નવા 3 પ્રકાર સબસ્ક્રિપ્શન પ્લાન આ સોશિયલ મીડિયા જાયન્ટને એવા યુઝર્સ પાસેથી પણ આવક મેળવવામાં મદદ કરશે જેઓ હાલમાં મોંઘા પ્લાન નથી લેતા
વોશિંગ્ટન
ટ્વીટરના સીઈઓ લીંડા યાકારીએ કહ્યું કે એક્સ 3 પ્રકારના સબસ્ક્રિપ્શન પ્લાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે આ વાત બેંકર્સ સાથે થયેલી મીટીંગમાં જણાવી હતી. હાલ કંપની એક્સ પ્રીમિયમ માટે રૂ 900 ચાર્જ કરે છે. નજીકના ભવિષ્યમાં ટ્વીટર 3 પ્રકારના પ્લાન આપશે જેમાં બેઝીક, સ્ટાન્ડર્ડ અને પ્લસ પ્લાનનો સમાવેશ થશે. બ્લૂમબર્ગની એક રીપોર્ટ મુજબ, નવા 3 પ્રકાર સબસ્ક્રિપ્શન પ્લાન આ સોશિયલ મીડિયા જાયન્ટને એવા યુઝર્સ પાસેથી પણ આવક મેળવવામાં મદદ કરશે જેઓ હાલમાં મોંઘા પ્લાન નથી લેતા.
થોડા સમય પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની વાતચીતમાં એલોન મસ્કે સંકેત આપ્યો હતો કે બોટ્સની સમસ્યાને ખતમ કરવા માટે એક્સ તમામ યૂઝર્સ પાસેથી નાની માસિક પેમેન્ટ લેવાનું શરૂ કરી શકે છે. એટલે કે દરેકને ટ્વિટર લોગિન માટે અમુક રકમ ચૂકવવી પડશે.
એક્સ પ્રીમિયમ 3 પ્રકારમાં આવશે
પ્રીમિયમ બેઝિક – ફૂલ એડ
પ્રીમિયમ સ્ટાન્ડર્ડ – હાફ એડ
પ્રીમિયમ પ્લસ – કોઈ એડ નહિ
થોડા સમય પહેલા એક સંશોધકે એક્સ પર નવા એપ્લિકેશન વર્ઝન માટે એક નવા કોડની તપાસ કરી હતી જે દર્શાવે છે કે 3 ટાયર્ડ સબ્સ્ક્રિપ્શન પ્લાનને યુઝર્સને બતાવવામાં આવતી જાહેરાતોની સંખ્યાના આધારે અલગ કરી શકાય છે. જેમાં પ્રીમિયમ બેઝિક પ્લાન બધી જ એડ બતાવશે જયારે પ્રીમિયમ સ્ટાન્ડર્ડ પ્લાનમાં અડધી જ એડ જોવા મળશે અને પ્રીમિયમ પ્લસમાં કોઈ જ જાહેરાતો જોવા મળશે નહિ. એટલે એવું કહી શકાય કે સસ્તું સબસ્ક્રિપ્શન લેનાર લોકોને સૌથી વધુ જાહેરતો જોવા મળશે.