રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 10 વર્ષના રેહાંશ સિંઘવીનો દમદાર દેખાવ

Spread the love

અંડર-19 બોયઝ ટીમ ઇવેન્ટમાં કચ્છે જામનગરને 3-2થી હરાવ્યું; અમદાવાદ અને રાજકોટની પુરુષ ટીમનો પણ વિજય, મહિલા વિભાગમાં સુરત સહિતની ટીમોનો વિજયી પ્રારંભ

ગાંધીધામ

આદિપુરના હર્ષ સાંઘતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્સના સ્વ. એમ. પી. મિત્ત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી ફ્રેન્ડ્સ ગ્રુપ ગુજરાત રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026માં કચ્છના 10 વર્ષીય ખેલાડી રેહાંશ સિંઘવીએ શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અંડર-19 બોયઝ ટીમ ઇવેન્ટના ગ્રુપ તબક્કામાં કચ્છે જામનગર સામે 3-2થી રોમાંચક જીત મેળવી હતી.

ભારતની અંડર-11 કેટેગરીમાં પાંચમા ક્રમે રહેલા રેહાંશે પોતાની ઉંમર કરતાં ઘણાં મોટા ખેલાડીઓ સામે પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું. તેણે કરણ બાથિયાને 3-0થી હરાવી કચ્છની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. કચ્છના 14 વર્ષીય નૈરિત વૈદ્યે પણ કરણ બાથિયાને 3-0થી હરાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જ્યારે આરવ સિંઘવી અને ધ્રુવ ભંભાણીએ ડબલ્સ મુકાબલામાં યજ્ઞેશ પરમાર અને કરણ બાથિયાની જોડીને 3-0થી પરાજય આપ્યો હતો.

બીજી તરફ, જામનગર તરફથી યજ્ઞેશ પરમારે રેહાંશ અને નૈરિત સામે જીત મેળવીને મુકાબલામાં ટક્કર જાળવી રાખી હતી. જોકે, નિર્ણાયક તબક્કે કચ્છના ખેલાડીઓએ વધુ સારો દેખાવ કરતાં 3-2થી વિજય મેળવ્યો હતો.

અંડર-19 બોયઝ ટીમ ઇવેન્ટની અન્ય મેચોમાં ભાવનગરે નવસારીને 3-0થી હરાવ્યું હતું. વડોદરાએ પણ આણંદ સામે 3-0થી જીત નોંધાવી હતી, જ્યારે રાજકોટની ટીમે ગાંધીનગરને સમાન માર્જિનથી પરાજય આપ્યો હતો.

પુરુષ વિભાગમાં અમદાવાદ અને રાજકોટની સરળ જીત

પુરુષોની ટીમ ઇવેન્ટમાં ટોચની ક્રમાંકિત અમદાવાદની ટીમે આણંદને 3-0થી હરાવી વિજયી શરૂઆત કરી હતી. રાજકોટની ટીમે પણ મોરબી સામે 3-0થી જીત મેળવી હતી. અરવલ્લી અને ભાવનગરની ટીમોએ અનુક્રમે વલસાડ અને જામનગરને 3-0થી હરાવી પ્રભાવશાળી દેખાવ કર્યો હતો.

મહિલા વિભાગમાં સુરત સહિતની ટીમોનો વિજયી પ્રારંભ

મહિલાઓની ટીમ ઇવેન્ટમાં ટોચની ક્રમાંકિત સુરતની ટીમે આણંદને 3-0થી હરાવ્યું હતું. અમદાવાદે રાજકોટને, નવસારીએ ગાંધીનગરને અને ભાવનગરે વડોદરાને સમાન 3-0ના માર્જિનથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે આ ટીમોએ સ્પર્ધામાં સકારાત્મક શરૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *