આ ફેરફાર થશે તો રાજસ્થાનમાં કુલ અનામતનું પ્રમાણ 64 ટકાથી વધીને 70 ટકા થઈ જશે
જયપુર
લોકસભાની ચૂંટણી આડે માત્ર એક વર્ષની વાર છે ત્યારે રાજસ્થાને જાહેરાત કરી છે કે રાજ્યમાં ઓબીસી (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)નો અનામત ક્વોટા 21 ટકાથી વધારીને 27 ટકા કરવામાં આવશે. તેના કારણે ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને એજ્યુકેશન અને નોકરીઓમાં વધારે ચાન્સ મળશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઓબીસી અનામતમાં જે 6 ટકાનો વધારો થવાનો છે તેનો લાભ આ વર્ગના સૌથી વધારે પછાત લોકોને આપવામાં આવશે. જો આ ફેરફાર થશે તો રાજસ્થાનમાં કુલ અનામતનું પ્રમાણ 64 ટકાથી વધીને 70 ટકા થઈ જશે.
રાજસ્થાનમાં બાંસવાડા નજીક માનગઢ ધામમાં રાહુલ ગાંધીની રેલી દરમિયાન ગેહલોતે આ જાહેરાત કરી હતી. ત્યાર પછી તેમણે આ અંગે ટ્વિટ પણ કરી હતી. તેમણે કહ્યુ કે, તમે (રાહુલ ગાંધી) દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવાની વાત કરી છે. આ રાષ્ટ્રને એક સંદેશ છે. અમે રાજસ્થાનમાં પણ જાતિ આધારિત વસતી ગણતરી કરવા માંગીએ છીએ. લોકોને તેમની વસતીના આધારે અધિકાર મળશે.
ગેહલોતે ટ્વિટ કરી કે રાજસ્થાનનું ઓબીસી કમિશન ઓબીસીમાં સૌથી પછાત લોકોને ઓળખવા માટે એક સરવે કરશે. તેનાથી સૌથી પછા જ્ઞાતિના લોકોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં વધારે તક મળશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે એસસી અને એસટીના વિવિધ સંગઠનો ઘણા સમયથી વસતીના આધાર પર અનામતની માંગ કરી રહ્યા છે. સરકાર આ માગણીનો પણ અભ્યાસ કરશે. સરકારે ઈડબલ્યુએસને 10 ટકા અનામત આપી તેમાં સ્થાવર મિલ્કતને લગતી શરત દૂર કરી છે.
રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ પણ આ રેલીમાં હાજર હતા. તેમણે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસે જે રીતે વિજય મેળવ્યો તે રીતે 2014માં કેન્દ્રમાં પણ વિજય મેળવશે. અમે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં ભાજપની ડબલ એન્જિન સરકારને નિષ્ફળ બનાવી છે. હવે નવી દિલ્હીમાં પણ મુખ્ય એન્જિનને નાકામ બનાવવાનો સમય આવી ગયો છે.
કોંગ્રેસના નેતાઓએ રાજસ્થાન સરકારની કામગીરીના વખાણ કરતા કહ્યું કે રાજસ્થાનની ચિરંજીવી આરોગ્ય વીમા યોજના આખા દેશમાં બેસ્ટ છે. તેમણે એક નવી સ્કીમની પણ જાહેરાત કરી હતી જેના હેઠળ રાજ્યમાં પ્રથમ તબક્કામાં 40 લાખ મહિલાઓને મફતમાં સ્માર્ટફોન આપવામાં આવશે. તેમાં દરેક વિદ્યાર્થીને એક મોબાઈલ ડિવાઈસ આપવામાં આવશે. ગુરુવારથી જ મોબાઈલ આપવાનું શરૂ થશે.