હિમાંશુ જાંગરાના બે ગોલથી વડોદરાએ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સને 3-2થી હરાવ્યું; આબિદ દારના ગોલથી અમદાવાદ એવેન્જર્સનો વિજય
અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા એરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઈ રહી છે. ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ 10 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં અગ્રેસર છે. અમદાવાદ એવેન્જર્સ પણ 10 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ગુરુવારે રમાયેલી બે મેચોમાં વડોદરા વોરિયર્સે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સને 3-2થી જ્યારે અમદાવાદ એવેન્જર્સે સુરત સ્ટ્રાઈકર્સને 1-0થી હરાવ્યું હતું.
હિમાંશુ જાંગરાના બે ગોલથી વડોદરાની શાનદાર જીત
દિવસની પ્રથમ મેચમાં વડોદરા વોરિયર્સ અને સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ આમને-સામને આવ્યા હતા. વડોદરા વોરિયર્સનો આ ચોથો મુકાબલો હતો. અગાઉની મેચોમાં ટીમે બે હાર અને એક જીત સાથે ત્રણ પોઇન્ટ મેળવ્યા હતા. બીજી તરફ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ ચાર મેચમાં ત્રણ જીત અને એક ડ્રો સાથે 10 પોઇન્ટ મેળવીને ટોચ પર હતી.
મેચની શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમત દાખવી હતી. 9મી મિનિટે વડોદરા વોરિયર્સના ટોટન દાસે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ 45મી મિનિટે હિમાંશુ જાંગરાએ બીજો ગોલ નોંધાવી વડોદરાની લીડ 2-0 કરી હતી.
પ્રથમ હાફની અંતિમ ક્ષણે સૌરાષ્ટ્રની વાપસી
પ્રથમ હાફ પૂર્ણ થવાની છેલ્લી ક્ષણોમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના આશિષ રાણાએ 45+5મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-1 કર્યો હતો. આ ગોલથી સૌરાષ્ટ્રે બીજા હાફમાં વાપસીની આશા જીવંત રાખી હતી.
બીજા હાફમાં વડોદરા વોરિયર્સના હિમાંશુ જાંગરાએ 67મી મિનિટે પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ કરીને સ્કોર 3-1 કર્યો હતો. જોકે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના મુકેશ કુમારે 73મી મિનિટે ગોલ કરીને અંતર 3-2 કર્યું હતું. ત્યારબાદ બંને ટીમોએ પ્રયાસો કર્યા, પરંતુ વધુ ગોલ ન થતાં મેચનો અંત વડોદરા વોરિયર્સની 3-2ની જીત સાથે આવ્યો. હિમાંશુ જાંગરાને મેક્સ પ્રોટીન મેન ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આબિદ દારના ગોલથી અમદાવાદ એવેન્જર્સનો વિજય
દિવસની બીજી મેચમાં સુરત સ્ટ્રાઈકર્સ અને અમદાવાદ એવેન્જર્સ વચ્ચે મુકાબલો થયો હતો. સુરત સ્ટ્રાઈકર્સનો આ ચોથો મેચ હતો. ટીમ ત્રણ હાર અને એક જીત સાથે ત્રણ પોઇન્ટ પર હતી. જ્યારે અમદાવાદ એવેન્જર્સે ત્રણ મેચમાંથી બે જીત અને એક ડ્રો સાથે સાત પોઇન્ટ મેળવ્યા હતા.
મેચ શરૂ થતાં જ બંને ટીમોએ ગોલ માટે આક્રમક પ્રયાસો કર્યા હતા. 36મી મિનિટે અમદાવાદ એવેન્જર્સના આબિદ દારે લેફ્ટ વિંગ તરફથી જોરદાર કિક મારીને ગોલ નોંધાવ્યો હતો. આ ગોલ સાથે અમદાવાદે 1-0ની સરસાઈ મેળવી હતી. પ્રથમ હાફનો અંત પણ અમદાવાદ એવેન્જર્સની 1-0ની લીડ સાથે થયો હતો.
સુરતને પેનલ્ટીમાં પણ સફળતા ન મળી
બીજા હાફમાં સુરત સ્ટ્રાઈકર્સે બરાબરીનો ગોલ કરવા માટે સતત પ્રયાસો કર્યા હતા, પરંતુ અમદાવાદની રક્ષણાત્મક લાઇન અને ગોલકીપર સત્યજિતે તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. સુરતને ગોલ સરભર કરવાની મહત્વપૂર્ણ તક પેનલ્ટી કિક દ્વારા મળી હતી, પરંતુ ફારૂકની કિકને અમદાવાદના ગોલકીપર સત્યજિતે રોકી દીધી હતી.
અંતે અમદાવાદ એવેન્જર્સે સુરત સ્ટ્રાઈકર્સને 1-0થી હરાવી ત્રણ પોઇન્ટ મેળવ્યા હતા. અમદાવાદ એવેન્જર્સના ગોલકીપર સત્યજિતને મેક્સ પ્રોટીન મેન ઓફ ધ મેચનો પુરસ્કાર ધ્રુવ પટેલ અને યજ્ઞેશ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
આગામી મેચો
ગુજરાત સુપર લીગ-3માં 11 સપ્ટેમ્બરે સાંજે 6:30 વાગ્યે અમદાવાદ એવેન્જર્સ અને કર્ણાવતી નાઇટ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે ગાંધીનગર જાયન્ટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે મુકાબલો થશે.
