દળોએ કાશ્મીરના બારામુલ્લામાંથી બે હાઈબ્રિડ આતંકીની ધરપકડ કરી

Spread the love

ધરપકડ કરાયેલા બંને આતંકી સ્થાનિક છે, તેઓને બારામુલ્લાના આઝાદગંજમાં સેના, પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત નાકાદળ દ્વારા પકડવામાં આવ્યા


બારામૂલ્લા
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ સ્વતંત્રતા દિવસ દરમિયાન કાશ્મીરમાં માહોલ બગાડવા અને લોકોમાં ભય પેદા કરવા માટે ટાર્ગેટ કિલિંગનું કાવતરું ઘડ્યું હતું. સુરક્ષા દળોએ બુધવારની વહેલી સવારે બારામુલ્લામાં બે હાઈબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરીને આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ ચાલી રહી છે.
આ મામલે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા બંને આતંકવાદીઓ સ્થાનિક છે અને તેઓને બારામુલ્લાના આઝાદગંજમાં સેના, પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત નાકાદળ દ્વારા પકડવામાં આવ્યા છે. ઓલ્ડ ટાઉનમાં લશ્કર-એ-તૈયબાના બે નવા આતંકવાદીઓ નજરે પડવાની જિલ્લા પોલીસને મળેલી માહિતીના આધારે આ નાકા લગાવવામાં આવ્યો હતો. નાકા પાર્ટીએ આજે વહેલી સવારે બે યુવાનોને શંકાસ્પદ રીતે ફરતા જોયા હતા. નાકા પર તૈનાત જવાનોએ બંને યુવકો પર ઝીણવટભરી નજર રાખી અને તેમને આગળ આવવા દીધા પરંતુ બંને યુવકોએ નાકા જોઈને તરત જ પાછળ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
નાકા પર તૈનાત જવાન પહેલાથી તૈયાર બેઠા હતા. તેમણે બંનેનો પીછો કર્યો અને બંનેને બચવાની તક આપ્યા વગર પકડી લીધા. બંનેની ઘટના સ્થળ પર જ તલાશી લેવામાં આવી. આ દરમિયાન તેમની પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન, ચાર કારતૂસ, એક ગ્રેનેડ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. બંને આતંકવાદીઓની ધરપકડ કરીને બારામૂલા પોલીસ સ્ટોશન લઈ જવામાં આવ્યા. જ્યાં તેમની ઓળખ ફૈસલ મઝીદ ગનઈ નિવાસી બંગલા બાગ બારામૂલા અને નૂર ઉલ કામરાન ગનઈ નિવાસી બાગ એ ઈસ્લામ ઓલ્ડ ટાઉનના રૂપમાં થઈ છે.
પ્રારંભિક પૂછપરછમાં બંનેએ જણાવ્યું કે, તેઓ થોડા સમય પહેલા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં સક્રિય થયા હતા. તેઓને તેના હેન્ડલર દ્વારા ઓલ્ડ ટાઉનના ચોક્કસ સ્થળેથી હથિયાર ઉપાડવાનું કહેવામાં આવ્યું હતું. તેમને કાશ્મીરી હિંદુઓ અને અન્ય લઘુમતીઓની ટાર્ગેટ કિલિંગ ઉપરાંત 15 ઓગસ્ટ પહેલા બારામુલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલાઓ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *