‘નક્સલમુક્ત ભારત’ની થીમ સાથે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી

Spread the love

૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડ, રાષ્ટ્રીય એકતાની શપથવિધિ અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે; ‘એકતા પ્રકાશ પર્વ’ અને ‘ભારત પર્વ’ બનશે વિશેષ આકર્ષણ

રાજપીપળા

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીના અવસરે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ‘નક્સલમુક્ત ભારત’ની થીમ સાથે યોજાનારા કાર્યક્રમોમાં દેશની એકતા, અખંડિતતા, આંતરિક સુરક્ષા અને સાંસ્કૃતિક વૈવિધ્યનો સંદેશ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને નાગરિકોને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લેવડાવશે.

એકતા પરેડમાં સુરક્ષા દળોની શક્તિનું પ્રદર્શન

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું મુખ્ય આકર્ષણ ભવ્ય એકતા પરેડ રહેશે. તેમાં દેશનાં વિવિધ સુરક્ષા દળોની ટુકડીઓ, પોલીસ બેન્ડ, આકર્ષક ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કલાકારો ભાગ લેશે. દેશની આંતરિક સુરક્ષા જાળવવામાં તથા રાષ્ટ્રની અખંડિતતાને મજબૂત બનાવવામાં અર્ધલશ્કરી દળો અને પોલીસ દ્વારા આપવામાં આવતા યોગદાનને આ પરેડના માધ્યમથી બિરદાવવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દેશની એકતા અને સુરક્ષા પ્રત્યે નાગરિકોની પ્રતિબદ્ધતા મજબૂત કરવાનો છે. સાંજના સમયે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગરિકોને લેવડાવશે શપથ

વર્ષ ૨૦૧૪થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના રાજકીય એકીકરણમાં સરદાર પટેલના ઐતિહાસિક યોગદાનને યાદ કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ સરદાર પટેલની પ્રતિમાની પાદપૂજા કરીને દેશવાસીઓ વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ નાગરિકોને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લેવડાવવામાં આવશે. આ શપથમાં રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તેમજ દેશની આંતરિક સુરક્ષામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવશે.

‘એકતા પ્રકાશ પર્વ’ ત્રણ મહિના સુધી યોજાશે

આ વર્ષની ઉજવણીમાં ‘એકતા પ્રકાશ પર્વ’ વિશેષ આકર્ષણ બની રહેશે. ‘યુનિટી’ એટલે કે એકતાની થીમ પર આધારિત આ આયોજન સતત ત્રણ મહિના સુધી યોજાશે. આ પહેલનો હેતુ એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓને રાષ્ટ્રીય એકતાના મૂલ્યો સાથે જોડવાનો છે.

બીજી તરફ, ‘ભારત પર્વ’ના માધ્યમથી દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, કલા અને વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ મજબૂત બનાવશે અને દેશની વિવિધતામાં રહેલી એકતાને ઉજાગર કરશે.

‘નક્સલમુક્ત ભારત’નો સંદેશ અને પ્રવાસન વિકાસ

આ વર્ષની થીમ દ્વારા દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવામાં સુરક્ષા દળોના યોગદાનને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવશે. નાગરિકોમાં સુરક્ષા દળો પ્રત્યે આદર અને વિશ્વાસ વધે તે માટે વિવિધ સ્થળોએ સેલ્ફી બૂથ અને પ્રતિજ્ઞા લેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આ ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસીઓની સુવિધાઓ વધારવા અને પ્રવાસનને વેગ આપવા માટે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિયા દ્વારા કાર્યક્રમોમાં ભાગ લેનારા પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

સરદાર પટેલની વિરાસતને આગળ ધપાવવાનો સંકલ્પ

સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. એકતાનગરમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી તેમની આ વિરાસતને યાદ કરવાની સાથે રાષ્ટ્રીય એકતા, આંતરિક સુરક્ષા, સાંસ્કૃતિક સમન્વય અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રેરણા પૂરી પાડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓએ દેશના નાગરિકો અને પ્રવાસીઓને ૩૧ ઓક્ટોબરે એકતાનગર ખાતે યોજાનારી એકતા પરેડ તથા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *