મોદીને ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટનું નામ આપવાનો કોણે અધિકાર આપ્યોઃ અલ્વી

Spread the love

આપણે ચંદ્રના માલિક નથી, એ લેન્ડિંગ પોઈન્ટના માલિક નથી, આવું કરવું ભાજપની ટેવ હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ


નવી દિલ્હી

વડાપ્રધાન મોદી આજે ગ્રીસની મુલાકાત લીધા બાદ બેંગ્લુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. પીએમએ કહ્યું કે ચંદ્રની જે સપાટી પર ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ઉતર્યું હતું તેનું નામ હવે શિવ શક્તિ હશે. પીએમ મોદીની આ જાહેરાત પર કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી ભડક્યાં હતા. તેમણે કહ્યું કે આપણે એ લેન્ડિંગ પોઈન્ટના માલિક નથી કે તેનું નામ રાખી દઈએ.
રાશિદ અલ્વીએ કહ્યું કે નરેન્દ્ર મોદીને આ અધિકાર કોણે આપ્યો કે તે ચંદ્રની સપાટીનું નામ રાખે? આ હાસ્યાસ્પદ છે. આ નામકરણ બાદ સમગ્ર વિશ્વ આપણી હાંસી ઉડાડશે. ચંદ્રની એ જગ્યાએ લેન્ડિંગ થઈ તે સારી વાત છે અને તેના પર સૌને ગર્વ છે, તેના પર કોઈને શંકા ન થવી જોઈએ પણ આપણે ચંદ્રના માલિક નથી, એ લેન્ડિંગ પોઈન્ટના માલિક નથી. આવું કરવું ભાજપની ટેવ છે. જ્યારથી તે સત્તામાં આવી છે નામ બદલવાની તેની ટેવ પડી ગઈ છે.
જ્યારે રાશિદ અલ્વીને સવાલ કરાયો કે યુપીએ શાસન દરમિયાન જ્યાં ચંદ્રયાન 1એ લેન્ડિંગ કર્યું હતું તેનું નામ જવાહર પોઇન્ટ રખાયું હતું પણ ભાજપ કહેછે કે પીએમએ આ લેન્ડિંગ પોઈન્ટનું નામ તો અટલ બિહારી વાજપાયી કે પોતાના નામે નથી રાખ્યું. તમારી સરકારે જવાહર પોઇન્ટ નામ રાખ્યું હતું. તેના જવાબમાં રાશિદ અલ્વીએ કહ્યું કે જવાહર લાલ નહેરુની તુલના તમે ન કરી શકો. આજે ઈસરો જે કંઇ છે તે પંડિત જવાહરલાલ નહેરુને લીધે છે. 1962માં પંડિત નહેરુ અને વિક્રમ સારાભાઈએ ઈસરોનો પાયો નાખ્યો હતો. તમે કહી શકો કે નહેરુ તેના સંસ્થાપક હતા, તે એકદમ અલગ વાત હતી પણ મોદી તેનું રાજનીતિકરણ કરી રહ્યા છે.
અગાઉ ભાજપે શિવ શક્તિ નામ રાખવા અંગે કોંગ્રેસ સામે નિશાન તાકતાં કહ્યું કે પીએમ માટે દેશ પહેલા આવે છે. જોકે કોંગ્રેસ માટે પરિવાર પ્રથમ છે. ભાજપ પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે જો યુપીએ હોત તો તેનું નામ ગાંધી પરિવારના નામે થઈ જાત અને તેમણે ચંદ્ર પર ઈન્દિરા પોઈન્ટ કે રાજીવ પોઈન્ટ નામ જાહેર કર્યું હોત. તેમણે કહ્યું કે ચંદ્રયાન 1 જ્યાં લેન્ડ થયું હતું કોંગ્રેસ સરકારે તેનું નામ જવાહર પોઇન્ટ રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *