અમદાવાદમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 2026 નિમિત્તે ભાડજ હરે કૃષ્ણ મંદિરે ભક્તિભાવ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો, જ્યાં મહાઅભિષેક, ૧૦૦૮ પ્રકારના ભોજન અને નંદલાલ છંગાના સંકીર્તનથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું.
અમદાવાદ
અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં શુક્રવાર, ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે સંપન્ન થઈ હતી. મંદિરમાં યોજાયેલી આ ઉજવણી ભક્તો માટે એક જાદુઈ અને અલૌકિક અનુભવ સાબિત થઈ હતી. મહા અભિષેક, ઝુલણ ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વર્ણ રથ ઉત્સવ જેવા ભવ્ય આયોજનોએ આ પર્વની રોનક અનેકગણી વધારી દીધી હતી.
ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીતમય માહોલ
ઉત્સવના ભાગરૂપે મંદિરમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી પ્રખ્યાત લોકગાયક શ્રી નંદલાલ છંગા અને તેમની ટીમ દ્વારા શ્રી કૃષ્ણ સંકીર્તન કોન્સર્ટ યોજાયો હતો, જેમાં ભક્તો ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. આ ઉપરાંત, સમગ્ર ઉત્સવ દરમિયાન સવારે ૯ વાગ્યાથી મધ્યરાત્રિ ૧૨.૦૦ વાગ્યા સુધી વિવિધ કલાકારો દ્વારા મધુર કૃષ્ણ ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
૧૦૦૮ પ્રકારના ભોજન અને ૧૫૧ કિલોની કેકનું અર્પણ
મહોત્સવની વિશેષતાઓમાં લાખો ભક્તોની ઉપસ્થિતિ રહી હતી, જેમણે ફરાળી કૃષ્ણ પ્રસાદનો લાભ લીધો હતો. ભગવાન શ્રીકૃષ્ણને મીઠાઈઓ, દૂધ અને ફરસાણ સહિત ૧૦૦૮ થી વધુ પ્રકારની ભોજન વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી, જે બાદમાં ભક્તોમાં વિતરણ કરવામાં આવી હતી. આ સાથે ૧૫૧ કિલો વજનની ખાસ શુદ્ધ શાકાહારી કેક પણ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.
વિશેષ જન્માષ્ટમી અલંકાર અને શણગાર
શ્રી શ્રીરાધા માધવને આ જન્માષ્ટમી પર અત્યંત સુગંધિત અને મનમોહક પોશાક ધારણ કરાવવામાં આવ્યો હતો. શુદ્ધ રેશમ અને ભક્તો દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલા પથ્થરોથી આ પોશાક તૈયાર થયો હતો. વૃંદાવનની શૈલીને અનુરૂપ કિંમતી રત્નોમાંથી બનાવેલા ઘરેણાંનો નવો સેટ છેલ્લા ૨ મહિનાના આયોજન બાદ તૈયાર કરાયો હતો. ભારતના વિવિધ ભાગોમાંથી મગાવવામાં આવેલા રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી આખા મંદિરને દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.
મહાઅભિષેક અને ઝુલન સેવા
પાંચ હજાર વર્ષ પૂર્વે મહારાજા નંદ અને માતા યશોદાએ બાળ કૃષ્ણને સ્નાન કરાવ્યું હતું, તે જ ભાવના સાથે હરે કૃષ્ણ મંદિરમાં શ્રી શ્રીરાધા માધવના દેવતાઓને પંચગવ્ય, ઔષધીય વનસ્પતિઓ, ફળોના રસ અને ફૂલોથી ભવ્ય મહાઅભિષેક કરાયો હતો. સાત પવિત્ર નદીઓમાંથી એકત્રિત કરાયેલા ૧૦૮ કળશના પાણીથી સ્નાન કરાવી મધ્યરાત્રિએ ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આખો દિવસ ભગવાન માટે ઝુલન (હિંડોળા) સેવા પણ અર્પણ કરવામાં આવી હતી.
નંદોત્સવ અને વ્યાસ પૂજા મહોત્સવ
૫ સપ્ટેમ્બરના રોજ મંદિરમાં નંદોત્સવ અને વ્યાસ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય શ્રીલ પ્રભુપાદનો જન્મ જન્માષ્ટમીના બીજા દિવસે થયો હોવાથી, વૈષ્ણવ ગુરુના આ દિવસને વ્યાસ પૂજા મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાનના ૨૧ લાખ નામોનો જાપ કરવાની પ્રતિજ્ઞા ભક્તોએ લીધી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ભવ્ય મહોત્સવમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને અમદાવાદના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સહિત અનેક અગ્રણીઓએ પોતાના પરિવાર સાથે ઉપસ્થિતિ રહી ભગવાન કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
