સવારે 10 વાગ્યે શરૂ થશે હવાઈ કરતબોનું પ્રદર્શન; નવ Hawk Mk-132 જેટ વિમાનો રાષ્ટ્રીય રંગોમાં રચશે આકર્ષક ફોર્મેશન
અમદાવાદ
ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આગામી 1 નવેમ્બર, 2026ના રોજ ભાવનગરના બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે શરૂ થનારા આ પ્રદર્શનમાં વાયુસેનાના નવ લાલ અને સફેદ રંગના Hawk Mk-132 જેટ વિમાનો આકાશમાં રોમાંચક હવાઈ કરતબો રજૂ કરશે. આ કાર્યક્રમ ભાવનગરના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની અપેક્ષા છે.
નવ જેટ વિમાનો દ્વારા રોમાંચક હવાઈ કરતબો
સૂર્યકિરણ એરોબેટિક ટીમનાં નવ જેટ વિમાનો આકાશમાં ચોકસાઈભર્યાં ફોર્મેશન ફ્લાઇંગ, વિંગટિપ-ટુ-વિંગટિપ કરતબો, લૂપ્સ અને રોલ્સ સહિતનાં વિવિધ હવાઈ પ્રદર્શનો રજૂ કરશે. વિમાનો દ્વારા કેસરિયા, સફેદ અને લીલા રંગની સ્મોક ટ્રેલ્સ રચવામાં આવશે, જે આકાશમાં તિરંગાની મનમોહક છટા પાથરશે.
આ સમગ્ર એર શો અંદાજે 30થી 40 મિનિટ ચાલવાની અપેક્ષા છે. વાયુસેનાના કુશળ પાઇલટ્સ દ્વારા રજૂ થનારા આ રોમાંચક કરતબો દર્શકોને હવાઈ કૌશલ્ય, ચોકસાઈ અને ટીમવર્કનો અનોખો અનુભવ કરાવશે.
નાગરિકો માટે નિઃશુલ્ક પ્રવેશ
આ એર શો તમામ નાગરિકો માટે વિનામૂલ્યે ખુલ્લો રહેશે. વિમાનો વિશાળ વિસ્તારમાં ઊંચાઈ પર હવાઈ પ્રદર્શન કરશે, તેથી દર્શકો બોર તળાવના કિનારેથી તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી બહુમાળી ઇમારતો અને ટેરેસ પરથી પણ આકાશી કરતબો નિહાળી શકશે.
મુખ્ય પ્રદર્શન પહેલાં રિહર્સલ
મુખ્ય એર શોના એક કે બે દિવસ પહેલાં પ્રેક્ટિસ અને રિહર્સલ સોર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિહર્સલ દ્વારા ટીમના પાઇલટ્સ પ્રદર્શન માટે જરૂરી તૈયારીઓ અને સંકલનને અંતિમ સ્વરૂપ આપશે.
ભારતીય વાયુસેના પોતાની એરોબેટિક ટીમના કૌશલ્ય, શિસ્ત અને વ્યાવસાયિક ક્ષમતાનું પ્રદર્શન જનતા સમક્ષ રજૂ કરવાની પરંપરા જાળવી રહી છે. ભાવનગરમાં યોજાનારો આ એર શો વાયુસેનાની કાર્યક્ષમતા અને હવાઈ કરતબોની કુશળતાને નજીકથી નિહાળવાની નાગરિકો માટે એક ખાસ તક બની રહેશે.
