અમદાવાદ ભરતી કચેરી દ્વારા 21 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે ગોધરામાં ભરતી રેલીનું આયોજન
અમદાવાદ
સૈન્ય ભરતી કચેરી, અમદાવાદ દ્વારા અગ્નિવીરના વિવિધ હોદ્દાઓ માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી 19 ફેબ્રુઆરી 2027થી 2 માર્ચ 2027 દરમિયાન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા ખાતે યોજાશે.
આ ભરતી રેલીમાં અગ્નિવીર (સામાન્ય ફરજો), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ), અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) અને અગ્નિવીર ટેકનિકલ હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ભરતી રેલી માટે અમદાવાદ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નવસારી, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, વડોદરા, વલસાડ અને વાવ-થરાદ સહિતના 21 જિલ્લાઓ તથા દમણ અને દાદરા-નગર હવેલી એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો ભાગ લઈ શકશે.
સૈન્ય ભરતી કચેરી, અમદાવાદ દ્વારા જણાવ્યા મુજબ, ભરતી રેલી માટે શોર્ટલિસ્ટ થયેલા તમામ ઉમેદવારોના નોંધાયેલા ઈમેલ આઇડી પર 15 સપ્ટેમ્બર 2026ના રોજ પ્રવેશપત્ર મોકલી આપવામાં આવ્યા છે. ઉમેદવારોએ ભારતીય સૈન્યની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર પોતાના યુઝરનેમ અને પાસવર્ડથી લૉગિન કરીને ભરતી રેલી માટેનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે.
ભરતી અંગે વધુ માહિતી અથવા કોઈપણ પ્રકારની પૂછપરછ માટે ઉમેદવારો સૈન્ય ભરતી કચેરી, અમદાવાદનો સંપર્ક કરી શકે છે. આ માટે 079-22861338 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.
