5,500થી વધુ લોકોની સેન નદી પર સાંસ્કૃતિક નૌકાયાત્રા; 2,500થી વધુ મહિલાઓ-યુવતીઓ પાલખી યાત્રામાં જોડાઈ
પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ
ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત પથ્થરથી નિર્મિત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે યોજાઈ રહેલા 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ એટલે કે પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને ભારત-ફ્રાન્સની મિત્રતાનો ભવ્ય સંગમ જોવા મળી રહ્યો છે. મહોત્સવના ભાગરૂપે 2 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી પાલખી યાત્રામાં 2,500થી વધુ લોકો જોડાયા હતા, જ્યારે 3 સપ્ટેમ્બરે સેન નદી પર યોજાયેલી ઐતિહાસિક જળયાત્રામાં વિશ્વભરમાંથી આવેલા 5,500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

પાલખી યાત્રામાં મહિલાઓ અને યુવતીઓનો ઉત્સાહ
મહોત્સવના વિધિવત્ આરંભ સાથે બુસી-સેંટ-જ્યોર્જેસમાં ભક્તિમય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વયની મહિલાઓ અને યુવતીઓ સહિત હજારો લોકો પરંપરાગત વસ્ત્રોમાં યાત્રામાં જોડાયા હતા. પરંપરાગત સંગીત, ભક્તિગાન અને નૃત્ય સાથે સુશોભિત પાલખીઓ શહેરના માર્ગો પરથી પસાર થઈ ત્યારે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.
નવ સુશોભિત પાલખીઓ, એક પરંપરાગત રથ અને આશરે 250 કલાકારો સાથેની યાત્રામાં ભારતના વિવિધ પ્રદેશોની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. યાત્રાના માર્ગે સ્થાનિક રહેવાસીઓ, પરિવારો અને મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક તેનું સ્વાગત કર્યું હતું.
વેલેરી પેક્રેસે મંદિરને ગણાવ્યું ગૌરવનું પ્રતીક
ફેસ્ટિવલ ઓફ કલ્ચરના ઉદ્ઘાટન પ્રસંગે ઈલ-દ-ફ્રાન્સ પ્રદેશના પ્રમુખ વેલેરી પેક્રેસ, ભારતના ફ્રાન્સ ખાતેના ડેપ્યુટી ચીફ ઓફ મિશન ઈનમ ગંભીર તથા બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્ક ઉપસ્થિત રહ્યા હતા.
વેલેરી પેક્રેસે જણાવ્યું કે આ મંદિર માત્ર એક ઇમારત નથી, પરંતુ પાંચ દાયકાથી વધુ સમયના સંકલ્પ, ધીરજ અને સમર્પણનું પરિણામ છે. ભારતીય શિલ્પકારો અને ડિઝાઇનરો તથા ફ્રાન્સના પથ્થર-કારીગરો અને કંપનીઓના કૌશલ્યના સંગમથી સાકાર થયેલું આ મંદિર ભારત અને ફ્રાન્સ બંને માટે ગૌરવ સમાન હોવાનું તેમણે જણાવ્યું.
સેન નદી પર 11 નૌકાઓની ભવ્ય જળયાત્રા
3 સપ્ટેમ્બરે સેન નદી પર યોજાયેલી જળયાત્રા મહોત્સવનું વધુ એક ઐતિહાસિક આકર્ષણ બની હતી. ભારતીય સાંસ્કૃતિક સુશોભન, પુષ્પો તથા ભારત અને ફ્રાન્સના ધ્વજોથી શોભતી 11 નૌકાઓની લગભગ એક કિલોમીટર લાંબી શૃંખલા પેરિસના હૃદયમાંથી પસાર થઈ હતી. પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ બાદ સેન નદી પર એકસાથે સંકલિત રીતે યોજાયેલી આ સૌથી મોટી નૌકાયાત્રા બની હતી.
એફિલ ટાવર, મ્યુઝે દ’ઓર્સે, નોત્ર-દામ કેથેડ્રલ અને લુવ્ર મ્યુઝિયમ જેવા વિશ્વવિખ્યાત સ્થળો પાસેથી પસાર થયેલી યાત્રાને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ નદીકાંઠે તથા પુલો પર ઉમટ્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ ફરી જીવંત થઈ
1997માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સેન નદી પર કરેલી ઐતિહાસિક યાત્રાથી પ્રેરિત આ જળયાત્રાએ બી.એ.પી.એસ.ના ઇતિહાસની યાદોને ફરી જીવંત કરી હતી. લગભગ ત્રણ દાયકા બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે હરિભક્તોએ આ યાત્રાને ફરી અનુસરી હતી.
અબુ ધાબીના બી.એ.પી.એસ. હિન્દુ મંદિરના બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું કે સેન નદી ફ્રાન્સના ઇતિહાસ, પ્રેરણા અને આકાંક્ષાઓનું પ્રતીક છે અને જળયાત્રા શાંતિ તથા ભારત-ફ્રાન્સની મિત્રતા માટેની સહિયારી આશાની અભિવ્યક્તિ છે. સમગ્ર મહોત્સવમાં આગામી દિવસોમાં શ્રદ્ધા, વારસા, સેવા અને બંધુત્વને કેન્દ્રમાં રાખીને વિવિધ ભક્તિમય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
