₹1 લાખ કરોડના રોકાણથી આંધ્રપ્રદેશમાં CBG પ્લાન્ટ્સ, 3 લાખથી વધુ રોજગાર સર્જાશે: અનંત અંબાણી

Spread the love

રાયલસીમા હોર્ટિકલ્ચર હબ અને ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરના શિલાન્યાસ પ્રસંગે ખેડૂતોની આવક વધારવા ટેક્નોલોજી, AI, ડ્રોન અને ડિજિટલ શિક્ષણ પર ભાર

મદનપલ્લે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત એમ. અંબાણીએ આંધ્રપ્રદેશના મદનપલ્લે ખાતે રાયલસીમા હોર્ટિકલ્ચર હબ અને ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરના શિલાન્યાસ સમારોહમાં ખેડૂતોની સમૃદ્ધિ, આધુનિક કૃષિ અને ગ્રામ્ય રોજગારને કેન્દ્રમાં રાખીને વિવિધ પહેલોની રૂપરેખા રજૂ કરી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અનંત અંબાણીએ જણાવ્યું કે ₹40,000 કરોડના સહયોગથી રાયલસીમા હોર્ટિકલ્ચર હબ આ પ્રદેશના કૃષિ વિકાસને નવી દિશા આપશે. તેમણે મદનપલ્લેમાં સ્થાપિત થઈ રહેલી ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરને ભારતની પ્રથમ હાઈટેક, આધુનિક અને વિશ્વસ્તરીય કૃષિ શાળા તરીકે વર્ણવી હતી. તેમણે કહ્યું કે જેમ ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસે વ્યવસાય ક્ષેત્રે નવી પેઢીને તૈયાર કરી, તેમ આ સંસ્થા ભારતીય ખેડૂતોને પોતાના ખેતરના ‘CEO’ તરીકે સક્ષમ બનાવવામાં મદદ કરશે.

કૃષિમાં AI, ડ્રોન અને રોબોટિક્સનો ઉપયોગ

અનંત અંબાણીએ જણાવ્યું કે ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને પરંપરાગત કૃષિ જ્ઞાનનું સંયોજન કરવામાં આવશે. તેમણે પાકમાં જીવાતના હુમલાની આગાહી કરી શકે તેવી બુદ્ધિશાળી ટેક્નોલોજી, પાકની સ્થિતિનું મેપિંગ કરવા અને પાણી તથા પોષક તત્વોના ચોક્કસ ઉપયોગ માટે ડ્રોન, મહેનત ઘટાડવા માટે રોબોટિક્સ તથા ખેડૂતો સુધી સમયસર સલાહ પહોંચાડવા ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી ટેક્નોલોજીનો ઉલ્લેખ કર્યો હતો. ભાવ અંગેની માહિતી આપતી પ્રાઇસ ઈન્ટેલિજન્સ અને ગ્રીનહાઉસ ટેક્નોલોજી પણ ખેડૂતો માટે ઉપયોગી બની શકે છે.

આંધ્રપ્રદેશમાં ₹1 લાખ કરોડનું રોકાણ

રિલાયન્સની ગ્રીન એનર્જી પહેલો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ સ્થાપવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ₹1 લાખ કરોડનું રોકાણ કરશે. તેમના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ્સથી 3 લાખથી વધુ રોજગારીની તકો સર્જાશે અને આગામી દાયકાઓમાં રાજ્યને આશરે ₹60,000 કરોડની આવક મળવાની અપેક્ષા છે. ખેડૂતોને ખાદ્ય સુરક્ષાના રક્ષક ગણાવતા તેમણે તેમને ઊર્જા સુરક્ષામાં પણ યોગદાન આપનારા ‘ઉર્જા દાતા’ બનાવવાની સંભાવના વ્યક્ત કરી હતી.

ગામડાં સુધી ડિજિટલ કૃષિ શિક્ષણ

અનંત અંબાણીએ જણાવ્યું કે જિયો ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચર સાથે મળીને ભારતીય ભાષાઓમાં તાલીમ મોડ્યુલો લાખો ખેડૂતો સુધી વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ મારફતે પહોંચાડશે. ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત યુવાનોને ડિજિટલી સક્ષમ એક્સટેન્શન વર્કર્સ તરીકે તૈયાર કરવાની પણ યોજના છે. તેમણે ‘જિયો કૃષિ’ પ્લેટફોર્મ અને જામનગરમાં સ્થાપિત બાયો-એનર્જી ડેવલપમેન્ટ માટેના આધુનિક આરએન્ડડી સેન્ટરની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પશુપાલન અને યુવાનો માટે નવી તકો

અનંત અંબાણીએ પશુસેવાને મહત્વ આપતાં હાઈટેક એનિમલ હસબન્ડરી અને પરંપરાગત પશુ સંભાળના સંયોજનથી ગામડાંમાં સંપત્તિ અને રોજગારની નવી તકો ઊભી થઈ શકે તેમ જણાવ્યું હતું. જામનગરના વંતારામાં વાઇલ્ડલાઇફ અને વેટરિનરી સાયન્સિસ માટે વૈશ્વિક યુનિવર્સિટીની સ્થાપનાનો ઉલ્લેખ કરી ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચર સાથે સહયોગની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે યુવાનોને પોતાના જ ગામમાં કૌશલ્ય, ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિકતાના આધારે કૃષિને ગૌરવપૂર્ણ વ્યવસાય તરીકે અપનાવવા માટે સક્ષમ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આંધ્રપ્રદેશમાં મોટા પ્રોજેક્ટ્સની ગતિ

તેમણે જણાવ્યું કે જૂન 2024થી આંધ્રપ્રદેશ સરકારે 388 મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેમાં ₹14 લાખ કરોડથી વધુના રોકાણની પ્રતિબદ્ધતા અને આશરે 11 લાખ રોજગારીની સંભાવના દર્શાવવામાં આવી છે. આમાંથી લગભગ એક તૃતીયાંશ રોકાણ રાયલસીમા તરફ જવાનું જણાવાયું હતું. રિલાયન્સે ગ્રીન એનર્જી અને અન્ય ક્ષેત્રોમાં રાજ્યમાં યોગદાન આપવાનું ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સમારોહના અંતે અનંત અંબાણીએ આંધ્રપ્રદેશના વિકાસ માટે સરકાર અને ખેડૂતો સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ શિલાન્યાસ માત્ર ઇમારતોના પાયા નાખવાનો પ્રસંગ નથી, પરંતુ ગ્રામ્ય ઉદ્યોગસાહસિકતા, મજબૂત ગામડાં, ટકાઉ ભારત અને ખેડૂતોના જીવનમાં સુધારાના પાયા નાખવાનો પ્રસંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *