શ્રીલંકા સામે ધ્રૂવ જુરેલની ઐતિહાસિક સદી અને દેશભક્તિનું અનોખું પ્રદર્શન

Spread the love

પિતા કારગિલ યુદ્ધના હીરો, દીકરા ધ્રૂવ જુરેલે સેન્ચ્યુરી ફટકારીને દેશને આપ્યો અદભુત સંદેશ

નવી દિલ્હી

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતના યુવા વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. નંબર-7 પર બેટિંગ કરવા આવેલા જુરેલે મેદાન પર શાનદાર રમત દાખવી અને શ્રીલંકાના બોલરોની ધુલાઈ કરી હતી. સદી પૂરી કર્યા બાદ તેમણે જે રીતે ઉજવણી કરી, તેણે દેશવાસીઓનું દિલ જીતી લીધું હતું.

‘જય જવાન, જય કિસાન’નો ગર્વથી બતાવેલો ટેટૂ

અશિતા ફર્નાન્ડોના બોલ પર એક રન લઈને જુરેલે પોતાની બીજી ટેસ્ટ સદી પૂરી કરી હતી. સદી ફટકાર્યા બાદ તેમણે હેલમેટ ઉતારીને પોતાની ડાબી બાહ ઊંચી કરી અને બાઇસેપ પર બનેલો ‘જય જવાન, જય કિશાન’નો ટેટૂ દુનિયા સમક્ષ ગર્વથી પ્રદર્શિત કર્યો. આ ખાસ સેલિબ્રેશને સ્ટેડિયમ અને ટીવી સ્ક્રીન સામે બેઠેલા દરેક ભારતીયમાં દેશભક્તિની ભાવના જગાવી દીધી હતી. બીજા છેડે ઊભેલા મોહમ્મદ સિરાજે પણ મેદાન પર આવીને જુરેલને ભેટીને આ સુવર્ણ ક્ષણને વધાવી લીધી હતી.

કારગિલ યુદ્ધના યોદ્ધા રહી ચૂક્યા છે પિતા

ધ્રૂવ જુરેલનું આ સેલિબ્રેશન એટલા માટે ખાસ હતું કારણ કે તેમના પિતા નેમ સિંહ જુરેલ કારગિલ યુદ્ધના વીર યોદ્ધા અને ભારતીય સેનાના પૂર્વ જવાન રહી ચૂક્યા છે. દેશના રક્ષકો (જવાનો) અને અન્નદાતાઓ (કિસાન)ને સમર્પિત આ ટેટૂ તેમના પારિવારિક સંસ્કારો અને દેશપ્રેમની ભાવનાને સ્પષ્ટપણે રજૂ કરે છે.

શ્રીલંકાની ધરતી પર નોંધાયો નવો રેકોર્ડ

શ્રીલંકામાં નંબર-7 કે તેનાથી નીચે બેટિંગ કરીને ટેસ્ટ સદી ફટકારનાર ધ્રુવ જુરેલ બીજા ભારતીય બેટ્સમેન બની ગયા છે. આ અગાઉ આ સિદ્ધિ ફક્ત હાર્દિક પંડ્યા (108 રન, પલ્લેકેલે 2017)એ મેળવી હતી. આ ઉપરાંત, ડિસેમ્બર 2024માં મેલબોર્નમાં નતીશ કુમાર રેડ્ડી (114 રન) પછી ભારત માટે નંબર-7 કે નીચલા ક્રમ પર સદી ફટકારનાર જુરેલ પહેલા બેટ્સમેન બન્યા છે. તેમની આ શાનદાર ઇનિંગથી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે અને યુવા ખેલાડીએ પોતાની પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *