નવી વેબસાઈટ કરદાતાઓને નવી સુવિધાઓ જોડવાની સાથે મેગા મેનૂનો વિકલ્પ પણ આપશે, જે હેઠળ યુઝર્સને મેનુમાં જ ઘણા વિકલ્પો મળશે
નવી દિલ્હી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ કરદાતાઓ માટે નવી ટેકનોલોજી સાથે તાલમેલ રાખવા માટે અને અનુભવને વધારવા આવકવેરા વિભાગની સુધારેલી વેબસાઇટ www.incometaxindia.gov.in લોન્ચ કરી છે.
આ નવી વેબસાઈટ કરદાતાઓને નવી સુવિધાઓ જોડવાની સાથે મેગા મેનૂનો વિકલ્પ પણ આપશે, જે હેઠળ યુઝર્સને મેનુમાં જ ઘણા વિકલ્પો મળશે. નવી વેબસાઈટ મોબાઈલ રિસ્પોન્સિવ લેઆઉટ અનુસાર તૈયાર કરવામાં આવી છે. આવકવેરા વિભાગની સુધારેલી વેબસાઇટ યુઝર્સને વિવિધ કાયદાઓની તુલના કરવાની મંજૂરી આપે છે. આ સિવાય વધારાના અને નવા બટનો પણ રજૂ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગની સંશોધિત નેશનલ વેબસાઈટ www.incometaxindia.gov.inને ફ્રેન્ડલી ઈન્ટરફેસ, વેલ્યુ એડેડ સર્વિસ અને નવા મોડ્યુલો સાથે નવુ રુપ આપવામાં આવ્યું છે. ઉદયપુરમાં આવકવેરા નિર્દેશાલય દ્વારા આયોજિત ‘ચિંતન શિવિર’ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના અધ્યક્ષ નીતિન ગુપ્તા દ્વારા નવી સુધારેલી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી. આ વેબસાઇટ કર અને અન્ય સંબંધિત માહિતીના વ્યાપક ભંડાર તરીકે સેવા આપે છે.
આ વેબસાઈટ ડાયરેક્ટ ટેક્સ કાયદાઓ, અન્ય સંબંધિત અધિનિયમો, નિયમો, આવકવેરા પરિપત્રો, તમામ ક્રોસ-રેફરન્સ્ડ, હાઇપરલિંક્ડ અને સૂચનાઓ સુધી પહોંચ પ્રદાન કરે છે. આ સાઈટ ‘ટેક્સપેયર્સ સર્વિસ મોડ્યુલ’ પણ ઓફર કરે છે, જેમાં કરદાતાઓને તેમના આવકવેરા રિટર્ન ભરવામાં મદદ કરવા માટે ટેક્સ સાધનો ઉપલબ્ધ છે. વેબસાઈટના યુઝર્સની સુવિધા માટે આ તમામ નવી સુવિધાઓ વર્ચ્યુઅલ ટુર અને નવા બટન પ્રોમ્પ્ટ દ્વારા સમજાવવામાં આવી છે.