ટી20માં 50 વિકેટ સૌથી ઝડપથી લેનારો કુલદીપ ભારતીય બોલર

Spread the love

ભારતીય ટીમ માટે અત્યાર સુધી કુલદીપે 30 ટી20 મેચ રમી ચૂકેલા કુલદીપે 14.28ની એવરેજથી 50 વિકેટ ઝડપી છે


બાર્બાડોસ
ભારતીય ક્રિકેટ ટીમના ચાઈનામેન લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે. વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કુલદીપ ટી20 સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી20 મેચ 7 વિકેટે જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવે આ મેચમાં બેટિંગ કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે કુલદીપે બોલિંગમાં પોતાની 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. આ સાથે કુલદીપે ટી20 ઈન્ટરનેશનલમાં એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે.
કુલદીપ યાદવે ટી20 ઇન્ટરનેશનલમાં 50 વિકેટ પૂરી કરી લીધી છે. તે ઈજાના કારણે આ ટી20 સિરીઝની બીજી મેચમાં રમી શક્યો ન હતો. આ પછી ત્રીજી મેચમાં સંપૂર્ણરીતે ફિટ થઇને પરત ફર્યો હતો અને તેણે બોલ સાથે ટીમ માટે મેચ વિનિંગ પ્રદર્શન પણ કર્યું હતું. કુલદીપે આ મેચમાં જોન્સન ચાર્લ્સ, બ્રેન્ડન કિંગ અને નિકોલસ પુરનને પોતાનો શિકાર બનાવ્યો હતો.
ભારતીય ટીમ માટે અત્યાર સુધી 30 ટી20 મેચ રમી ચૂકેલા કુલદીપે 14.28ની એવરેજથી 50 વિકેટ ઝડપી છે. આ સાથે તે હવે ભારત માટે આ ફોર્મેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે હતો, જેણે વર્ષ 2019માં પોતાની 34મી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 50 વિકેટ લીધી હતી.
વનડે ફોર્મેટમાં વર્ષ 2023માં કુલદીપ યાદવનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે અને તે ટીમ માટે મેચ વિનિંગ બોલર સાબિત થયો છે. કુલદીપે આ વર્ષે અત્યાર સુધીમાં 11 મેચમાં 17.18ની એવરેજથી 22 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે એક મેચમાં 4 વિકેટ પણ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *