PM મોદીએ UPSCની શતાબ્દી ઉજવણીમાં કહ્યું—ભવિષ્યની જરૂરિયાત મુજબ પરીક્ષા અને ભરતી પ્રક્રિયામાં બદલાવ જરૂરી, AIના યુગમાં નવી કુશળતા ધરાવતા અધિકારીઓની જરૂર
નવી દિલ્હી
સંઘ લોક સેવા આયોગ (UPSC)ની સ્થાપનાને 1 ઑક્ટોબર, 2026ના રોજ 100 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UPSCના યોગદાનની ચર્ચા સાથે ભવિષ્યની ભરતી પ્રક્રિયા અને સિવિલ સર્વિસમાં જરૂરી બદલાવ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે 21મી સદીનો એક ચતુર્થાંશ સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અને આગામી 20થી 25 વર્ષ દેશની સંસ્થાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિકસિત ભારત માટે જરૂરી ગવર્નન્સમાં UPSC અને રાજ્યના પસંદગી આયોગોની મોટી ભૂમિકા છે. આગામી સમયમાં ભરતી થનારા યુવાનો વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે. તેથી ઉમેદવારોની પસંદગીમાં ‘નેશન ફર્સ્ટ’ અને ‘સિટિઝન ફર્સ્ટ’ને મહત્વ આપવું જરૂરી છે.
PM મોદીએ કહ્યું કે ભરતી પરીક્ષા માત્ર ઉમેદવાર કેટલું જાણે છે તે જ ન ચકાસે, પરંતુ તે સિવિલ સર્વિસમાં શા માટે આવવા માંગે છે તે પણ સમજવું જોઈએ. તેમણે તાલીમાર્થી અધિકારીઓને પોતે સિવિલ સર્વિસમાં શા માટે આવ્યા છે તે લખીને રાખવાની સલાહ આપતા કહ્યું કે જવાબદારી અને પડકારો વધે ત્યારે આ નોંધ તેમને તેમના મૂળ ઉદ્દેશની યાદ અપાવી શકે છે.
વડાપ્રધાને કહ્યું કે આજના સમયમાં સરકારનો મંત્ર ‘નાગરિક દેવો ભવઃ’ હોવો જોઈએ. નાગરિકોની સેવા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે ‘પ્રો પીપલ, પ્રો-એક્ટિવ, ગુડ ગવર્નન્સ’ના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને પસંદગી પ્રક્રિયા તૈયાર કરવાની જરૂરિયાત દર્શાવી.
AIના વધતા ઉપયોગ સાથે સિવિલ સર્વિસ સામે પણ નવી પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થશે. માહિતી યુદ્ધ, એલ્ગોરિધમિક બાયસ અને જટિલ સમસ્યાઓ જેવા પડકારોનો સામનો કરવા માટે ઉમેદવારોમાં કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ સોલ્વિંગ અને દૂરંદેશી જેવા ગુણો વિકસાવવા પર ભાર મૂકવાની વાત PM મોદીએ કરી.
PM મોદીએ પરીક્ષાની પ્રક્રિયામાં લાગતા સમયને પણ મહત્વનો મુદ્દો ગણાવ્યો. તેમણે કહ્યું કે પરીક્ષાને માત્ર એક કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી પ્રક્રિયા તરીકે જોવી જોઈએ. પરીક્ષામાં થોડા મહિનાનો વિલંબ પણ ઉમેદવારો અને તેમના પરિવારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે કોચિંગ ફી, ભાડું અને રહેવાના ખર્ચનો બોજ વધે છે.
UPSC દ્વારા રાજ્ય જાહેર સેવા આયોગો સાથે યોજાતી નેશનલ કોન્ફરન્સને વધુ વિસ્તૃત કરવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી. આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓનો અભ્યાસ, ટેક્નોલોજીનો ઉપયોગ અને એકબીજામાંથી શીખવાની પ્રક્રિયા દ્વારા UPSC તથા રાજ્યના પસંદગી આયોગોને લાભ થઈ શકે છે.
PM મોદીએ જણાવ્યું કે હવે ગામડાં અને નાના શહેરોના યુવાનો પણ જાહેર સેવામાં પ્રવેશી રહ્યા છે. મહિલાઓની ભાગીદારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેમના જણાવ્યા મુજબ, 1952માં મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર 3 ટકા હતી, જ્યારે આજે તે 30 ટકાથી વધુ થઈ છે.
UPSC અંગે PM મોદીની મુખ્ય વાતો
- ‘નેશન ફર્સ્ટ’ અને ‘સિટિઝન ફર્સ્ટ’ને પ્રાથમિકતા
- ભરતીમાં જ્ઞાન સાથે સેવાનો હેતુ પણ ચકાસવો
- ‘પ્રો પીપલ, પ્રો-એક્ટિવ, ગુડ ગવર્નન્સ’ પર ભાર
- AI યુગના પડકારો માટે નવી કુશળતા જરૂરી
- પરીક્ષા પ્રક્રિયાનો સમયગાળો ઘટાડવાની જરૂર
- UPSC અને રાજ્ય આયોગોમાં ક્રોસ લર્નિંગને પ્રોત્સાહન
- ગામડાં, નાના શહેરો અને મહિલાઓની વધતી ભાગીદારી
