આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું કે મહિલા સાંસદોએ એ પણ વિચારવું જોઈએ કે મણિપુરની મહિલાઓ પર ત્યારે કેવી વીતી હશે?

નવી દિલ્હી
લોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સામે કથિત અશોભનીય વર્તન કરવાનો આરોપ મૂકનાર મહિલા સાંસદોને એક મહિલા આઈએએસ ઓફિસરે મણિપુરની ઘટના યાદ અપાવી હતી. મધ્યપ્રદેશના સિનિયર મહિલા આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું કે મહિલા સાંસદોએ એ પણ વિચારવું જોઈએ કે મણિપુરની મહિલાઓ પર ત્યારે કેવી વીતી હશે?
આઈએએસ અધિકારીનો ઈશારો સીધી રીતે હિંસાગ્રસ્ત મણિપુરમાં સામે આવેલી મહિલાઓની નગ્ન પરેડના વીડિયો તરફ હતો. આ વીડિયોમાં મહિલાઓને લોકોની ભીડ દ્વારા નગ્ન પરેડ કરાવાતી જોઈ શકાતી હતી. અધિકારી શૈલબાલા માર્ટિને લખ્યું કે જરાક વિચારો તો ખરાં, મણિપુરની મહિલાઓ પર ત્યારે કેવી વીતી હશે? તે કેવું અનુભવી રહી હશે? તેની સાથે માર્ટિને ગૃહમાં રાહુલના કથિત વર્તન અંગે લોકસભા અધ્યક્ષને સંબોધીત કરેલો પત્ર પણ શેર કર્યો હતો જેના પર અનેક મહિલા સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ કેડરના આઈએએસ ઓફિસર હાલમાં ભોપાલમાં મંત્રાલય (રાજ્ય સચિવાલય) માં સામાન્ય વહીવટી વિભાગમાં એડિશનલ સચિવ પદે તહેનાત છે. ખરેખર તો આરોપ છે કે બુધવારે ચર્ચામાં ભાગ લીધા બાદ રાહુલ ગાંધી ગૃહથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની ફાઈલો પડી ગઈ હતી. તેને જોતાં ભાજપના સાંસદો હસવા લાગ્યા હતા જેના બાદ તેમણે ફ્લાઈંગ કિસ મોકલી હોવાનો આરોપ મૂકાયો હતો.