એફઆઈઆરમાં નફરત ફેલાવા બદલ આઈપીસીની કલમ 153એ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આઈપીસીની કલમ 295એને સામેલ કરાઈ

મુંબઈ
સનાતન ધર્મ અંગે કરેલી ટિપ્પણીને લઈને તમિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ વધુ એક એફઆઈઆર નોંધાઈ છે. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર નોંધાવામાં આવી છે. એફઆઈઆરમાં વિભિન્ન સમૂહો વચ્ચે નફરત ફેલાવા માટે આઈપીસીની કલમ 153એ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આઈપીસીની કલમ 295એને સામેલ કરવામાં આવી છે.
ગત અઠવાડિયે ઉત્તર પ્રદેશના રામપુરમાં સ્ટાલિન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેનું નામ પણ સામેલ છે. ઉદયનિધિના નિવેદનનું સમર્થન કરવાના આરોપમાં પ્રિયાંકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યુ છે. આ ઉપરાંત આ જ મામલે બિહારમાં મુઝફ્ફરપુર ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ કો ર્ટમાં પણ ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરીને તેને ખતમ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. કેટલીક વસ્તુઓનો વિરોધ ન કરી શકાય તેને ખતમ જ કરી દેવાનું હોય છે. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોનાનો વિરોધ ન કરી શકીએ તેને ખતમ કરીએ છીએ. એવા જ રીતે સનાતન ધર્મને પણ ખતમ કરવાનો છે.
ઉધયનિધિના આ નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રીઓથી લઈને ભાજપના તમામ નેતાઓએ તેનો વિરોધ કર્યો છે. આ સાથે જ વિપક્ષના મૌન પર સનાતન ધર્મના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના આ આરોપો પર વિપક્ષનું કહેવું છે કે, ઈન્ડિયા ગઠબંધનને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
