CRPFની CoBRA બટાલિયન સહિત દેશનાં વિવિધ રાજ્યોનાં વિશેષ કમાન્ડો દળોનું શક્તિપ્રદર્શન; ૪,૯૫૬ જવાનો-પ્રતિભાગીઓની માર્ચિંગ પરેડ અને અન્ય કાર્યક્રમોમાં ૭,૭૩૪ કલાકારો-પ્રતિભાગીઓની સહભાગિતા
મેહુલ વાંઝવાલા.રાજપીપળા
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં દેશની આંતરિક સુરક્ષા, રાષ્ટ્રીય અખંડિતતા અને નક્સલમુક્ત ભારતના સંકલ્પની ઝાંખી જોવા મળશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાનારી આ પરેડમાં CRPFની CoBRA બટાલિયન સહિત દેશનાં વિવિધ રાજ્યોનાં વિશેષ સુરક્ષા દળો ભાગ લેશે. નક્સલવિરોધી કામગીરીમાં નિષ્ણાત કમાન્ડો ટુકડીઓની ઉપસ્થિતિ દેશની સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા, જવાનોના શૌર્ય અને કર્તવ્યનિષ્ઠાનો સંદેશ આપશે.
સરદાર પટેલના એકતાના આદર્શોને વંદન
દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે અનેક રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમની જન્મજયંતિએ ઉજવાતો રાષ્ટ્રીય એકતા દિવસ દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટેની પ્રતિબદ્ધતાને પુનઃસંકલ્પિત કરવાની તક પૂરી પાડે છે. વિવિધ રાજ્યોનાં સુરક્ષા દળો એક મંચ પર એકત્રિત થઈને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
નક્સલવિરોધી દળો બનશે પરેડનું મુખ્ય આકર્ષણ
પરેડમાં છત્તીસગઢ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), ઝારખંડની જગુઆર, ઓડિશાની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG), આંધ્રપ્રદેશ અને તેલંગાણાની ગ્રેહાઉન્ડ કમાન્ડો ટુકડીઓ, કર્ણાટકની એન્ટી-નક્સલ ફોર્સ (ANF), કેરળની થંડરબોલ્ટ અને મહારાષ્ટ્રની C-60 કમાન્ડો યુનિટ ભાગ લેશે.
CRPFની CoBRA એટલે કે કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન પણ પરેડનું વિશેષ આકર્ષણ બનશે. જંગલ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં કામગીરી માટે વિશેષ તાલીમ પામેલા આ કમાન્ડો નક્સલપ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા અભિયાનો માટે જાણીતા છે. આ ઉપરાંત BSF, ITBP, SSB અને CISF સહિતનાં કેન્દ્રીય સુરક્ષા દળો તથા CRPFની પુરુષ અને મહિલા જવાનોની ટુકડીઓ પણ રાષ્ટ્રીય સુરક્ષામાં વિવિધ દળોની ભૂમિકા ઉજાગર કરશે.
હજારો જવાનો અને કલાકારોની સહભાગિતા
રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ૨૦ માર્ચિંગ ટુકડીઓના ૩,૪૮૦ પ્રતિભાગીઓનો સમાવેશ થાય છે. ગાર્ડ ઓફ ઓનર, ધ્વજવાહક ટુકડી, બગલર્સ, પરેડ કમાન્ડરો, બેન્ડ ટુકડીઓ, ડોગ સ્ક્વોડ સહિત પરેડનાં વિવિધ ઘટકોમાં કુલ ૪,૯૫૬ પ્રતિભાગીઓ ભાગ લેશે.
પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ની નાટ્યપ્રસ્તુતિ, ટેબ્લો, શાળા બેન્ડ અને ઓલ ઇન્ડિયા બાઇક રેલી સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં ૭,૭૩૪ કલાકારો અને પ્રતિભાગીઓ સહભાગી બનશે. આ વિશાળ આયોજન દેશની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનશે.
સુરક્ષા સાથે વિકાસ પણ જરૂરી
નક્સલમુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે સુરક્ષા દળોની કામગીરીની સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિકાસને વેગ આપવો પણ મહત્ત્વપૂર્ણ છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરીને સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતવો તથા યુવાનોને હિંસાથી દૂર રહીને મુખ્ય પ્રવાહમાં જોડાવાની તકો પૂરી પાડવી જરૂરી છે.
સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિએ એકતાનગરમાં યોજાનારી પરેડ દ્વારા રાષ્ટ્રીય એકતા, શાંતિ અને સુરક્ષાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ થશે. સરદાર પટેલના અખંડ ભારતના આદર્શો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નક્સલમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ આયોજન પ્રેરણારૂપ બનશે.
