ગાંધીધામ
ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડીલ તેની આંતરરાષ્ટ્રી કારકિર્દીનો શાનદાર રીતે પ્રારંભ કર્યો હતો કેમ કે તેણે તાજેતરમાં જ પૂરી થયેલી WTT યૂથ કન્ટેન્ડર અમાન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યાં હતાં. આ ટુર્નામેન્ટ 22થી 25મી ઓગસ્ટ દરમિયાન જોર્ડનના અમાન ખાતેના પ્રિન્સ સોમાયા હોલ ખાતે યોજાઈ હતી.
11 વર્ષની દાનિયા અંડર-11 ગર્લ્સ કેટેગરીમાં વિજેતા બની હતી જ્યાં તેણે સેમિફાઇનલ અને ફાઇનલમાં અનુક્રમે સ્થાનિક ખેલાડી એઇલિન થ્રેઇવાટને 3-0 (11-4,11-1,11-2)થી અને લિન્ડા અલ ડાર્વિસને 3-0 (11-2,11-3,11-1) હરાવી હતી.
અંડર-13માં ગુજરાતની મોખરાની ખેલાડી દાનિયા સુરતની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થી છે. તેને અંડર-13 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલથી સંતુષ્ટ રહેવું પડ્યું હતું. સેમિફાઇનલમાં દાનિયાનો મુકાલબો ભારતની જ દિવ્યાંશી ભૌમિક સામે હતો જ્યાં તેનો 0-3 (5-11,5-11,10-12)થી પરાજય થયો હતો.
ગ્રૂપ મેચમાં સુરતની દાનિયાએ જોર્ડનની જાના અલ્થ્રાવાટ સામે 3-0 (11-2,11-3,11-5)થી, જોર્ડનની જ એઇલિન થ્રેઇવાટ સામે 3-0 (11-4,11-7,11-5)થી અને લેબેનોનની બિસ્સાન ચિરી સામે 3-0 (11-5,11-4,11-5)થી વિજય હાંસલ કર્યા બાદ લેબેનોનની વેનિયા યાવારી સામે તેનો 0-3 (6-11,8-11,5-11)થી પરાજય થયો હતો પરંતુ ગ્રૂપમાં મોખરે રહેવાને કારણે તેણે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
દાનિયાના શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે યુવાનીમાં રમવાનો પ્રારંભ કરે ત્યારે છોકરીઓ સારી રમત દાખવતી હોય છે તેનું દાનિયા સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. “દાનિયા માત્ર 11 વર્ષની છે અને તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેનામાં પ્રતિભા છે અને અમે તેને ભવિષ્ય માટે સજ્જ કરીશું.” તેમ તેમણે જણાવ્યું હતું.