મુંબઈ
પરંપરાગત કુશળ કારીગરોને કામ કરતાં જોવાની તક આપનારા રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રદર્શન સ્વદેશની સમય મર્યાદા વધારવાનો નિર્ણય નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે લીધો છે. આ પ્રદર્શન એક એવી જગ્યા છે જ્યાં મુલાકાતીઓને પિછવાઈ, તાંજોર, પટ્ટચિત્ર, પટોળા, વેંકટગીરી, બનારસ, પૈઠણ અને કાશ્મીરના વણાટ તથા જયપુરના બ્લુ પોટરી જેવા પ્રખ્યાત પરંપરાગત કળા સ્વરૂપોના કુશળ નિષ્ણાત કારીગરોને કામ કરતાં જોવાની અને તેમની સાથે વાર્તાલાપ કરવાનો અનન્ય અનુભવ પૂરો પાડે છે. કામ કરતાં કારીગરો – પરંપરાગત લૂમ્સ પર કાર્પેટ અને સાડીઓ બનાવતા, વેજીટેબલ શાહી અને સોયનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ બનાવતા કારીગરો – પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરી શકે છે, અહીં આવતાં મુલાકાતીઓ માટે આ એક અનન્ય અને અત્યંત પ્રશંસાપાત્ર અનુભવ બની રહ્યો છે. આનાથી હસ્તકળાની નૈસર્ગિક અપીલ એક પ્રકારના પર્ફોર્મિંગ આર્ટનો અનુભવ કરાવી જાય છે.
“ભારતના કારીગરો આપણા દેશનું ગૌરવ છે. તેમની કુશળતા અને હસ્તકળા આપણી સંસ્કૃતિના અભિન્ન અંગ છે. એનએમએસીસી ખાતે અમારા માટે સન્માનની વાત છે કે તેમને તેમના કૌશલ્ય અને પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે વૈશ્વિક મંચ મળે, તેમને સન્માનિત કરવામાં આવે અને આ વારસો આવનારી પેઢીઓ સુધી પહોંચે, તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું. ” “અમારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો તરફથી તેમને જે આદર અને પ્રશંસા મળી છે તે જોઈને મને સૌથી વધુ આનંદ થાય છે. હું તેમની સાથેના મારા આદાનપ્રદાન થકી આનંદ અનુભવતી હતી, અને તેમની વાતો સાંભળીને અને હસ્તકળા પ્રત્યેની તેમની અસાધારણ ઉત્કટતા જોઈને મને ખૂબ આનંદ થતો હતો. સ્વદેશ એ આપણા વારસાની ઉજવણી છે અને મને આશા છે કે તે આપણા કારીગરો માટે સન્માન, માન્યતા અને તેમની કળાના સાતત્યની નવી શરૂઆત કરશે.”
જ્યારે કળાકારો એનએમએસીસીમાં પધાર્યા:
નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર જ્યારથી વિશ્વ માટે ખુલ્યું છે ત્યારથી મુલાકાતીઓ આ સેન્ટર અને તેના આકર્ષણોના ઘણા પાસાઓની પ્રશંસા કરી રહ્યા છે. સ્વદેશ એક્સપિરિયન્સ ઝોને કલ્ચરલ સેન્ટરના પ્રેક્ષકો માટે માત્ર કુશળ કારીગરોને પ્રત્યક્ષ કામ કરતાં જોવાની જ તક નથી આપી, પરંતુ તેમની કૃતિઓ પણ ખરીદી શકે તે માટે સુંદર ડિઝાઇન કરેલા સ્ટોલ સાથે પરંપરાગત કળાકારોની જગ્યાને જીવંત બનાવી છે. અગાઉ બીજી એપ્રિલ સુધી ત્રણ દિવસ માટે નક્કી કરવામાં આવેલું આ પ્રદર્શન હવે કારીગરોને મળેલા જબરજસ્ત પ્રતિસાદના કારણે લંબાવવામાં આવ્યું છે, કારણ કે પ્રસંશકો અહીં વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે અને દરરોજ કારીગરોને મળતાં ઓર્ડરની સંખ્યા વધી રહી છે, જેની સંપૂર્ણ આવક કારીગરોને મળે છે.
જે પ્રદર્શનની સમય મર્યાદા વધારવામાં આવી છે તેમાં પલગાઈ પદમ – તમિલનાડુની તાંજોર પેઈન્ટિંગ, આંધ્રપ્રદેશની વેંકટગીરી વેવ્સ, ગુજરાતના પટોળા વણાટ અને આંધ્રપ્રદેશની થોલુ બોમ્મલતા લેધર શેડો પપેટ્રીનો સમાવેશ થાય છે.
તાંજોર ચિત્રોમાં દેવતાઓનું સોનાના વરખનું અદ્દભૂત નિરૂપણ; વેંકટગિરી વણાટની જટિલ ઝરી પેટર્નિંગ સાથેના સુંદર કાપડ; ગુજરાતના પટોળાના વણાટ; આંધ્રપ્રદેશની થોલુ બોમ્મલતા શેડો પપેટ્રી અને કાગળ તથા માટીના મિશ્રણથી બનાવવામાં આવતાં બોબલ-હેડ રમકડાં; આ પ્રદર્શનનો એક ભાગ છે.
અથાંગુડી ઇકો-ફ્રેન્ડલી ટાઇલ્સ અને રસ્ટિક ક્લાસિક સાઉથ ઇન્ડિયન ‘ધ વૂડન ટચ’ ડેકોર, સાથે આખી જગ્યા જ પોતે જ એક જીવંત અહેસાસ કરવાનો અનુભવ બની રહે છે.
રિલાયન્સ ફાઉન્ડેશને વર્ષોથી પરંપરાગત ભારતીય કારીગરોને તેમની પ્રતિભા રજૂ કરવા અને તેમના કામને વ્યાપક પ્રેક્ષકો સુધી લઈ જવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. પરંપરાગત કળાકારો અને હસ્તકળા કારીગરો માટે આજીવિકાની તકો ઊભી કરવાથી જોખમમાં મુકાયેલા કળાના સ્વરૂપોને નવી જિંદગી મળે છે, જેથી તેમનું કાર્ય ચાલુ રહે તે સુનિશ્ચિત થાય. આ પ્રયાસની અભૂતપૂર્વ સફળતા રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરનારા નવા કલ્ચરલ સેન્ટરની માન્યતામાં વધુ એક બીજું પાસું ઉમેરે છે.
આ પ્રયાસોએ કારીગરોને સતત રોજગારીની તકો પૂરી પાડીને કળાના સ્વરૂપની જાળવણી અને તેનું રક્ષણ કરવામાં મદદ કરી છે. કારીગરો પ્રત્યેની આ લાંબા સમયની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સ્વદેશ એ દિશામાં વધુ એક પગલું છે.