પાકિસ્તાની ક્રિકેટ પર ફિક્સિંગનો પડછાયો: લોર્ડ્સ ટેસ્ટની હાર બાદ બોર્ડની મોટી કાર્યવાહી

Spread the love

લાહોર

પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ફરી એકવાર મેચ ફિક્સિંગ અને શિસ્તભંગનો કાળો પડછાયો ઘેરાતો જોવા મળી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ૧૯૪ રનની શરમજનક હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા ટીમમાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. ટીમના ૭ દિગ્ગજ ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ કોચ સરફરઝ અહેમદ અને બોલિંગ કોચ ઉમર ગુલને પણ તેમના પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે.

શિસ્તભંગ અને મોબાઈલ ફોન જપ્ત થવાની ચર્ચા

મેચ દરમિયાન લેવાયેલા આ કડક નિર્ણયો પાછળ માત્ર ખેલાડીઓનું નબળું પ્રદર્શન નથી, પરંતુ તેનાથી પણ ગંભીર કારણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. પીસીબીએ રાતોરાત નવા ચહેરાઓને ટીમમાં સામેલ કરી દીધા છે, પરંતુ અંદરના સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલો શિસ્તભંગ અને શંકાસ્પદ ગતિવિધિઓ સાથે જોડાયેલો છે. એક પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, બોર્ડે કેટલાક ખેલાડીઓના મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરી લીધા છે, જે અંતિમ ટેસ્ટ મેચ પૂરી થવા સુધી પીસીબીની કસ્ટડીમાં જ રહેશે.

૨૦૧૦ના સ્પોટ ફિક્સિંગ કાંડની યાદો તાજી થઈ

આ સમગ્ર ઘટનાક્રમ પર પીસીબીના મીડિયા ડિરેક્ટર આમીર મીરે સત્તાવાર નિવેદન જારી કરીને પુષ્ટિ કરી છે કે શિસ્ત અને આચરણ સાથે જોડાયેલા અહેવાલોના આધારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. લોર્ડ્સના મેદાન પર ૨૦૧૦માં બનેલો કુખ્યાત સ્પોટ ફિક્સિંગ કાંડ આજે પણ લોકોના સ્મરણમાં છે, જ્યારે સલમાન બટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમીરને નો-બોલ ફેંકવાના બદલામાં સટ્ટાબાજો પાસેથી લાંચ લેવાના આરોપમાં જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.

ઇમામ-ઉલ-હક સામે પણ ગાળિયો કસાયો

બીજી તરફ, લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન ઇજાનું બહાનું ધરીને બેટિંગ કરવા માટે મેદાન પર ન ઉતરનાર ઓપનિંગ બેટ્સમેન ઇમામ-ઉલ-હક સામે પણ કાર્યવાહીનો ખતરો તોળાઈ રહ્યો છે. પીસીબી હાઇ પરફોર્મન્સ ડિરેક્ટર આકિબ જાવેદે ઇમામની આ પ્રકારની વર્તણૂક પર કડો વાંધો વ્યક્ત કરતા જણાવ્યું કે ઇમામની ઈજા એક મોટો સવાલ અને ઊંડી નિરાશાનો વિષય છે. ભૂતકાળમાં પણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા હતા, પરંતુ તેઓ પ્લાસ્ટર બાંધીને પણ દેશ માટે રમતા હતા. સ્નાયુઓમાં ખેંચાણનું કારણ ધરીને તમે બંને ઇનિંગ્સમાં બેટિંગ કરવા માટે જ ન આવો તે કઈ રીતે શક્ય બને? તેમની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *