કેનેડાના વિદેશમંત્રી મેલોની જોલીએ નિવેદન આપ્યું કે, સરકાર કર્મચારીઓમાં કાપના મુદ્દે ભારત સાથે રાજદ્વારી રીતે વાતચીત કરી રહી છે

નવી દિલ્હી
ભારત કેનેડા વચ્ચે તનાવપૂર્ણ સંબંધ જોવા મળી રહ્યા છે. એવામાં ભારતે કેનેડા પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા 41 કેનેડીયન રાજદ્વારીઓને પાછા બોલવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત ગઈકાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ એવું કહ્યું હતું કે, ભારતમાં કેનેડા રાજદ્વારીઓની સંખ્યા વધારે છે જે આંતરિક બાબતોમાં દખલ આપે છે. જેને લઇ હાલમાં એક રીપોર્ટ દ્વારા સમાચાર મળી રહ્યા છે કે કેનેડાએ ભારતમાં સ્થિત હાઈ કમિશનમાંથી તેના રાજદ્વારીઓને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખસેડ્યા હોવાની જાણકારી મળી રહી છે.
આ મામલે આવા દાવાઓ વચ્ચે કેનેડાના વિદેશમંત્રી મેલોની જોલીએ નિવેદન આપ્યું કે, સરકાર કર્મચારીઓમાં કાપના મુદ્દે ભારત સાથે રાજદ્વારી રીતે વાતચીત કરી રહી છે. જોલીએ જણાવ્યું કે, કેનેડા સતત ભારત સરકારના સંપર્કમાં છે. અમે કેનેડિયન રાજદ્વારીઓની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ, અને ખાનગી વાતચીત ચાલુ રાખીશું કારણ કે રાજદ્વારી વાતચીતો જ્યારે ખાનગી રહે છે ત્યારે શ્રેષ્ઠ કાર્ય કરે છે.
અગાઉ એવો દાવો સામે આવ્યો હતો કે, ભારત- કેનેડા વચ્ચે બગડતા દ્વિપક્ષીય સંબંધો વચ્ચે 10 ઓક્ટોબર સુધીમાં ભારતમાંથી 41 રાજદ્વારીઓને પરત બોલવામાં આવે. હાલ ભારતમાં 60 થી વધુ કેનેડિયન રાજદ્વારીઓ તૈનાત છે.