ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ પૂર્વે 2થી 14 સપ્ટેમ્બર સુધી મહાયજ્ઞનું આયોજન, વિશ્વશાંતિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના
પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ
ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ અવસર પૂર્વે બુધવારે, 2 સપ્ટેમ્બરના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં પવિત્ર વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત આયોજિત આ મહાયજ્ઞ 2થી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. વિવિધ દેશોમાંથી આવેલા પરિવારો અને ભક્તો પ્રાર્થના, ભક્તિ અને સેવાના ભાવ સાથે આ ઐતિહાસિક પ્રસંગમાં સહભાગી બની રહ્યા છે.
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞવિધિનો પ્રારંભ
પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ મહાયજ્ઞમાં વિશ્વભરમાંથી આવેલા યજમાનો અને ભક્તોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી પ્રાર્થના કરી હતી. યજ્ઞવિધિ દરમિયાન વિશ્વશાંતિ, સૌની સુખાકારી અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
હિન્દુ પરંપરામાં યજ્ઞનું આધ્યાત્મિક મહત્ત્વ
હિન્દુ પરંપરામાં યજ્ઞને પ્રાચીન અને પવિત્ર ઉપાસનાવિધિ માનવામાં આવે છે. યજ્ઞ દ્વારા ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા, ભક્તિ તેમજ સમગ્ર સમાજ અને વિશ્વના કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. પેરિસના નવા મંદિરના લોકાર્પણ પૂર્વે યોજાઈ રહેલો આ મહાયજ્ઞ મંદિર પરિસરને પવિત્ર બનાવવાની સાથે ભક્તોને આ ઐતિહાસિક પ્રસંગ માટે આધ્યાત્મિક રીતે તૈયાર કરનારી મહત્વપૂર્ણ વિધિ બની રહ્યો છે.
મહંત સ્વામી મહારાજે વિશ્વશાંતિ માટે કરી પ્રાર્થના
મહંત સ્વામી મહારાજે યજ્ઞસ્થળે પધારી પ્રાર્થના કરી હતી અને ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “પેરિસ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે અહીં વિશ્વશાંતિ મહાયાગ થઈ રહ્યો છે. તો પ્રાર્થના કરીએ કે આખા વિશ્વમાં સુખ-શાંતિ રહે, સંપનું વાતાવરણ રહે. પેરિસના સૌ હરિભક્તો તન-મન-ધનથી ખૂબ સુખી થાય.”
ઐતિહાસિક મંદિર મહોત્સવમાં ભક્તિનો માહોલ
મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોજાયેલા મહાયજ્ઞથી સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. વિવિધ દેશોમાંથી આવેલા ભક્તો આ ઐતિહાસિક મંદિર મહોત્સવમાં જોડાઈને પ્રાર્થના, સેવા અને ભક્તિ દ્વારા ફ્રાન્સમાં હિન્દુ ધર્મના નવા અધ્યાયના સાક્ષી બની રહ્યા છે.
2થી 14 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો સાથે પેરિસ મંદિર મહોત્સવ ફ્રાન્સમાં હિન્દુ સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક વારસાના વૈશ્વિક પ્રસારનું મહત્વપૂર્ણ પર્વ બની રહ્યો છે.
