ગુજરાત યુથ લીગમાં 60 ક્લબોની રેકોર્ડબ્રેક ભાગીદારી, અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં 27 મુકાબલા રમાયા

Spread the love

અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં યુવા ફૂટબોલરોનો જંગ જામ્યો; ચેમ્પિયન ટીમોને AIFFની યુથ લીગમાં રમવાની તક મળશે

અમદાવાદ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં યુવા ફૂટબોલરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટ અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીની મેચો રમાઈ હતી. ત્રણેય કેટેગરીમાં મળીને કુલ 60 ક્લબો ભાગ લઈ રહી છે, જે આ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીની રેકોર્ડબ્રેક ભાગીદારી છે. રવિવારે ત્રણેય કેટેગરીમાં કુલ 27 મેચો રમાઈ હતી.

ગુજરાતની નામાંકિત ફૂટબોલ ક્લબોની ભાગીદારીથી આ સ્પર્ધા યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનું મહત્ત્વનું પ્લેટફોર્મ બની છે. અંડર-13 અને અંડર-15 કેટેગરીમાં 23-23 ક્લબો જ્યારે અંડર-17 કેટેગરીમાં 14 ક્લબો ભાગ લઈ રહી છે. ત્રણેય કેટેગરીની ચેમ્પિયન ટીમોને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત યુથ લીગમાં રમવાની તક મળશે. આથી ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ભાવના સાથે આગળ વધવાની પ્રેરણા પણ મળી રહી છે.

અંડર-13માં ગોલનો વરસાદ

અંડર-13 કેટેગરીમાં ARA FCએ SGVP FCને 15-0થી હરાવી દિવસનો સૌથી મોટો વિજય નોંધાવ્યો હતો. ગાંધીનગર FCએ અનસ્ટોપેબલ FCને 10-0થી અને કહાની FCએ રેન્જર FCને 7-2થી પરાજય આપ્યો હતો.

અન્ય મુકાબલાઓમાં ફ્લોરી SAએ રાઇઝિંગ સ્ટાર FAને 3-1થી, સેવી સ્વરાજ FCએ કહાની FCને 4-3થી, OMM FCએ માસ્ટર FCને 3-1થી અને લિવે સ્પોર્ટ્સે શાર્પ શૂટર FCને 2-1થી હરાવ્યું હતું. CVM FCએ SGVP FA સામે 3-0થી જીત મેળવી હતી. નવરચના SAએ ખુશના બે અને ધનુષ પટેલના એક ગોલની મદદથી વડોદરા FAને 3-2થી હરાવ્યું હતું. BSPFA સુરતે BFA યુનાઇટેડને 4-2થી જ્યારે SAG FAએ સૂર્યવંશી FCને 4-1થી પરાજય આપ્યો હતો.

અંડર-15માં એકતરફી મુકાબલાઓનું પ્રભુત્વ

અંડર-15 કેટેગરીમાં SK યુનાઇટેડ FCએ બ્લૂ ટાઇગર FCને 18-1થી હરાવી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ARA FCએ કર્ણાવતી FCને 13-1થી, CVM FCએ SGVP FCને 12-0થી, અમદાવાદ યુનાઇટેડ FCએ રેન્જર FAને 11-0થી અને NCD FCએ SGVP FAને 11-0થી હરાવ્યું હતું.

અન્ય મેચોમાં માસ્ટર FCએ કૃત બોદારના ચાર ગોલની મદદથી SAG FAને 8-2થી, સેવી સ્વરાજ FCએ અનસ્ટોપેબલ FCને 7-0થી અને શાર્પ શૂટર FCએ કાસા FCને 10-3થી પરાજય આપ્યો હતો. ફ્લોરી SAએ સિગનેસ SAને 2-1થી હરાવ્યું હતું. વડોદરા FAએ વિહાન વાઘેલાના ત્રણ ગોલના આધારે નવરચના SAને 3-1થી માત આપી હતી.

અંડર-17માં પણ રોમાંચક સ્પર્ધા

અંડર-17 કેટેગરીમાં કહાની FCએ પાનોલી FCને 9-0થી અને સેવી સ્વરાજ FCએ કર્ણાવતી FCને 9-0થી હરાવી પ્રભાવશાળી જીત મેળવી હતી. ARA FCએ SK યુનાઇટેડ FCને 5-0થી જ્યારે SGVP FCએ SGVP FAને 5-2થી પરાજય આપ્યો હતો. USI FC સુરતે દ્વિવેદી બ્રધર SCને 2-1થી હરાવ્યું હતું. SAG FA અને વડોદરા FA વચ્ચેનો મુકાબલો 2-2થી ડ્રો રહ્યો હતો.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની આ ચેમ્પિયનશિપ રાજ્યમાં ગ્રાસરૂટ ફૂટબોલને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક પૂરી પાડવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. 60 ક્લબોની રેકોર્ડ ભાગીદારી સાથે ટુર્નામેન્ટમાં આગામી મુકાબલાઓ પણ રસપ્રદ બનવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *