2020 પછી એક જ દિવસમાં શેકલના ભાવમાં આ સૌથી મોટો કડાકો, શેકેલનું મૂલ્ય એક ડોલર સામે ઘટીને લગભગ 4 થઈ ગયું
જેરૂસલેમ
પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ સતત ચાલુ છે. હમાસના હુમલા બાદ શરૂ થયેલા આ યુદ્ધનો હાલ કોઈ ઉકેલ નથી. દરમિયાન, ઇઝરાયેલી ચલણ શેકેલને ભારે નુકસાન થયું છે અને તેનું મૂલ્ય છેલ્લાં સાત વર્ષોના તળીયે પહોંચી ગઈ છે.
અહેવાલ અનુસાર સોમવારે ઇઝરાયેલનું ચલણ શેકેલ 2.5 ટકાથી વધુ તૂટ્યું હતું. માર્ચ 2020 પછી એક જ દિવસમાં શેકલના ભાવમાં આ સૌથી મોટો કડાકો હતો. ગઈકાલે પણ શેકેલના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. હાલમાં શેકેલનું મૂલ્ય એક ડોલર સામે ઘટીને લગભગ 4 થઈ ગયું છે. આ 7-8 વર્ષમાં શેકેલનું સૌથી ઓછું મૂલ્ય છે.
ઇઝરાયેલના ચલણ શેકેલના મૂલ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં 11 ટકાથી વધુનો ઘટાડો થયો છે. મોટી આંતરરાષ્ટ્રીય કરન્સીની સરખામણીએ આ વર્ષે ડોલરની કિંમતમાં પહેલેથી જ વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે 2023માં લગભગ તમામ એશિયન કરન્સી દબાણ હેઠળ છે. પશ્ચિમ એશિયાઈ દેશના યુદ્ધમાં પ્રવેશથી શેકલના મૂલ્યને અસર થઈ છે અને હવે મૂલ્ય 2016 ની શરૂઆતથી સૌથી નીચા સ્તરે છે.
આ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધની અસર વ્યાપક થઈ રહી છે. ઈઝરાયેલના શેરબજારને પણ આ યુદ્ધની અસર થઈ છે. આ સિવાય લેબનોન, જોર્ડન અને ઇજિપ્ત જેવા પાડોશી દેશોના શેરબજાર, બોન્ડ માર્કેટ અને કરન્સી વગેરે પર પણ યુદ્ધની નકારાત્મક અસર પડી છે. શેકેલના ઘટતા મૂલ્યને ધ્યાનમાં રાખીને, બેંક ઓફ ઇઝરાયેલે સોમવારે કહ્યું હતું કે તે ઓપન માર્કેટમાં 30 બિલિયન ડૉલર જેટલુ જ વિદેશી મુદ્રાનું વેચાણ કરશે.