ચેમ્પિયન અમદાવાદને મેન્સ ટાઇટલ માટે સુરતના પડકારનો સામનો કરવાનો રહેશે
ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે 27 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન અમદાવાદના એસએજી સ્પોર્ટસ કોમ્પલેક્સ, ખોખરા ખાતે સર્વો હાઇપરસ્પોર્ટ એફ5 ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિમેન્સ વિભાગમાં વર્તમાન ચેમ્પિયન સુરત તેનું વિમેન્સ ટાઇટલ જીતવા માટે ફેવરિટ છે.
આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ઓઇલ ટાઇટલ સ્પોન્સર છે જ્યારે જીએમડીસી એસોસિયેટ સ્પોન્સર છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)ના સહકારથી યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં સ્ટિગા ઇક્વિપમેન્ટ પાર્ટનર છે.
સુરતની વિમેન્સ ટીમમાં રાજ્યમાં પાંચમો ક્રમાંક ધરાવતી ફ્રેનાઝ છિપીયા છે જે પોતાની ટીમને ટ્રોફી જીતવામાં મદદ કરનારી છે. તેમને અમદાવાદ અને ભાવનગરની વિમેન્સ ટીમ સામેથી મોટો પડકાર મળવાનો છે.
મેન્સ વિભાગમાં વર્તમાન ચેમ્પિયન અમદાવાદની આગેવાની મોખરાનો ખેલાડી અક્ષિત સાવલા લેશએ પરંતુ સુરતની ટીમ તેમને પડકારે તેવી સંભાવના છે જેમાં રાજ્યમાં બીજો ક્રમાંક ધરાવતો બુરહાનુદ્દીન માલુભાઈવાલા રમનારો છે.
આ વખતની ચેમ્પિયનશિપ વિવિધ 18 કેટેગરીમાં યોજાનારી છે. જેમાં હોપ્સ (અંડર-11), બોયઝ અને ગર્લ્સ, કેડેટ (અંડર-13), બોયઝ અને ગર્લ્સ, સબ જુનિયર (અંડર-15), બોયઝ અને ગર્લ્સ, જુનિયર (અંડર-15), બોયઝ અને ગર્લ્સ જુનિ.ર (અંડર-19), બોયઝ અને ગર્લ્સ, મેન્સ અને વિમેન્સ ઉપરાંત સિનિયર, જુનિયર્સ (અંડર-19) અને સબ જુનિર્સ (અંડર-15)ની ટીમ ચેમ્પિયનશિપનો સમાવેશ થાય છે.
આ ચેમ્પિયનશિપ માટે લગભગ 700 જેટલા ખેલાડી અને ઓફિશિયલ્સ અમદાવાદમાં એકત્રિત થશે.
આ વખતે વિક્રમી સંખ્યામાં 15 જિલ્લા ટીમો મેન્સ ટીમ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી છે જ્યારે વ્યક્તિગત ઇવેન્ટમાં બધું મળીને 592 ખેલાડીએ પ્રવેશ લીધો છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ:
મેન્સઃ અમદાવાદઃ અક્ષિત સાવલા (સુકાની), અભિલાશ રાવલ, મોનીશ દેઢિયા, સોહમ ભટ્ટાચાર્ય, ચિત્રાક્ષ ભટ્ટ.
વિમેન્સઃ સુરતઃ ફ્રેનાઝ છિપીયા (સુકાની), અર્ની પરમાર, આફ્રિન મુરાદ, ફિલઝાહ ફાતીમા કાદરી, સનાયા આચ્છા.
જીએસટીટીએના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ માહિતી આપી હતી કે આ સિઝનની અંતિમ ટુર્નામેન્ટ શ્રેષ્ઠ બની રહેશે. “વિજેતાઓમાં જીએસટીટીએ રૂપિયા 1,62,000ની ઇનામી રકમની વહેંચણી કરશે. આ મેગા ઇવેન્ટ માટે સ્થળ સજ્જ થઈ ગયું છે અને તે એસએજીને આભારી છે.” તેમ ચૌધરીએ જણાવ્યું હતું.