કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પરંપરાગત રમતોને આંતરરાષ્ટ્રીય સહયોગ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનું માધ્યમ ગણાવ્યું; નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વારસાના સંરક્ષણ માટે પાંચ પ્રસ્તાવો રજૂ કર્યાઃ મલ્લખંભથી કેપોઇરા સુધીની વિવિધ દેશોની સ્વદેશી રમતોનું પ્રદર્શન
અમદાવાદ
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ સ્પોર્ટ્સ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026નો ભવ્ય આયોજન થયું હતું. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાત સરકારના સહયોગથી કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત આ રમતોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ, રમતગમત ક્ષેત્રના અધિકારીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ આંતરરાષ્ટ્રીય રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિવિધ દેશોની પરંપરાગત અને સ્વદેશી રમતોના સંરક્ષણ, સંવર્ધન તથા વૈશ્વિક સ્તરે પ્રચાર-પ્રસારને પ્રોત્સાહન આપવાનો છે. આ આયોજન રમતગમતની સાથે વિવિધ દેશોની સાંસ્કૃતિક વિરાસત અને પરંપરાઓને નજીકથી સમજવા માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.
પરંપરાગત રમતો દેશોની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક: મનસુખ માંડવિયા
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પરંપરાગત રમતો માત્ર સ્પર્ધા કે મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ તે દેશોની સાંસ્કૃતિક ઓળખ, ઐતિહાસિક વારસો અને પેઢી દર પેઢી જળવાયેલી પરંપરાઓને જોડતું સશક્ત માધ્યમ છે. રમતગમતના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સહયોગ, પરસ્પર સમજણ અને સર્વસમાવેશક વિકાસને નવી દિશા આપી શકાય છે.
દેશમાં રમતગમતના માળખાને મજબૂત બનાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે તાલીમ, રમત વિજ્ઞાન, આધુનિક માળખાકીય સુવિધાઓ, ખેલાડીઓના કલ્યાણ અને આંતરરાષ્ટ્રીય અનુભવને આવરી લેતા અભિગમથી સશક્ત રમતગમત ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. ખેલો ઇન્ડિયા જેવી પહેલો દ્વારા રમતગમત અને શારીરિક તંદુરસ્તીને જનજીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
તેમણે મલ્લખંભ અને કલરિપયટ્ટુ જેવી પરંપરાગત રમતોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ રમતો શારીરિક સંતુલન, નિયંત્રણ, શિસ્ત અને કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે. યોગ દ્વારા ભારતે શરીર, મન અને આત્માના સંતુલનનો સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યો છે. પરંપરાગત રમતોનું દસ્તાવેજીકરણ, સાંસ્કૃતિક મહત્ત્વનું જતન અને નવી પેઢી સુધી આ વારસો પહોંચાડવા માટે BRICS દેશો વચ્ચે જ્ઞાનની આપ-લે તથા નિયમિત સંવાદ જરૂરી છે. રમતગમતમાં મહિલાઓની ભાગીદારી અને સમાન તકોને પ્રોત્સાહન આપવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
પરંપરાગત રમતોના સંરક્ષણ માટે પાંચ પ્રસ્તાવો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભારતની પરંપરાગત અને સ્વદેશી રમતો દેશની સાંસ્કૃતિક વિરાસત, સામાજિક એકતા અને રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે. આ રમતોત્સવ માત્ર સ્પર્ધાનું આયોજન નથી, પરંતુ વિવિધ દેશોની લોકપરંપરાઓના સંરક્ષણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટેનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.
તેમણે BRICS દેશો સમક્ષ પરંપરાગત રમતોના સંરક્ષણ અને વૈશ્વિક પ્રોત્સાહન માટે પાંચ પ્રસ્તાવો રજૂ કર્યા હતા. તેમાં સંયુક્ત બહુભાષી ડિજિટલ આર્કાઇવની રચના, શાળા-કોલેજોમાં પરંપરાગત રમતોને પ્રોત્સાહન, સુરક્ષિત રમત-ફોર્મેટનો વિકાસ, સ્થાનિક કારીગરો માટે રોજગારીની તકોનું સર્જન અને આ રમતોત્સવને કાયમી પરંપરા બનાવવાનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકાર જિલ્લા અને તાલુકા સ્તરે રમતગમત સંકુલો વિકસાવીને ગામડાં સુધી આધુનિક રમતગમતની સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. પરંપરાગત રમતોનું જતન એટલે સાંસ્કૃતિક ઓળખનું જતન અને આ વારસો દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવાનું માધ્યમ બની શકે છે.
અમદાવાદમાં વર્ષ 2029માં ઇન્ટરનેશનલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ તથા વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની બાબતનો ઉલ્લેખ કરતાં તેમણે વર્ષ 2036ના ઓલિમ્પિક્સના આયોજન માટે ભારતની દાવેદારી અંગે પણ વાત કરી હતી.
ભારત સરકારના રમતગમત વિભાગના સંયુક્ત સચિવ કુણાલે સ્વાગત પ્રવચનમાં પરંપરાગત રમતોને વિવિધ દેશોની સાંસ્કૃતિક વિરાસત અને સામુદાયિક જીવનનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. સમારોહમાં રાજ્યના રમતગમત સચિવ ડૉ. રાહુલ ગુપ્તા, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ શંભુ હક્કી, એડિશનલ ડિરેક્ટર જનરલ ચંચલ શેખર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ આંતરરાષ્ટ્રીય રમતોત્સવ દ્વારા પરંપરાગત રમતોને નવી ઓળખ આપવા, યુવા પેઢીમાં રસ જગાવવા અને વિવિધ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
BRICS-2026માં 11 દેશોની પરંપરાગત રમતોનું અનોખું પ્રદર્શન
અમદાવાદમાં આયોજિત BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ સ્પોર્ટ્સ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026માં વિવિધ દેશોએ પોતાની પરંપરાગત અને સ્વદેશી રમતો દ્વારા સાંસ્કૃતિક વિરાસતની ઝલક રજૂ કરી હતી.
| ક્રમ | દેશ | પરંપરાગત અને સ્વદેશી રમતો |
|---|---|---|
| 1 | ભારત | મલ્લખંભ, યોગાસન, કલરિપયટ્ટુ |
| 2 | બેલારુસ | ગોરોડકી |
| 3 | બોલિવિયા | લુચા ડી ચોલિટાસ, ટિંકુ, રાયુએલા, ટ્રોમ્પો, કેચીનાસ, કેરેરા ડી સાયકોસ |
| 4 | બ્રાઝિલ | ઝારાબતાના (સ્વદેશી બ્લોપાઇપ), કોરિડા ડી ટોરસ (લોગ રેસ), બ્રાઝિલિયન પેરા-જિયુ-જિત્સુ, કેપોઇરા |
| 5 | ચીન | વુશુ, લાયન ડાન્સ, હેલ્થ કિગોંગ |
| 6 | ઇથોપિયા | ઇથોપિયન રેસલિંગ (ટેગેલ), ઇથોપિયન ગેના (ફીલ્ડ હોકી), સેલસ ગેબેટા, 18-12, બુબે, શાહે |
| 7 | ઈરાન | ઝુરખાનેહ, હાફ્ટ સાંગ, ગનીહ |
| 8 | કઝાખસ્તાન | અસિક અતુ, તોગીઝકુમલાક, કઝાક કુરેસી |
| 9 | રશિયા | ગોરોડકી, સામ્બો |
| 10 | દક્ષિણ આફ્રિકા | કાગતી, ઈન્ટોંગા |
| 11 | સંયુક્ત આરબ અમીરાત (UAE) | અલ તબ્બાહ |
વિશેષ નોંધ: આ રમતોત્સવનો હેતુ વિવિધ દેશોની પરંપરાગત રમતોનું સંરક્ષણ, નવી પેઢીમાં તેમનો પ્રચાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે.
