વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 30 અને 31 ઓક્ટોબરે યોજાનારી ઉજવણીનાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
રાજપીપળા
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આજે એકતાનગરની મુલાકાત લીધી હતી. તેમણે ઉજવણીનાં વિવિધ સ્થળોએ ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર આયોજનની વિગતવાર સમીક્ષા કરી હતી.
એકતાનગરના સુરવા હેલિપેડ ખાતે આગમન થતાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને અનુલક્ષીને તૈયાર કરવામાં આવી રહેલાં વિવિધ સ્થળોની મુલાકાત લઈને કાર્યક્રમના આયોજન, માળખાકીય સુવિધાઓ, મહાનુભાવોના રોકાણ અને અન્ય વ્યવસ્થાઓની જાણકારી મેળવી હતી.
વિવિધ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ
કેન્દ્રીય ગૃહ સચિવે સૌપ્રથમ મહાનુભાવોના રોકાણ માટે તૈયાર કરવામાં આવી રહેલા LWE ટેન્ટ્સ/PODS આવાસ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ ટેબ્લો ડોમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ચાલી રહેલાં નિર્માણકાર્યોનું નિરીક્ષણ કરીને કામગીરીની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
તેમણે ટેબ્લો ડોમથી એકતા પથ અને સલામી મંચ સુધીની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ભારત પર્વ સ્થળની મુલાકાત દરમિયાન પણ ત્યાં ચાલી રહેલી તૈયારીઓ અને કાર્યક્રમના આયોજન અંગે જરૂરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે પ્રકાશ પર્વ સ્થળની પણ મુલાકાત લીધી હતી.
‘આનંદમઠ’ના પ્રસ્તુતીકરણ માટેની વ્યવસ્થાઓની સમીક્ષા
આગામી 30 ઓક્ટોબર, 2026ના રોજ ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા ‘આનંદમઠ’નું પ્રસ્તુતીકરણ કરવામાં આવશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગોવિંદ મોહને ડેમ વ્યૂ પોઇન્ટ-1ની મુલાકાત લઈ સ્થળ પરની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
મુલાકાતના અંતે એકતાનગરના વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ સચિવે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન યોજાનારા તમામ કાર્યક્રમો સુચારુ રીતે સંપન્ન થાય અને તૈયારીઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં કાર્યક્રમનાં વિવિધ સ્થળો, મહાનુભાવોના આવાસ, નિર્માણકાર્યો, ટેબ્લો ડોમ, સલામી મંચ, ભારત પર્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવીને કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે ડાયરેક્ટર ઓફ આઈ.બી. મહેશ દીક્ષિત, ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસ, DG CRPF જ્ઞાનેદ્ર પ્રતાપ, નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી, ADG-SPG એસ. સુરેશ, ગુજરાતના DGP જ્ઞાનેદર સિંઘ મલિક, સ્પેશિયલ ડિરેક્ટર IB જગ મોહન, હોમ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારી આ ઉજવણીમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશની એકતાના સંદેશને ઉજાગર કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની સફળતા માટે તમામ વિભાગો દ્વારા સંકલિત રીતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
