોબ મોરાલે 12 પોઇન્ટ નોંધાવ્યા હતા. થાઇલેન્ડ તરફથી એલેક્ઝાન્ડર જુનિયર ડેવિડે 13 પોઇન્ટ સાથે ટીમનું નેતૃત્વ કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાનો ચાઇનીઝ તાઇપેઇ સામે 52 પોઇન્ટથી વિજય

ઓસ્ટ્રેલિયાએ પણ ગ્રુપ સ્ટેજમાં પોતાની તાકાતનો પરચો આપતા ચાઇનીઝ તાઇપેઇને 110-58થી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સમગ્ર મેચમાં 37:47 મિનિટ સુધી આગળ રહ્યું હતું અને એક પણ તબક્કે પાછળ પડ્યું નહોતું.

પ્રથમ ક્વાર્ટરમાં 6-6ની બરાબરી બાદ ઓસ્ટ્રેલિયાએ ઝડપથી ફરી લીડ મેળવી હતી. ત્યારબાદ ટીમે રમત પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખ્યું અને હાફટાઇમ સુધીમાં મોટી સરસાઇ મેળવી લીધી હતી.

યાહ્યા બસરાનની ડબલ-ડબલ, જાઇ ફાએલાનું 21 પોઇન્ટનું યોગદાન

ઓસ્ટ્રેલિયા તરફથી યાહ્યા બસરાને 15 પોઇન્ટ અને 14 રિબાઉન્ડ સાથે ડબલ-ડબલ નોંધાવ્યો હતો. તેણે 2 આસિસ્ટ, 1 સ્ટીલ અને 2 બ્લોક પણ કર્યા હતા. જાઇ ફાએલાએ 21 પોઇન્ટ સાથે ટીમના સ્કોરિંગમાં આગેવાની લીધી હતી.

કર્ટિસ ઇવિકે 9 પોઇન્ટ અને 12 રિબાઉન્ડ, જ્યારે એન્ટોનિયો બ્રાઉને 6 પોઇન્ટ, 8 આસિસ્ટ, 6 રિબાઉન્ડ અને 3 સ્ટીલ સાથે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. ચાઇનીઝ તાઇપેઇ તરફથી કાર્ટર મેથ્યુ કોલમેને 18 પોઇન્ટ સાથે ટીમનું નેતૃત્વ કર્યું હતું.

ચોથા ક્વાર્ટરમાં 15-0ની રન

ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી રન ચોથા ક્વાર્ટરમાં જોવા મળી હતી. 4:40થી 2:15 મિનિટના સમયગાળામાં ઓસ્ટ્રેલિયાએ 15-0ની રન બનાવી લીડને 90-49થી 105-49 સુધી પહોંચાડી હતી.

ઓસ્ટ્રેલિયાની મહત્તમ લીડ 56 પોઇન્ટ રહી હતી. અંતે ટીમે 110-58થી જીત મેળવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ સ્ટેજમાં પોતાની મજબૂત દાવેદારી વધુ સ્પષ્ટ કરી હતી.

અમદાવાદમાં યુવા બાસ્કેટબોલની જોરદાર ઝલક

17 ઓગસ્ટે અમદાવાદમાં રમાયેલી આ ચારેય મેચોએ FIBA U18 એશિયા કપના ગ્રુપ સ્ટેજને વધુ રોમાંચક બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ સીધા ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે, જ્યારે બહેરિન અને સીરિયા ક્વોલિફિકેશન ટુ ક્વાર્ટર ફાઇનલ્સમાં આગળ વધ્યા છે. બીજી તરફ ફિલિપાઇન્સની થાઇલેન્ડ સામેની જોરદાર વાપસી અને ઓસ્ટ્રેલિયાની ચાઇનીઝ તાઇપેઇ સામેની 52 પોઇન્ટની જીતે અમદાવાદમાં ટુર્નામેન્ટનો રોમાંચ વધુ વધાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *