WPL 2027 માટે ગુજરાત જાયન્ટ્સની ટીમ પૂર્ણ; જી. કમલિની, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ અને સમાયરા રાઘવનો ટીમમાં સમાવેશ, 18 ખેલાડીઓની ટીમ તૈયાર
અમદાવાદ
અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2027 માટે પોતાની ટીમ પૂર્ણ કરી છે. કોચીમાં બુધવારે યોજાયેલી હરાજીમાં ફ્રેન્ચાઇઝીએ ત્રણ ખેલાડીઓ જી. કમલિની, આયર્લેન્ડની ઓર્લા પ્રેન્ડરગાસ્ટ અને 16 વર્ષીય સમાયરા રાઘવને ખરીદ્યા છે. આ ત્રણેય ખેલાડીઓના સમાવેશ સાથે ગુજરાત જાયન્ટ્સની ટીમમાં કુલ 18 ખેલાડીઓ થઈ ગયા છે. ટીમ મેનેજમેન્ટે યુવા પ્રતિભાઓને શોધીને તેમને વિકસાવવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ત્રણ ખેલાડીઓ માટે કુલ ₹80 લાખનો ખર્ચ
ગુજરાત જાયન્ટ્સ હરાજીમાં 15 જાળવી રાખેલા ખેલાડીઓ સાથે ઉતરી હતી. ખેલાડીઓને જાળવી રાખવા માટે ફ્રેન્ચાઇઝીએ ₹13.75 કરોડ ખર્ચ્યા હતા. ત્રણ ખેલાડીઓના સ્થાન ભરવાના બાકી હતાં, જેમાં એક સ્થાન વિદેશી ખેલાડી માટે હતું. હરાજી પહેલાં ટીમ પાસે ₹1.25 કરોડની રકમ ઉપલબ્ધ હતી.
ગુજરાત જાયન્ટ્સે તમિલનાડુની ટોચના ક્રમની ડાબોડી બેટર જી. કમલિનીને ₹40 લાખમાં ખરીદી હતી. તે 2024-25ના ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ત્રીજા ક્રમે રહી હતી. તેની આક્રમક બેટિંગથી ટીમના ટોચના ક્રમને મજબૂતી મળવાની અપેક્ષા છે.
આયર્લેન્ડની ઓલરાઉન્ડર ઓર્લા પ્રેન્ડરગાસ્ટને ₹30 લાખમાં ટીમમાં સામેલ કરવામાં આવી છે. તે મધ્યક્રમમાં બેટિંગ કરવાની સાથે જમણા હાથથી મીડિયમ પેસ બોલિંગ પણ કરે છે. જ્યારે 16 વર્ષીય સમાયરા રાઘવને ₹10 લાખની બેઝ પ્રાઇસ પર ખરીદવામાં આવી છે. 200ના સ્ટ્રાઇક રેટ સાથે આક્રમક બેટિંગ કરવાની ક્ષમતા ધરાવતી સમાયરા મધ્યક્રમમાં ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
યુવા ખેલાડીઓને તક આપવાનો અભિગમ
અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય અડેસરાએ જણાવ્યું હતું કે, “અમે મજબૂત ખેલાડી સમૂહ અને ટીમની જરૂરિયાતો અંગે સ્પષ્ટ સમજ સાથે હરાજીમાં પ્રવેશ્યા હતા. જી. કમલિની, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ અને સમાયરા રાઘવ ટીમમાં અલગ-અલગ ક્ષમતાઓ ઉમેરે છે. તેમાં ટોચના ક્રમમાં આક્રમકતા, ઓલરાઉન્ડ પ્રદર્શન અને મધ્યક્રમમાં નિર્ભય બેટિંગનો સમાવેશ થાય છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે યુવા પ્રતિભાઓને શોધીને તેમને ઘડવામાં ફ્રેન્ચાઇઝીને વિશ્વાસ છે. કાશવી ગૌતમ, અનુષ્કા શર્મા અને હેપ્પી કુમારી જેવા ખેલાડીઓ ટીમના સ્કાઉટિંગ કાર્યક્રમની ક્ષમતા દર્શાવે છે. સમાયરા જેવી 16 વર્ષની ખેલાડી ભવિષ્યમાં આ જ પરંપરાને આગળ વધારશે તેવી આશા છે. ગુજરાત અને સમગ્ર દેશમાં મહિલા ક્રિકેટના વિકાસમાં યોગદાન આપવાની સાથે નિર્ભય ક્રિકેટ રમતી ટીમ બનાવવાનો ઉદ્દેશ છે.
મુખ્ય કોચ માઇકલ ક્લિન્ગર ટીમથી સંતુષ્ટ
ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માઇકલ ક્લિન્ગરે જણાવ્યું હતું કે, ગત સિઝનમાં ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને મજબૂત પાયો તૈયાર કર્યો હતો. બેંગલુરુમાં યોજાયેલા પ્રિ-સીઝન કેમ્પ દરમિયાન ટીમની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરીને સુધારાની જરૂરિયાત ધરાવતા ક્ષેત્રો ઓળખવામાં આવ્યા હતા.
તેમના મતે, કમલિની બેટિંગના વિવિધ ક્રમે આક્રમક વિકલ્પ પૂરો પાડશે, ઓર્લા વિકેટ ઝડપવાની ક્ષમતા ધરાવતી મીડિયમ પેસર તરીકે ઓલરાઉન્ડ યોગદાન આપશે અને સમાયરા મધ્યક્રમમાં વિસ્ફોટક બેટિંગની તાકાત ઉમેરશે. નવા ખેલાડીઓના સમાવેશથી ટીમમાં વધુ વિકલ્પો ઉપલબ્ધ થયા છે.
2026ના પ્રદર્શનને આગળ વધારવાનો લક્ષ્યાંક
ગુજરાત જાયન્ટ્સે WPL 2026ની ગ્રૂપ સ્ટેજમાં આઠમાંથી પાંચ મેચ જીતીને બીજું સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ એલિમિનેટર સુધી સફર કરી હતી. હવે 2027ની સિઝનમાં અગાઉના પ્રદર્શનને વધુ સુધારીને આગળ વધવાનો ટીમનો પ્રયાસ રહેશે.
ગુજરાત જાયન્ટ્સની WPL 2027ની અંતિમ ટીમ
- જાળવી રાખેલા ખેલાડીઓ: અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર, બેથ મૂની, ભારતી ફુલમાલી, જ્યોર્જિયા વેરહામ, હેપ્પી કુમારી, જિન્તિમાની કલિતા, કનિકા આહુજા, કાશવી ગૌતમ, કિમ ગાર્થ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, સોફી ડિવાઇન, તનુજા કંવર અને યસ્તિકા ભાટિયા.
- હરાજીમાં ખરીદેલા ખેલાડીઓ: જી. કમલિની, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ અને સમાયરા રાઘવ.
- કુલ ખેલાડીઓ: 18
